Abtak Media Google News

Table of Contents

સહકાર જ ભારતની સંસ્કૃતિ: સહકારથી આવશે સમૃદ્વિ

નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપભાઇ સંઘાણીની ‘અબતક’ સાથે ‘ચાય પે ચર્ચા’

ઓર્ગેનિક ખેતી કરનારને સહકારી ક્ષેત્ર થાય છે મદદરૂપ: સહકારી ક્ષેત્ર સેવા માટે છે પણ રાજકીય ક્ષેત્ર કેન્દ્રસ્થાને

સહકારી મંડળીઓ, સંઘો સહિત બધે જ મળે છે લીક્વીડ યુરિયા: જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ અટકાવે છે આ ખાતર

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અમરેલીના પૂર્વ સાંસદ, ઇફ્ફકો અને નેશનલ કો-ઓપરેટિંવ યુનિયન ઓફ ઇન્ડિયા (એનસીયુઆઇ)ના ચેરમેન દિલીપભાઇ સંઘાણી ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમણે ‘અબતક’ સાથે ‘ચાય પે ચર્ચા’ કરી. જેના અંશો અત્રે પ્રસ્તુત છે.

પ્રશ્ર્ન : દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એનસીયુઆઇ વિશે થોડી માહિતી આપો ?

જવાબ : ભારતમાં 1904માં સહકારી પ્રવૃત્તિની વિધિવત શરૂઆત થઇ એ પહેલા એનસીયુઆઇની સ્થાપના થઇ ચુકી હતી. આજે દેશની નાનામાં નાની સહકારી મંડળી અને સોસાયટીથી માંડી મોટામાં મોટા સંઘ કે કો-ઓપરેટિવ સેક્ટર એનસીયુઆઇની છત્રછાયા તળે આવી જાય છે એટલે કે એનસીયુઆઇ દેશની સહકારી સંસ્થાઓની વડી સંસ્થા છે. અમે નાના સહકારી ક્ષેત્રને પોતાની પ્રોડક્ટ વેંચવા માટે માર્કેટ આપીએ છીએ. ઉત્પાદકો પોતાની પ્રોડક્ટ લઇને અમારે ત્યાં આવે તો અમે તેને હાટ આપીએ, તેની વસ્તુ લાવવા-લઇ જવાનું ભાડું આપીએ, રહેવા-જમવાની વ્યવસ્થા કરી દઇએ. એમ બધી વ્યવસ્થા અમે કરીએ છીએ. વળી ઉત્પાદકોને ટ્રેનિંગ પણ અમે જ આપીએ છીએ. નોઇડામાં હવે અમે વિશાળ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે.

પ્રશ્ર્ન : ભારતના જન-જન સુધી સહકારી ક્ષેત્રના ફળ મળે અને દરેક વ્યક્તિ સમૃદ્વ થાય એ માટે આપનો કોઇ લક્ષ્યાંક છે ?

જવાબ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એક સૂત્ર આપ્યું છે- ‘સહકારીતાથી સમૃદ્વિ….’ તેમણે નવો સહકાર વિભાગ શરૂ કર્યો છે અને તેની જવાબદારી અમિતભાઇ શાહને આપી છે. અમિતભાઇએ અમારી પાસે નાનામાં નાની સોસાયટીના સભ્યોને તાલિમ મળે અને તેઓ સમૃદ્વ થાય એ માટે 5 વર્ષનો રોડમેપ માંગ્યો છે. એટલે કે આવતા દિવસોમાં સહકારી ક્ષેત્ર થકી દેશમાં સમૃદ્વિ આવશે.

પ્રશ્ર્ન : ઇફ્ફકોએ હમણા નેનો ખાતરનું સંશોધન કર્યું છે, જે શું છે ? કેટલું સફળ ?

જવાબ : દુનિયામાં પહેલીવાર ઇફ્ફકોએ લીક્વીડ નેનો યુરિયા ખાતરની શોધ કરી છે. અત્યાર સુધી યુરિયાની થેલી આવતી હતી જેમાં દાણારૂપે ખાતર આવતું. આ દાણા ખેડૂતો પાક પર છાંટતા પણ તેમાથી 35-40 ટકા જ ખાતર કામમાં આવતું બાકીનું વેસ્ટેજ જતું. આ વેસ્ટેજ ખાતર હવા, પાણી, જમીનને પ્રદૂષિત કરતું. પંજાબમાં યુરિયાના વધુ ઉપયોગથી કેન્સરનો રોગ ફાટી નીકળ્યો અને સરકારે ખાસ દર્દીઓ માટે ‘કેન્સર ટ્રેન’ ચલાવવી પડી હતી. વળી યુરિયા છાંટ્યા પછી ખેડૂતો પાકને પાણી પીવડાવવું પડતું હોય છે. એટલે પાણી હોય એવા ખેડૂતોને જ યુરિયા ખાતર ઉપયોગી બનતું પણ હવે ગુજરાતની કલોલ ફેક્ટરી ખાતે ઇફ્ફકોએ લીક્વીડ નેનો યુરિયા બનાવ્યું છે. દેશભરના પ્રગતિશીલ ખેડૂતો પાસે 6 સિઝનમાં 94 પાક ઉપર 11,000 પ્રયોગો કરાવી 100 ટકા સફળતા મળી એટલે 500 એમ.એલ.ની લીક્વીડ નેનો યુરિયાની બોટલો ઉત્પાદિત કરી છે. એક થેલી સામે એક બોટલ લીક્વીડ ઉપયોગમાં લઇ શકાય છે. યુરિયાના દાણાથી થતી એકપણ પ્રકારની નુકશાની લીક્વીડથી થતી નથી. વળી યુરિયાના એક દાણા કરતાં 55,000મો ભાગ નેનો લીક્વીડ યુરિયામાં હોય છે. અમે 1.80 કરોડ બોટલ સેલીંગ કર્યું છે. જેમાં 80 ટકા દેશમાં અને 20 ટકા વિદેશમાં વેંચ્યુ છે. દેશના ખેડૂતોને હવે નેનો યુરિયા વાપરવા અપીલ કરૂં છું. ભારત નેનો લીક્વીડ યુરિયા બનાવીને વિશ્ર્વગુરૂ બનવાની દિશા કદમ માંડી ચુક્યું છે.

માત્ર રૂા.240નું 500 એમ.એલ. લીક્વીડ ખાતર કોઇ સરકારી સબસીડી વિના વેંચાઇ રહ્યું છે. યુરિયાની એક થેલીએ સરકારને રૂા.3,733 સબસીડી ચૂકવવી પડે છે. એની સામે લીક્વીડ ખાતર સબસીડી વિનાનું છે એટલે કે લીક્વીડ ખાતર ખેડૂતો વાપરે તો સબસીડીના અબજો રૂપિયા સરકાર બચાવી શકે. એમ અંતે તો સરકારને જ ફાયદો છે. યુરિયાની જેમ હવે ડીએપી, ઝીંક અને કોપર ખાતરમાં પણ ઇફ્ફકોએ સંશોધન શરૂ કર્યું છે. સરકારી મંજૂરી મળ્યે અમે એ પણ બજારમાં મુકશું.

પ્રશ્ર્ન : નેનો લીક્વીડ યુરિયા ખાતર ખેડૂતોને ક્યાંથી ઉપલબ્ધ થાય છે ?

જવાબ : દેશની તમામ સહકારી મંડળીઓ, સહકારી સંઘો, ગુજકોમાસોલ, ઇફ્ફકોના વેંચાણ કેન્દ્રો અને ઇફ્ફકો પાસેથી ઓનલાઇન પણ મંગાવી શકાય છે. દેશના કોઇપણ ખૂણે લીક્વીડ ખાતર પહોંચાડવા અમે કટીબદ્વ છીએ. અત્યારે એક જ ફેક્ટરી ચાલુ છે પણ તાજેતરમાં પણ કેન્દ્રીય ફર્ટીલાઇઝર મીનીસ્ટ્રર મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને મિટીંગ મળી, જેમાં ગહનચર્ચા થઇ અને હવે આગામી દિવસોમાં દેશના 4 નવા કેન્દ્રોમાં ફેક્ટરીઓ શરૂ થશે.

પ્રશ્ર્ન : જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે એમને એનસીયુઆઇ કેવી રીતે મદદરૂપ થાય છે ?

જવાબ : ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતને ગુજકોમાસોલ માર્કેટ આપે છે. એમને વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરે છે. જમીન, પાણી, અને હવાનું પ્રદૂષણ અટકાવવા અમે સૌ ઓર્ગેનિક કૃષિનો આગ્રહ રાખીએ છીએ.

પ્રશ્ર્ન : અનેક ખેડૂતો હાઇબ્રીડ બિયારણ વાપરે છે એને માર્ગદર્શિત કરવા સહકારી સંસ્થાઓ કેવા પ્રયાસ કરે છે ?

જવાબ : અમે સહકારી પ્લેટફોર્મ પર સેમિનારો, વર્કશોપ, મિટીંગોના માધ્યમથી ખેડૂતોને હાઇબ્રીડ બિયારણથી થતા નુકશાનો વિશે માર્ગદર્શન આપીએ છીએ. તાજેતરમાં જ અમે અમરેલીમાં એક શિબિર કરી હતી. જેમાં ખેડૂતોને કેટલું ખાતર વાપરવું, કેવી રીતે વાપરવું વગેરે માહિતી આપીએ છીએ.

પ્રશ્ર્ન : અમે રાજકીય અને સહકારી એમ બંને ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કર્યું છે તો તમને ક્યું ક્ષેત્ર વધુ સારી સેવાનું પ્લેટફોર્મ લાગે છે ?

જવાબ : સહકારી ક્ષેત્ર લોકોની સેવા માટે છે. ત્યાં નફો જોવાતો નથી. ભારતની સંસ્કૃતિ જ સહકારની સંસ્કૃતિ છે. પહેલેથી જ લોકો એકબીજાને મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોય છે. કોઇ ગરીબ માણસને ત્યાં દીકરીના લગ્ન હોય તો બધી જ વ્યવસ્થા ગામના લોકો કરી દેતા હોય છે. હવે સહકારને કાયદાની મદદ મળી છે બાકી આપણે તો પહેલેથી જ સહકારને જીવતા આવ્યા છીએ. સામા પક્ષે રાજસત્તા એક સૌથી ટોપ પર હોય છે કેમ કે અમારે પણ કોઇ નિર્ણય મંજૂર કરાવવો હોય તો રાજ્ય કે કેન્દ્ર સરકારની મંજૂરી પછી જ તે શક્ય બને છે. કોઇપણ ફંક્શનમાં રાજકીય લોકો આવે એવું આયોજકો ઇચ્છતા હોય છે.

પ્રશ્ર્ન : ખેડૂતોને આપનો એક સંદેશો…….

જવાબ : ખેડૂતો સહિત સૌ કોઇ એકબીજાના સહકારથી આર્થિક સમૃદ્વિ મેળવે, આત્મનિર્ભર બને, સરકારની બધી જ યોજનાનો લોકો લાભ લે તો દેશ આપોઆપ આત્મનિર્ભર બની જશે. કેમ કે સૌથી પહેલા દરેક વ્યક્તિ અને પરિવારે આત્મનિર્ભર બનવું પડશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.