Abtak Media Google News

કોરોના વાયરસના સંક્રમણના કારણે દુનિયાભરના લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે, વળી આ અંધાધુંધી ક્યારે અટકશે તેનો કોઈ અંદાજ જ નથી, તેવા સમયે સરહદી યોદ્ધાઓની જેમ વહીવટી અધિકારીઓ, આરોગ્યક્ષેત્રે કાર્યરત ડોક્ટર્સ, નર્સીંગ-સ્ટાફ તથા સહાયકો, પોલીસ વિભાગ, હોમગાર્ડ, એન.સી.સી. કેડેટસ તેમજ સફાઈ કામદારોને સો-સો સલામ. આપણા આ યોદ્ધાઓ ઉપરાંત ઉડીને આંખે વળગે તેવું એક કાર્ય જામનગરના મીડિયાકર્મીઓ પણ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે વહીવટી તંત્ર તેમજ આરોગ્ય શાખાની દૈનિક કામગીરીની સમજ અને અહેવાલ વગેરે સમાજના લોકોને પહોંચાડવાનું કાર્ય મીડિયા કર્મીઓ અવિરત પણે કરી રહ્યા છે. જામનગરના લગભગ દરેક દૈનિક અખબાર, સોશ્યલ મીડિયાના માધ્યમથી કોરોનાના દર્દીઓની માહિતી તથા વહીવટી તંત્રની વ્યવસ્થા ૨૪ કલાક નિ:સ્વાર્થભાવે બજાવે છે, તે પ્રશંસનિય છે. ખરા અર્થમાં તે લોકો પણ ’કોરોના વોરિયર્સ’ જ છે. સામાન્યત: બપોરના બે વાગ્યે દૈનિક કાર્યમાંથી ઓલમોસ્ટ ફ્રી થનાર મીડિયા મહામારીના આ સમયે  અડધી રાત સુધી તેમજ વહેલી સવારથી જ કોરોના-અપડેટની છેલ્લામાં છેલ્લી માહિતી નિયમિત પણે પહોંચાડે છે. એટલું જ નહિં, જામનગરના તમામ અખબારો વચ્ચે જાણે એક સ્પર્ધા હોય તેમ દરેક અખબારર પોતાનો પવિત્ર ધર્મ બજાવી લોકોને સોશ્યલ મીડિયા માધ્યમથી નિયમિત બ્રેકીંગ ન્યુઝ આપતા રહે છે, આ સ્પર્ધા એક તંદુરસ્ત હરિફાઈના રૃપમાં પણ દેખાઈ આવે છે, જે જામગનરના મીડિયા જગતનું એક જમા પાસું છે. અખબારી આલમના આ ભગીરથ કાર્યને બીરદાવતા ડો. રૃપારેલીયા જણાવે છે કે આવા માધ્યમથી ઉપલબ્ધ માહિતીના આધારે જાહેર જનતા પણ યોગ્ય અને હકારાત્મક પ્રતિસાદ આપે અને સરકાર તરફથી મળતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરે અને જો આપણે આવી બાબતોનું ધ્યાન રાખી, સાથ-સહકાર આપીશું તો કોરોનાને આપણે ચોક્કસ પણે હરાવીને જ રહેશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.