Abtak Media Google News

ઢોલીવુડનો “ઢોલ” ક્યારે ઢબુકશે..? ગુજરાતનું ગૌરવ અને પોતીકું પ્લેટફોર્મ ગણાતું એવું ગુજરાતી સિનેમા જગત હિન્દી ફિલ્મો સમોવડી બનવા તરફ ડગ તો ભરી રહી છે. પરંતુ આ સોનરી સપનાંને સાકાર કરવામાં ઘણી બાધાઓ છે. ઉભરતા જતા ગુજરાતી સિનેમાને હવે એક મોટી અડચણરૂપ તરીકે કોરોના વાયરસ  બાધા બન્યો છે. કોરોનાની વૈશ્વિક મહામારીની અસર દરેક ક્ષેત્રે પડી છે. જેમાંથી બૉલીવુડ, ઢોલીવુડ કે હોલીવુડ પણ બાકાત નથી.

લોકડાઉન, કર્ફ્યુ સહિતના કડક નિયમોથી નાના-મોટા ઉદ્યોગ અને એમાં પણ મનોરંજનનું મોટું માધ્યમ એવા સિનેમા હોલને જ બ્રેક નથી લાગી. ફિચર ફિલ્મો બનાવવાના ગુજરાતી ફિલ્મ નિર્માતાઓના સપનાઓને પણ બ્રેક લાગી ગઈ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની નવરાત્રી પહેલાં “ઉજાગરો” કરવાની સ્થિતિ સર્જાઈ છે. આપણે સૌ કોઈને ખબર છે તેમ ગુજરાતી સિનેમામાં અર્બન ફિલ્મોની શરૂઆત અને એમાં પણ ખાસ “છેલ્લો દિવસ” મુવીએ જ ઢોલીવુડની જમાવટ કરેલી. અહીંથી જ ગુજરાતી સિનેમાની નવી ઊંચાઈ શરૂ થયેલી પણ કોરોનાએ જાણે ઢોલીવુડનો છેલ્લો દિવસ નજીક લાવી દીધો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

કોવિડ પૂર્વેની ઘણી ગુજરાતી ફિલ્મો તૈયાર થઈ બેઠી છે. પણ આ માટે રોકાણ કરેલ રોકાણકારોને તેમના મૂળ બિઝનેશમાં નુકસાન થતા તેઓ પાછળ હટતા તૈયાર થયેલી ફિલ્મો રિલીઝ થઈ શકે તેમ નથી. ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ઘણી ગુજરાતી ફિલ્મો છે જે તૈયાર હતી પરંતુ કોવિડ -19 પ્રતિબંધોને કારણે રિલીઝ થઈ શકી નથી. આવી ફિલ્મોના ફાઇનાન્સર્સ દેવાના વર્તુળમાં અટવાયેલા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ હેલ્લારોના દિગ્દર્શક અભિષેક શાહે કહ્યું કે, કોવિડે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ માટે ખૂબ જ ડરામણી અને દુ:ખદ પરિસ્થિતિ ઉભી કરી છે. ગુજરાતી બિઝનેસમેનોને લાંબા સમયથી ફિલ્મોમાં ઊંડો રસ હતો અને જ્યારે તેઓએ ગુજરાતી ફિલ્મોમાં રોકાણનું શરૂ કર્યું ત્યારે વ્યાપ વિસ્તાર વધ્યો. છેલ્લા એક દાયકામાં ગુજરાતી સિનેમા જગતમાં મોટો બદલાવ આવ્યો છે.

ટાઇલ્સ, માર્બલ, રિયલ એસ્ટેટ, ડાયમંડ પ્રોસેસિંગ અને સ્ક્રેપ બિઝનેસ જેવા વિવિધ બિઝનેસ બેકગ્રાઉન્ડના નાણાકીય સમર્થકોએ ફિલ્મોમાં રોકાણ કર્યુ. પણ કોરોનાને કારણે હાલ તેમનું મુખ્ય ધ્યાન તેમના મૂળ વ્યવસાયમાં થયેલા નુકસાનની ભરપાઈ અને તેમને પુનર્જીવિત કરવાનું છે. આથી હવે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ તેમનું ધ્યાન ફીચર ફિલ્મોથી ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ પર ખસેડ્યું છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ગુજરાતી ફિલ્મોએ હંમેશા હિન્દી ફિલ્મોની સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે. હોલીવુડ સહિત અન્ય ભાષાઓમાં ફિલ્મો હિન્દીમાં ડબ કરવામાં આવી રહી છે અને મુખ્ય OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. ઓટીટી જગ્યા પહેલેથી જ ભીડ અને હરીફાઈથી ભરેલી છે તેથી ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મને સફળ બનાવવા માટે ઘણી મહેનત અને તૈયારી કરવાની જરૂર છે.

ગુજરાતમાં 20થી વધુ મલ્ટીપ્લેક્સ ચલાવતી લિસ્ટેડ કંપની સિટી પલ્સ મલ્ટિપ્લેક્સ લિમિટેડના ચેરમેન અર્પિત મહેતાએ જણાવ્યું કે કોરોનાએ ફીચર ફિલ્મનું નિર્માણ લગભગ અટકાવી દીધું છે. ઘણી ફિલ્મો તૈયાર છે પરંતુ નિર્માતાઓને રિલીઝ કરવા માટે આત્મવિશ્વાસ નથી. કારણ કે સિનેમા ગૃહોમાં હજુ કડક નિયમોને કારણે બીક છે. ગુજરાતી ઓટીટી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ “ઓહો” લોન્ચ કરનાર અને ફિલ્મ નિર્માતા અભિષેક જૈને કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ માટે મૂળ ફીચર ફિલ્મો બનાવવી મુશ્કેલ છે. અમે નાના બજેટ ધરાવતો એક નાનો ઉદ્યોગ છીએ તેથી નવી ફિલ્મો સીધી ઓટીટી પર રજૂ કરવી શક્ય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.