Abtak Media Google News

અબતક, ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનાં ખાત્મા બાદ ફરીથી શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ ૬થી ૧૨નાં વર્ગો બાદ હવે રાજ્યમાં ધોરણ ૧થી ૫નાં વર્ગો શરૂ કરવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. આ વચ્ચે જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચ ૨૦૨૨થી ૩૦ માર્ચ ૨૦૨૨ દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા ૧૧-૨૧ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨નાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી ૧૮-૨૭ ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અને બીજી કસોટી ૨૭ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર ૬ જૂન ૨૦૨૨થી શરૂ થશે.

બોર્ડની પરીક્ષા ૧૪ માર્ચથી લેવાશે અભ્યાસક્રમમાં ઘટાડો નહીં થાય

આ કેલેન્ડરમાં ધોરણ ૯થી ૧૨ના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત ધોરણ ૯થી ૧૨ની પ્રથમ પરીક્ષા જૂનથી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં રહેશે. પ્રથમ સત્રમાં ૧૧૮ કાર્ય દિવસ અને બીજા સત્રમાં ૧૩૦ દિવસનું કાર્ય રહેશે.ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરનાં ખાત્મા બાદ ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૯-૧૨નાં વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ધોરણ ૬થી ધોરણ૮નાં વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. અને હવે કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને હવે શૈક્ષણિક કેલેન્ડર જાહેર થયા બાદ ગુજરાતમાં શૈક્ષણિક પ્રવૃતિ રાબેતામુજબ થશે.

૨૧ દિવસનું દિવાળી વેકેશન,૩૫ દિવસનું ઉનાળુ વેકેશન

રજાઓ વિશે વાત કરવામાં આવે તો, શૈક્ષણિક કેલેન્ડરમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે, જ્યારે ઉનાળું વેકેશન ૩૫ દિવસનું આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮ સ્થાનિક રજાઓ અને ૧૬ દિવસની જાહેર રજાઓ સાથે કુલ ૮૦ દિવસની રજાઓ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.