Abtak Media Google News

ગુજરાતની કલારસિક જનતાની આતુરતાના અંત સાથે તથા કલાપ્રિય જનતાના શિષ્ટ અને પ્રશિષ્ટ, રસ અને રૂચિને પુષ્ટ કરવાના હેતુથી, તેમજ અનેક સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહેતી રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં વર્ષે કલા આધારીત રંગા-રંગ મહોત્સવ ‘સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ’ નવા રુપરંગ સાથે વર્ચ્યૂઅલ્ ઓનલાઇન માધ્યમથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે જાન્યુઆરી ૨૦૨૦ માં આયોજીત સપ્ત સંગીતિ કાર્યક્રમની યાદગાર સ્મૃતિઓ હજી શ્રોતાઓ અને દર્શકોના મનમાં જીવંત છે ત્યારે હાલના કોરોના  મહામારીને ધ્યાનમાં રાખીને આ સંગીત મહોત્સવ શ્રોતાઓ ઓનલાઈન માણી શકે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા વર્ચ્યૂઅલ્ માધ્યમથી કાર્યક્રમના પ્રિમિયર યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ વર્ષે નવીનમાં સંસ્થા દ્વારા ભારતભરમાંથી ઉભરતી ચુંટેલી પ્રતિભાઓને શ્રોતાઓ સમક્ષ રજુ કરવાનો, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો તેમજ હાલની પરિસ્થિતિમાં કલાકારોની પ્રત્યક્ષ પ્રસ્તુતિઓ બંધ થઈ જવાથી તેમને થયેલ આર્થિક નુકશાનમાં મદદરુપ થવાનો નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી રવિવારે તા.૧૩ જુનના રાત્રે ૯:૦૦ કલાકે  શાસ્ત્રીય કંઠય સંગીતના કલાકારા પ્રિયા પુરુષોથમનનો પ્રિમિયર શો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબના માધ્યમથી રજૂ થશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં રાજકોટની ૧૫ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ૨૫ થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુલ લર્નીંગ મટીરીયલ અને ૫૦૦ જેટલા લેપટોપ કોમ્યુટર દ્વારા મળી રહ્યો છે. આ ઉપરાંત હાલની કોરોનાનાં વૈશ્વિક મહામારીના સમયમાં સંસ્થા દ્વારા કોવિડ રીલીફ કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં માતબર રકમના જીવન રક્ષક ઉપકરણો પહોંચાડવામાં આવ્યા તથા રાજકોટની ૧૭ મહાનગરપાલિકા સંચાલીત શાળાઓના બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

કલાના ક્ષેત્રમાં પણ કલાકારોને તેમના શ્રોતાઓ સુધી પહોંચવા માટે ઓનલાઈન મંચ સર્વપ્રકારે ઉચિત બની રહ્યુ છે. આ ખ્યાલને ચરિતાર્થ કરતા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા દેશના ખ્યાતિપ્રાપ્ત કલાકારોની પ્રસ્તુતિ રાજકોટની જનતા માટે તદ્દન નિ:શુલ્ક પહોંચાડવા માટે પૂર્વતૈયારીઓ છેલ્લા ઘણા સમયથી શરુ કરી દેવામાં આવી હતી. ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી સતત ચાર વર્ષ રાજકોટ અને ગુજરાતના કલારસિકોને તેમના મનપસંદ કલાકારોની સ્વર, વાદ્ય અને નૃત્યની કલાથી રસતરબોળ થવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો હતો, પરંતુ હાલની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કલાકારોની વર્ચ્યૂઅલ્ ઓનલાઈન પ્રસ્તુતિ લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર કરેલ છે.

આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટમાં આગામી ૧૩ જુનના રોજ રાત્રે ૯:૦૦ કલાકે પ્રિયા પુરુષોથમનના શાસ્ત્રીય કંઠય સંગીત નો પ્રિમિયર ખાસ સપ્ત સંગીતિના દર્શકો માટે યોજાશે. જેમાં આ સુરીલી કલાકારાને સાંભળવાનો લાહવો સપ્ત સંગીતિના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી બિલકુલ નિ:શુલ્ક લઈ શકાશે. જેમાં લંડનનું બાર્બીકન સેન્ટર, ન્યુયોર્ક સ્ટેટના કાર્નેગી હોલ, બોસ્ટન, મુંબઈ, ચેન્નઈ, મૈસુર, દિલ્હી અને કલકત્તા જેવા શહેરોમાં કાર્યક્રમો કરેલા છે. આ ઉપરાંત તેઓ ઓલ ઈન્ડિયા  રેડિયોના ગ્રેડેડ આર્ટીસ્ટ છે. આ કાર્યક્રમમાં પ્રિયા પુરુષોથમન સાથે હાર્મોનિયમ પર પં. વ્યાસમૂર્તિ કટ્ટી, તબલા પર સાગર ભારદ્વાજ અને તાનપુરા પર મનિષા વ્યાસ સંગત કરશે.

સપ્ત સંગીતિ દ્વાર જાહેર કરવામાં આવેલ દેશના ખ્યાતનામ કલાકારોના કે જેના વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ પ્રિમિયર આગામી સમયમાં યોજાવાના છે, તેમાં ષડજ ગોડખિંડીનું બાસુરીવાદન, નબનિતા ચૌધરીનું શાસ્ત્રીય કંઠય સંગીત, બ્રિજેશ્વર મુખર્જી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, સંસ્ક્રાતિ અને પ્રક્રાતિ વાહનેનું સિતાર અને સંતુરવાદન, કૌશર હાજી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, ધ્વની વછરાજાનીનું શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી શરદ પ્રસન દાસનું વાયોલિનવાદન અને પલાશ ધોળકિયાના શાસ્ત્રીય કંઠય સગીતનો લાભ આગામી સમયમાં માણી શકાશે. આગામી પ્રિમિયરોની તારીખ અને સમય ફેસબુક, વોટસ એપ, મેસેજીંગ અને મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.