Abtak Media Google News

વસુધા સોસાયટીમાં 3 અને ગર્વમેન્ટ પ્રેસ કોલોનીમાં કોરોનાનો એક કેસ મળી આવ્યો: તમામ એક જ પરિવારના

રાજકોટમાંથી કોરોના વિદાય લેવા ભણી આગળ વધી રહ્યો છે. વેક્સિનેશનની કામગીરી પણ 99 ટકા સુધી પહોંચી જવા પામી છે ત્યારે હવે એક નવી ઉપાધી આવી છે. વેક્સિનના બન્ને ડોઝ લેનાર ચાર વ્યક્તિઓ કોરોનાથી સંક્રમીત થયા છે. જો કે, તેઓમાં કોરોનાના માત્ર સામાન્ય લક્ષણો છે. છતાં શહેરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

આ અંગે આરોગ્ય શાખાના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રેલવે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અને જામનગર રોડ પર વસુધા સોસાયટીમાં રહેતા 53 વર્ષીય પુરૂષ ગત 5મી ઓકટોબરના રોજ જામનગર ગયા હતા. તેઓને ગત 15મીએ કોરોનાના લક્ષણ જણાતા આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવતા 16મીએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેઓએ 4 માર્ચે વેક્સિનનો પ્રથમ અને 27મી એપ્રીલે બીજો ડોઝ લઈ લીધો હતો. ગઈકાલે તેઓને સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓના કોન્ટેક્ટમાં આવેલા અને હાઈ રિસ્ક પર રહેલા 10 વ્યક્તિઓને શોધી કાઢી તેઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 3ના કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે. જેમાં 57 વર્ષના પુરૂષ અને 50 તથા 52 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. ત્રણેય એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત લો-રિસ્ક કોન્ટેક્ટમાં આવેલા 67 લોકોના રિપોર્ટ કરાયા હતા. કુલ 77 રિપોર્ટ કરવા આવ્યા છે. એક જ પરિવારના અલગ અલગ 4 સભ્યોને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાથે સાથે તમામે વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આજ સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 42832 કેસો નોંધાયા છે. જે પૈકી 42370 લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે. રિકવરી રેટ 98.92 ટકા જેવો છે. કુલ 14,29,848 ટેસ્ટ કરાયા છે. પોઝિટિવીટી રેટ 3 ટકા જેવો છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં કોરોના નાબૂદ થવા તરફ હતો પરંતુ ગઈકાલે અને આજે એમ બે દિવસમાં કોરોનાના કુલ 4 કેસો મળી આવ્યા છે.

સૌથી મોટી ઉપાધી એ છે કે, વેક્સિનના બન્ને ડોઝ લેનાર વ્યક્તિઓ પણ હવે કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. શહેરમાં ફરી કોરોના ઉથલો ન મારે તે માટે મહાપાલિકા દ્વારા જે વિસ્તારમાં કોરોનાનો કેસ મળી આવ્યો છે ત્યાં ટેસ્ટીંગ અને ટ્રેસીંગ ઝુંબેશ પણ શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.