‘જરૂરિયાત એ શોધખોળોની જનની છે’:ઉક્તિને સાર્થક કરતું રાજકોટ સિવિલ હોસ્પિટલનો એનેસ્થેસિયા વિભાગ

0
65

બેઈન સરકીટ વડે દર્દીનું મહત્તમ ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન કરી શકાય

જરૂરિયાત/આફત કે મહામારી એ શોધખોળોની જનની છે. આ કહેવત હાલમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પણ સાચી પુરવાર થઇ રહી છે. વધતા જતા કોરોના કેસોના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાવાના અનેક કિસ્સાઓમાં કસોટીના સમયે રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે અત્યાર સુધી માત્ર પોતાના ક્ષેત્રમાં વપરાતી બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 40-50 જેટલા દર્દીઓની મહામુલી જીંદગી બચાવી છે. સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની તથા સમયાંતરે દર્દીને હોશમાં લાવવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે, એવી સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર ? બેઈન સર્કિટ શું છે ? તેનો શા માટે અને કેવી રીતે ઉપયોગ થાય ?

આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસર ડો. ચેતના જાડેજા જણાવે છે કે, અમારા એનેસ્થેસિયા વિભાગના હેડ વંદનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ કોવિડ-19ના અતિ ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સારવાર કરીએ છીએ. કોવિડ-19 ની અસર તળે ફેફસાને પુરતો ઓક્સિજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થવી, વ્યક્તિમાં લોહી ગંઠાઈ જવું, જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ 21% જેટલો ઓક્સિજન નથી મેળવી શકતો.

કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં 70% થી 100% જેટલો ઓક્સિજન આપવો પડે છે, તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે. વધુમાં જણાવતા ડો. જાડેજાએ કહ્યું હતું કે, જે દર્દીઓને શ્વાચ્છોશ્વાસની સમસ્યા હોય, ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તેવા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં આવે છે. આવા દર્દીઓને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવા માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જેના વડે દર્દીને આ પ્રકારે શ્વાચ્છોશ્વાસ કરાવવામાં આવે છે. જે દર્દીઓની પરિસ્થિતી ગંભીર હોય તેને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. દર્દીની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓક્સિજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે ઓક્સિજનનો જથ્થો ઓછો હોય અને દર્દીની જરૂરીયાત વધારે હોય ત્યારે બેઈન સરકીટનો ઉપયોગ કરીને ઓછા ઓક્સિજને મહત્તમ સારવાર આપી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here