શિક્ષણ પદ્ધતિના ફેરફારની જરૂર!

અંગ્રેજો આપણી શિક્ષણ પ્રથા ત્યાં લઈ ગયા, અને ત્યાંની પ્રથા અહીં ઠોકી બેસાડી

શિક્ષણ અત્યારે વ્યવસાય બની ગયો છે. જો કે હકીકતમાં શિક્ષણ એ એક સેવા છે. બીજી તરફ આપણી શિક્ષણ પદ્ધતિ પણ અંગ્રેજોએ અમલમાં મુકેલી છે. જે માત્રને માત્ર કારકુન બનાવવા પૂરતી જ છે. આપણે આઝાદ થયાને આત્મનિર્ભર પણ બની ગયા. પણ હજુ આ શિક્ષણ પદ્ધતિ આપણે છોડી નથી. જો દેશને વિકસિત બનાવવો હોય તો તે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કર્યા વગર સંભવ લાગતું નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હરિયાણાના કરનાલ ખાતેના સંબોધનમાં પણ આ વિશે જ કહ્યું હતું. તેઓએ જણાવ્યું કે ભારતમાં અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં 70 ટકા વસ્તી શિક્ષિત હતી અને અહીં કોઈ બેરોજગારી નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે ’તે જ સમયે ઈંગ્લેન્ડમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત હતા. ભારતમાં આવ્યા પછી, અંગ્રેજોએ આપણી શિક્ષણ પ્રણાલી એટલે કે 70 ટકા લોકોને શિક્ષિત રાખવાની પદ્ધતિને કબાડ કરી નાખી. ત્યારબાદ આપણી શિક્ષણ પ્રણાલીને પોતાને ત્યાં લઇ ગયા અને તેમની શિક્ષણ પ્રણાલીને ભારતમાં લાવી.

મોહન ભાગવતે કહ્યું કે અંગ્રેજોની એ શિક્ષણ પદ્ધતિથી આપણે 17 ટકા સાક્ષર રહી ગયા અને તેઓ 70 ટકા શિક્ષિત બન્યા. આ ઈતિહાસનું સત્ય છે. તેમણે કહ્યું કે આપણી પાસે જે શિક્ષણ વ્યવસ્થા હતી શિક્ષકો તેમાં ભણાવતા હતા, બધાને શીખવતા તેમાં જ્ઞાતિ-જાતિનો ભેદભાવ નહોતો. માણસ પોતાનું જીવન જીવી શકે, આટલું જ નહીં શિક્ષણ પણ દરેક માટે ઉપલબ્ધ હતું. શિક્ષકો ગામે-ગામ  જઈને ભણાવતા હતા. તેઓ પોતાનું પેટ ભરવા માટે શીખવતા નહોતા કારણ કે શિક્ષણ આપવું તેમનું કામ છે. શિક્ષણ એ તેમનું કર્તવ્ય અને ધર્મ હતું.

તેમણે કહ્યું કે ’આજકાલ આપણા દેશમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે દરેક વ્યક્તિ શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કંઈ પણ કરવા તૈયાર છે, કારણ કે આ બંને વસ્તુઓ ખૂબ જ મોંઘી અને દુર્લભ બની ગઈ છે.’ તેમણે કહ્યું કે આજે આ બંને બાબતો આજે ધંધો બની ગઈ છે.  શિક્ષણ અને આરોગ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે. તેમણે કહ્યું કે પહેલા આ વસ્તુઓને બિઝનેસ તરીકે જોવામાં આવતી ન હતી.