Abtak Media Google News

કોરોના કાચીંડાની જેમ “કલર” બદલતા દિનપ્રતિદિન કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં મોટાભાગના રાજ્યોમાં વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. જેમાથી ગુજરાત પણ બાકાત નથી. દરરોજ સરેરાશ 2500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વધતા જતા આ કોરોના આંતક સામે ગુજરાત હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે અઠવાડિયાના 3 અથવા 4 દિવસ કરફ્યૂ લાગુ કરવા રાજ્ય સરકારને નિર્દેશ જારી કર્યો છે.

વાયરસ વકરતા જનતાના જીવ પર મોટું જોખમ ઉભું થયું છે. કેસ વધતા મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. આ દરને ઘટાડવા કડક અને સૂચારુરૂપથી પગલા ભરવા આજરોજ હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. તેમજ જણાવ્યું છે કે રાજ્યભરમાં રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવામાં આવે. સરકાર 3 કે 4 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે.

લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે- હાઈકોર્ટ

રાજ્યમાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. કોરોનાનો રાફડો ફાટી રહ્યો હોય તેમ કેસ વધી રહ્યા છે. આ પરિસ્થિતિ ફરી લોકડાઉન લયાવે તેવી દહેશત ઉભી થઇ છે. આ અંગે હાઈકોર્ટે પણ અવલોકન કરતા કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે.

શું ફરી લોકડાઉન લાગશે ??

કોરોના કેસ વધતા ગત વર્ષના માર્ચથી જૂન અને નવેમ્બર મહિના જેવી સ્થિતિ ફરી ઉભી થઇ છે. દેશમાં નવા કેસની સંખ્યા ફરી એક લાખને પાર થઈ ગઈ છે. જે ખતરાની ઘંટડી સમાન છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. એવામાં ગુજરાત પર પણ ખતરો વધ્યો છે. કોરોનાની બીજી લહેર ફરી લોકડાઉન લ્યાવશે ?? તેવો પ્રશ્ન દરેક જનને મુખે ચર્ચાઈ રહ્યો છે. જો કે ગુજરાતમાં લોકડાઉન નહીં લદાય તેવી સ્પષ્ટતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેકવાર કરી છે પરંતુ હાલ સ્થિતિ વધુ કથળતા આંશિક પ્રતિબંધો અનિવાર્ય બન્યા છે અને હવે તો હાઈકોર્ટ દ્વારા પણ આ બાબતે આદેશ જારી કરાયા છે જે મુજબ આગામી 2 દિવસમાં રાજ્ય સરકાર વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરશે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.