ભાદર સહિત 19 જળાશયોમાં બે ફૂટ સુધી નવા નીરની આવક

34 ફૂટે ઓવરફ્લો થતા ભાદર ડેમની સપાટી 24.40 ફૂટે પહોંચી: ડેમ ઓવરફ્લો થવામાં 9.60 ફૂટ છેટુ

સૌરાષ્ટ્રમાં સોમવારે મેઘરાજાએ હેત વરસાવતા જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિતના 19 ડેમમાં બે ફૂટ સુધી પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી હાલ 24.40 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ છલકાવવામાં માત્ર 9.60 ફૂટ બાકી રહ્યું છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવુ 0.69 ફૂટ પાણી આવ્યું છે. 34 ફૂટની ઉંડાઇ ધરાવતા ભાદરની સપાટી 24.40 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમની જળસંગ્રહશક્તિ 6644 એમસીએફટી છે. હાલ ડેમમાં 3008 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ટકાવારીના હિસાબે ડેમ 45.50 ટકા સુધી ભરેલો છે.

આ ઉપરાંત સોડવદરમાં 1.48 ફૂટ, કર્ણુકામાં 1.97 ફૂટ પાણીની આવક થવા પામી છે. ફોફળ ડેમ 0.42 મીટરે, વેરી ડેમ 0.025 મીટરે, છાપરવાડી-1 0.02 મીટરે ઓવરફ્લો થઇ રહ્યો છે. વેણુ-2 ડેમ 1 દરવાજો 0.15 મીટર, આજી-2 ડેમનો 1 દરવાજો 0.11 મીટર, આજી-3ના 2 દરવાજા 0.2286 મીટર, ડોંડીનો 1 દરવાજો 0.025 મીટર, ન્યારી-2 ડેમના 1 દરવાજો 0.075 મીટર છાપરવાડી-2 ડેમમાં 1 દરવાજો 0.075 મીટર અને ભાદર-2 ડેમના 2 દરવાજા 1.2 મીટર સુધી ખૂલ્લા છે. રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં 67 ટકા પાણી સંગ્રહિત છે.

મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, મચ્છુ-2 ડેમ 0.30 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.03 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.16 ફૂટ, પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના ડેમોમાં 41.39 ટકા પાણી સંગ્રહિત છે. જામનગર જિલ્લાના સસોઇ ડેમમાં 0.07 ફૂટ, ડાઇમીણસરમાં 0.33 ફૂટ, ઉંડ-1માં 0.26 ફૂટ, ફુલઝર કોબામાં 0.26 ફૂટ, પાણીની આવક થતા જામનગર જિલ્લાના જળાશયોમાં 68.08 ટકા પાણી સંગ્રહિત છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્તુ-1 ડેમમાં 0.20 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.49 ફૂટ, સીંઘણીમાં 0.62 ફૂટ, મીણસારમાં 0.66 ફૂટ પાણીની આવક થવા પામી છે. જિલ્લાના 12 જળાશયોમાં 51.75 ટકા પાણી સંગ્રહિત છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાંસળમાં 1.80 ફૂટ અને ત્રિવેણી ઠાંગા ડેમમાં 0.82 ફૂટ પાણીની આવક થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 24.81 ટકા પાણી સંગ્રહિત છે.