Abtak Media Google News

આ બજેટ વોટ ઓન એકાઉન્ટ નથી પણ એકાઉન્ટ ફોર વોટસ છે..! પિયુષ ગોયેલની બજેટ સ્પીચ પુરી થતાં જ ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે ટ્વિટ કરેલા ઉપરોક્ત સ્ટેટમેન્ટ અર્થ એવો જ થાય છે કે બજેટમાં સરકારે આગામી ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટેની એકપણ તક જતી કરી નથી. સામાન્ય રીતે ચૂંટણી પહેલાનાં છેલ્લા બજેટમાં સરકારો આવું કરતી જ હોય છે.  અલબત્ત ગત ૨૦૧૪મા આ જ ચિદમ્બરમ સાહેબે પણ એક્સાઇઝમાં ઘટાડો, ડિફેન્સને ગ્રાન્ટ સરકારી બેંકોને ૧૧૨૦૦ કરોડની ફાળવણી, વન રેન્ક વન પેન્શન સ્કીમ જેવી લોકપ્રિય જાહેરાતો કરી જ હતી. આ બજેટની જાહેરાત સાથે ચૂંટણીની બાજી ગોઠવાઇ છે. જેમાં સૌ પહેલા પાસાં મોદીજીએ ફેંક્યા છે.

સરકારે બજેટનાં છેલ્લા તબકકામાં પાંચ લાખ રૂપિયા સુધીની કર માફી સહિતના જે કરવેરાની રાહતો જાહેર કરી છે તે જો NDA ની સરકાર ફરી સત્તા પર આવે તો જુન કે જુલાઇ માસમાં નવા રજૂ થનારા બજેટમાં આ ઉપરાંત આવી ઘણી કરવેરા માફીની રાહતો જાહેર થશે એવું નાણાંમંત્રી બોલ્યા છે, મતલબ કે આ ટેક્ષ સ્લેબ જો અને તો પર આધારિત છે. અહીં સવાલ માત્ર એ છે કે જ્યારે વોટ ઓન એકાઉન્ટ કે વચગાળાનું બજેટ જાહેર થતું હોય ત્યારે આવી પ્રલોભનાત્મક જાહેરાત થઇ શકે? જો આ સવાલ સાલ ૧૯૬૫માં પુછાયો હોત તો જવાબ ના માં આવ્યો હોત..! બેશક એ સમયે આવી જાહેરાતો થઇ જ નહોત, પછી સરકાર UPA ની હોય કે NDA  ની! પણ એમ તો ૧૯૬૫માં ચિદમ્બરમે ૨૦૧૪ માં કરેલી જાહેરાતો જેવી જાહેરાતો પણ ન થઇ હોત..! મતલબ કે આ ૨૧ મી સદી છે, જેમાં રાજકારણીઓ એથિકલ મુવ કરતાં ડ્રામેટિકલ મુવ વધારે કરતા હોય છે. આજની રાજનિતીનું સુત્ર છે Everything is fair in love, war and politics.કદાચ આગામી ચૂંટણીઓ વખતે સરકાર નિયમોને આનાથી વધારે વધારે નેવે મુકી શકે છૈ.

આગામી સરકાર કોઇની પણ આવે તેને પોતાના બજેટમાં હવે પાંચ લાખ સુધીની કર માફીની જોગવાઇ કરવી જ પડશે. નહીતર મતદારો શરૂઆતથી જ નારાજ રહેશે. આવા સંજોગોમાં સરકાર ચાહે ઞઙઅ ની હશે તો પણ ટેક્ષ માળખું NDA ના સમયનું કહેવાશે. મતલબ કે UPA નાં નાણા પ્રધાને કોઠીમાં મોં ધાલી ને રોવા નો વારો આવવાનો છે.

હાલની સરકારે એકંદરે કરવેરાની વસુલી વધારી હોવાની જાહેરાત કરી છે. ગત મહિને GST ની વસુલી જ એક લાખ કરોડ થઇ હોવાનું જણાવ્યું છે. પણ સામાપક્ષે રાજકોષિય ખાધ વધીને ૩.૪ ટકાથી વધારે થવાની છે. જે આગામી દિવસોમાં ફૂગાવો વધારશે, સરકાર આવક કરતા ખર્ચ વધારે કરતી થશે. જે ‘વિકાસ’ નેં માંદો પાડી શકે છે. પણ સરકારને હાલમાં ‘વિકાસ’ ની હાલત કરતા વધારે ચિંતા ખુરશી છે. બાકી હોય તો વૈશ્વીક બજારમાં ચીનની હાલત કપરી થવાથી તેની માગ ઘટશે. તેથી સરકાર ધારે તો પણ વિકાસ ને ઝડપથી દોડાવી નહીં શકે.

ખેડૂતો માટે જાહેર કરેલી ૬૦૦૦ રૂપિયાની રાહત ના કારણે દેશની તિજોરી પર આશરે નવો ૨.૩૦ લાખ કરોડનો બોજ આવી શકે છે. આ યોજનાનો ૨૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો ચૂંટણીઓ જાહેર થાય એ પહેલા ચૂકવવામાં આવશે એ પણ હવે સ્પષ્ટ થઇ ચુક્યું છે. હવે જો વિપક્ષ આને ગેરકાયદે કહીને વિરોધ કરે તો ખેડૂતો નારાજ થાય અને મૂંગા મોઢે જોયા કરે તો ખાતામાં રૂપિયા જમા થતાં ખેડૂતો ખુશ થાય. સાથે જ તેમનો ભરોસો બેસે કે મોદીએ કીધું તે કર્યુ. આ ચાલ મોદીજીની ‘ફેંકુ’ ઇમેજ ઉભી કરનારા વિરોધીઓને મ્હાત કરવા માટે ખેલાયેલો દાવ ગણી શકાય.

બજેટની જાહેરાત સાથે હવે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ રહ્યું છે. આગામી બે મહિના દરમિયાન હવે મોદીજી, સોનિયાજી, દીદીજી અને બહેનજી વિરોધીઓને મ્હાત કરવા રાજકીય દાવો ખેલતા રહેશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.