નવા IT નિયમો બંધારણીય જોગવાઈ વિરૂધ્ધ? બે ધારા રદ કરતી બોમ્બે હાઈકોર્ટ

તપાસકર્તા એજન્સીઓ અને ત્રી-સ્તરીય માળખાનો કલમ 19 (1) અને 19 (3) પર કામ ચલાઉ પ્રતિબંધ મૂકાયો

સોશિયલ મીડિયાના વાયરલ વાયરસને નિયંત્રણમાં કરવા કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે  પરંતુ આ નિયમો હેઠળની ઘણી જોગવાઈઓને લઈને ડિજિટલ ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા કંપનીઓ તેમજ ઘણા પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા લાગુ કરાયેલા આ નવા નિયમોથી વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન થશે, લોકશાહી પર તરાપ મરાશે તેવા આરોપો મુકાયા છે. ત્યારે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં કરાયેલી એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આઈટી નિયમોની બે ધારાઓ પર કામચલાઉ રોક લગાવી દીધી છે.

કાનૂની ન્યૂઝ પોર્ટલ ધ લીફલેટ અને વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલે દ્વારા કરાયેલી અરજી પર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ગિરીશ એસ કુલકર્ણીની ખંડપીઠે કહ્યું કે, આઈટી નિયમોની કલમ 19 (1) અને કલમ 19 (3) બંધારણીય માળખાની વિરુદ્ધ છે. આનાથી ન્યુઝ પબ્લિસર્સની વાણી સ્વતંત્રતાનો અધિકાર છીનવાશે. આથી અમે હાલ પૂરતી આ બંને કલમો પર પ્રતિબંધ મૂકીએ છીએ.

અરજીમાં અરજદારોએ જણાવ્યું હતું કે, સરકાર નવા નિયમો સાથે કોડ ઓફ એથીક્સ ઉમેરીને નવા નિયમોની મદદથી સાચા કાયદાઓને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ આ કાયદાને મનસ્વી અને ગેરકાયદે છે. જેની સામે  કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી કલમ 9ની વાત છે, પ્રથમ દ્રષ્ટિએ તે બંધારણની કલમ 19 (1) (ફ) (અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર) હેઠળ અરજદારના અધિકારોનું ઉલ્લંઘન છે. કોર્ટે એવું પણ માન્યું હતું કે આ આઇટી એક્ટના મૂળભૂત કાયદાની વિરુદ્ધ છે. જ્યારે કલમ 9 (2) પર કોર્ટે રોક લગાવી નથી.

જણાવી દઈએ કે, કલમ 9 (1) અને કલમ 9 (3) આચારસંહિતાના પાલન માટે ત્રણ સ્તરીય માળખાની જોગવાઈ કરે છે. જેમાં પ્રકાશક દ્વારા સ્વ-નિયમન, પ્રકાશકની સ્વ-નિયમન સંસ્થાઓ દ્વારા સ્વ-નિયમન અને કેન્દ્ર સરકાર દ્વારા દેખરેખ પદ્ધતિનો સમાવેશ  છે. જેની વિરુદ્ધ અરજી કરાઈ હતી. અરજદારોએ આ નવા કાયદાની આ 9, 14 અને 16 કલમો જ હટાવવા હાઈકોર્ટમાં માંગ કરી હતી. જેમાંથી કોર્ટે કલમ  9ની પેટા કલમ 1 અને 3 હટાવી છે. બાકીની કલમો જેમ છે તેમ રાખવામાં આવી છે.