Abtak Media Google News

હવામાનમાં થતા બદલાવ પાઇલોટ માટે પડકાર રૂપ : પ્લેન ક્રેશમાં તમામ યાત્રિકો અને ક્રુ મેમ્બરોના મોત નિપજ્યા !!!

છેલ્લા 8 મહિનામાં નેપાળમાં બીજી સૌથી મોટી દુર્ઘટના !!!

નેપાળમાં રવિવારે દર્દનાક વિમાન દુર્ઘટના થઇ હતી. લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં 68 યાત્રીઓ સહિત કુલ 72 લોકો બેઠેલા હતા. જેમાં 5 ભારતીય નાગરિકો પણ હતા. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કો પાયલટ અંજુ ખતિવડાની પાયલોટ તરીકે અંતિમ ઉડ્યન હતી.

પ્લેનને સકુશલ લેન્ડિંગ કરાવ્યા બાદ અંજૂ કેપ્ટન બનવાના હતા. તેના માટે તેઓ સીનિયર પાયલોટ અને ટ્રેનર કમલ કેસી સાથે ઉડ્યન પર ગયા હતા.રેસ્ક્યુ ઓપરેશનના વડા અને પોખરાના મુખ્ય જિલ્લા અધિકારી ટેક બહાદુર કેસીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 64 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.  વિમાન દુર્ઘટના પર નેપાળ સરકારે મોટી જાહેરાત કરી છે. નેપાળમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વિમાનમાં 53 નેપાળી નાગરિકો સવાર હતા. એટલુંજ નહીં અંતે સરકારે પુષ્ટિ કરી છે કે પ્લેનમાં સવાર તમામ મસાફરો અને સપોર્ટ સ્ટાફના મોત નિપજ્યા છે.

નેપાળ વિમાન દુર્ઘટના સંદર્ભે નાગેન્દ્ર ઘીમિરેના નિર્દેશનમાં પાંચ સભ્યોની તપાસ સમિતિની જાહેરાત કરવામાં આવી છે, જે અકસ્માતની તપાસ કરશે. આ સમિતિમાં ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન સચિવ નાગેન્દ્ર ઘીમીરે, એરોનોટિકલ નિષ્ણાત દીપક પ્રસાદ બંસટોલા, નિવૃત્ત વરિષ્ઠ પાયલટ સુનિલ થાપા અને એર મેન્ટેનન્સ એન્જિનિયર ટેકરાજ જંગ થાપાને સમિતિમાં રાખવામાં આવ્યા છે.  નેપાળમાં છેલ્લા 8 મહિનામાં આ બીજી મોટી વિમાન દુર્ઘટના છે.

નેપાળમાં ફ્લાઈટ ઊડાડવી જોખમી હોવાના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે, નેપાળની કુદરતી રચના એટલે કે પર્વતો, નબળા નિયમન અને નવા એરક્રાફ્ટનો અભાવ નેપાળને વિમાન ઉડાવવા માટે સૌથી ખતરનાક દેશ બનાવે છે.  નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીના 2019ના સેફ્ટી રિપોર્ટ અનુસાર, દેશની ખતરનાક ભૌગોલિક સ્થિતિ પણ પાઇલટ્સ માટે એક મોટો પડકાર છે. રિપોર્ટ અનુસાર, નેપાળનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દરિયાની સપાટીથી 1,338 મીટરની ઊંચાઈ પર એક સાંકડી ઘાટીમાં સ્થિત છે, જેના કારણે વિમાનોને ખૂબ જ સાંકડી ટર્નિંગ સ્પેસ મળે છે.

પ્લેન ક્રેશ થવાનું બીજું કારણ વધુ સારી ટેક્નોલોજીવાળા રડારનો અભાવ છે. આનાથી પાઇલટ્સ માટે મુશ્કેલ ભૂપ્રદેશ અને મુશ્કેલ હવામાનમાં નેવિગેટ કરવું મુશ્કેલ બને છે. નેપાળ એસોસિએશન ઑફ ટૂર ઑપરેટર્સના અશોક પોખરિયાલ જણાવે છે કે જૂના વિમાનોમાં મોર્ડન વેધર રડાર નથી. જેના કારણે પાયલટને રિયલ ટાઇમમાં મોસમની જાણકારી મળતી નથી. નેપાળ પાસે કુશળ, સેલ્ફ મોટિવેટેડ સિવિલ એવિએશન સ્ટાફ પણ નથી. કર્મચારીઓની અછતને કારણે કેટલાક કર્મચારીઓને નિયમિત ફરજો ઉપરાંત લાંબા સમય સુધી કામ કરવું પડે છે. તેના કારણે કામ પર અસર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.