- વેકેશન પુરૂ થયું ને વિદ્યાર્થીની ફરી શિક્ષણની રફ્તારે સાથેનું નવું સત્ર શરૂ થયું: નવા મિત્રો અને નવા પુસ્તકો સાથે આનંદમય શિક્ષણની યાત્રા શરૂ: ખુશીઓની અનંતયાત્રા પુરી થઇ ફરી જ્ઞાન-મંદિરમાં ફૂલો ગોઠવાઇ ગયા
- વર્ગખંડો ફરીથી કલરવથી ગુંજી ઉઠ્યા, તો શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ખુશ થયા: વેકેશનની યાદો તાજી કરતાં, છાત્રો ભવિષ્યના શિક્ષણ માટે માનસિક રીતે તૈયાર થયા
ઉનાળાના લાંબા વેકેશન બાદ આજે ફરી નવા શૈક્ષણિક સત્ર જુન 2025થી 31 મે 2026ના બન્ને સત્રો માટે જ્ઞાનયાત્રામાં જોડાઇ ગયા હતા. પ્રથમ દિવસે બાળજીવનને વેકેશનમાં રિચાર્જ કરીને નવા અનુભવો, નવી યાદો સાથે વેકેશનની મોજ પૂર્ણ કરીને બાળકો સાથે જ્ઞાનમંદિરના પગથિયા ચડ્યા હતા. નવા મિત્રો અને નવા પુસ્તકો સાથે આનંદમય શિક્ષણની યાત્રા આરંભી હતી. વિદ્યાર્થીઓ માટે વેકેશન એટલે ખુશીઓની અનંત યાત્રા હોય છે. આજે ફરી બાળ ફૂલો શાળાની ફૂલદાનીમાં ગોઠવાય ગયા હતા. નવા ધોરણના નવા વર્ગ સાથે શિક્ષક પણ નવા આવવાથી શાળા પ્રારંભે જ આનંદમય અને અસરકારક ક્લાસરૂમના વાતાવરણથી થયો હતો.
મોટાભાગે છાત્રોની શાળા તેજ હોય છે, પણ વર્ગખંડ ફરી જતો હોય છે. શહેર કે બીજે રહેવાથી નવી શાળામાં એડમીશન લેનાર બાળકો પ્રથમ દિવસે સમોવડીયાને પૂંછીને અનુસરતા જોવા મળ્યા હતા. નાનકડા બાળકો પ્લે હાઉસ કે બાલવાટીકામાં એડમીશન મેળવતા હોવાથી વિદ્યા પ્રારંભે જ પ્રથમવાર ઘર છોડીને આવતા રડતા પણ જોવા મળતા હતા. નાના બાળકોને મમ્મી પ્રત્યેનો અપાર લગાવ હોવાથી તેના ટીચર પણ લેડીઝ જ હોવા જોઇએ કારણ એક સ્ત્રી જ બાળકની વેદના સમજી શકે છે. એક અગત્યની વાતએ છે કે આવા બાળકોએ જન્મથી આજના સાડા ત્રણ વર્ષ સુધી વેકેશન જ માણેલું હોય છે, તેથી પણ તેને શાળા વાતાવરણ કષ્ટમય લાગતું હોય છે. છેલ્લા થોડા વર્ષો હવે શાળા પ્રારંભે પ્રવેશ મહોત્સવ ઉજવતાં હવે બધી શાળા બાળકોને કુમકુમ તીલક કરીને પણ શાળા પ્રવેશ કરાવે છે, પણ બાળકની મનોદશા અને તેનું બાળ મનોવિજ્ઞાન સમજનાર શિક્ષકો અને શાળા કેટલીએ પણ યક્ષ પ્રશ્ર્ન છે. બાળકોને બેસવું, રમવું, કુદવું અને ભણવું ગમે તે શાળા સૌથી શ્રેષ્ઠ ગણી શકાય. શાળા પ્રારંભે સત્ર આયોજનમાં જુન-જુલાઇ અને ઓગસ્ટ શાળા તત્પરતા કાાર્યક્રમ યોજવા જોઇએ. જેમાં શિક્ષકો વર્ગખંડના બાળકોને વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરાવીને છાત્રોને ભણવા કે શિક્ષણ પરત્વે રસ લે તો કરવો જરૂરી છે. એક વાત દરેકે લખી રાખવી જોઇએ કે આપણે બાળકને ભણાવવાનો નથી, પણ તેને ભણતો કરવાનો છે. રસ-રૂચીને વલણો આધારીત શિક્ષણ આપનારી શાળાઓ આજે આંગણીના વેઢે ગણાય તેટલી પણ નથી, જે દુ:ખદ બાબત છે. પ્રારંભથી પોતાના વર્ગના તમામ બાળકોની માહિતી રાખવી જોઇએ, જેમાં તેનો ક્રમિક સંર્વાગી વિકાસ સાથે સતત મોનીટરીંગ મૂલ્યાંકનની નોંધનો પ્રોગ્રેસ રિપોર્ટ રાખવો જરૂરી છે, જે વર્ષ પૂર્ણ થયે ઉપલા ધોરણના શિક્ષકને આપી દેવાથી નવા શિક્ષકને ઘણી સુગમતા તેના અસરકારક વર્ગ વ્યવસ્થામાં રહે છે. શાળા પ્રારંભે દરેક બાળકને વ્યક્તિ સંભાળ પણ અતિ આવશ્યક છે, જો આમાં કંઇક કચાશ રહેશે તો બાળક અધવચ્ચેથી જ શાળા છોડશે. આજેપણ ડ્રોપ આઉટ બાળકોની સમસ્યા છે, અને તેને માટે સરકાર બ્રીજ કોર્ષ કે એસ.ટી.પી. (એસટીપી)ના વર્ગો ચલાવે છે.
બાળકોને વય કક્ષા મુજબ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ સાથે જોડીને સત્રના પ્રારંભથી જ રસમય શિક્ષણમાં જોડવો જરૂરી છે. મા-બાપની પણ ભૂમિકા બાળકોના સંર્વાગી વિકાસ માટે શિક્ષક જેટલી જ જરૂરી હોય દરેક મા-બાપે આ બાબતે સમય કાઢીને તેના સંતાનો સાથે સતત વાતચિત કરીને દરરોજના રૂટીંગ કાર્યની વાતો જાણવી જ પડે છે. આજની શિક્ષણ પધ્ધતિમાં બાળકની સાથે મા-બાપને પણ શાળાઓ ભણાવતી જોવા મળે છે. શાળાનું ખાનગીકરણ વધતા શિક્ષણ ઘણું મોંઘુ થઇ જતાં, ઘણા મા-બાપો પોતાના સંતાનોને સરકારી શાળામાં એડમીશન લેવા લાગ્યા છે. આજે તો લાખો રૂપિયાની ફિ કેને પરવડે તે મોટો પ્રશ્ર્ન છે. પ્લે હાઉસમાં ભાવનાત્મક સાથે જીવનમૂલ્ય શિક્ષણ દરેક બાળકને પ્રારંભથી મળશે તો જ તેના સંર્વાગી વિકાસ થઇ શકશે. સંગીત-ચિત્ર-રમત ગમત સાથે બાળકોમાં રહેલી વિવિધ છૂપી કલાનો અવસર નવા સત્રના પ્રારંભથી જ શિક્ષકે પ્રોત્સાહન આપીને કાર્ય કરવું જ પડશે.
બાળકોને રમતાં-રમતાં, હસતાં હસતાં શિક્ષણ આપો
બાળકોને પાઠ્ય પુસ્તક ઉપરાંત ઘણું શિખવવાનું હોય છે, જે માટે શિક્ષકની દરરોજની તૈયારી મહત્વની ગણાય છે. બાળકોને રમતાં-રમતાં કે હસતાં-હસતાં તમે ઘણું બધુ શિખડાવી શકો છો, એ વાત શાળા અને શિક્ષકોએ ભૂલવી ન જોઇએ. કોઇપણ બાળક કોરીપાટી ક્યારેય હોતો જ નથી, આપણને તેમાં લખાયેલું દેખાઇ કે વંચાઇ જાય તો જ આપણું શિક્ષક જીવન સાર્થક ગણાય છે. બાળકોમાં અનંત કલાઓ છૂપાયેલી હોય છે, આપણે ફક્ત તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
છાત્રોના નવા ઉત્સાહ અને ઉમંગ સાથે જ્ઞાનમંદિરના દ્વાર ખુલ્યા
જુન-2025ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ છાત્રોના નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આજે જ્ઞાનમંદિરના દ્વાર ખુલ્યા હતા. શાળાનો પ્રથમ દિવસ એક ખાસ ઉત્સાહ અને અપેક્ષા લઇને આવે છે. લાંબા સમય પછી મિત્રોને મળવાનો આનંદ એટલે શાળા પ્રારંભ. નવાસત્રનો પ્રારંભ એ માત્ર કેલેન્ડરનો એક દિવસ જ નથી પણ જ્ઞાન, મિત્રતા અને નવી શરૂઆતનું પ્રતિક છે. ગત વર્ષેની ભૂલોમાંથી શીખીને અને ભવિષ્ય માટે આશાવાદી બનીને આજે છાત્રો સ્કૂલે પગથીયા ચડ્યા હતા. શિક્ષણ પ્રારંભ એટલે ભવિષ્યના શિક્ષણ અને વિકાસ યાત્રા સાથે કારકિર્દીનો પાયો ગણાય છે.
અરુણ દવે