મેઘાનો નવો રાઉન્ડ: 84 તાલુકાઓમાં હળવા ઝાપટાથી બે ઈંચ વરસાદ

હજી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હળવાથી મધ્યમ  વરસાદની આગાહી: રાજયમાં સિઝનનો  70 ટકાથી વધુ વરસાદ

રાજયમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ફરી નવી સિસ્ટમ બંધાતા  સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં  આગામી  પાંચ દિવસ  હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે રાજયનાં  48 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાજકોટમાં  પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારના સમયે ઝરમર વરસાદ વરસ્યો  હતો. રાજયમાં આજ સુધીમાં સિઝનનો  70.39 ટકા વરસાદ વરસી ગયો છે.

રાજયમાં છેલ્લા એકાદ  સપ્તાહથી મેઘવિરામ જેવો માહોલ જોવા મળતો હતો છુટાછવાયા વિસ્તારોમાં  લોકલ ફોર્મેશનના કારણે વરસાદ પડતો હતો. દરમિયાન નવી સિસ્ટમ બંધાતા  રાજયમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે  પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયનાં  84 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં મેઘવિરામ રહ્યો હતો.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ બે ઈંચ  વરસાદ પડયો હતો. જયારે નર્મદાના સતાબારા, બનાસકાંઠાના અમીરગઢ, ભરૂચ, આણંદના પેટલાદ, પંચમહાલના જાંબુઘોડામાં બનાસકાંઠાના દિયોદરમા અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત  અન્ય  77 તાલુકાઓમાં  હળવા ઝાપટા પડયા હતા. સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારે ઝરમર વરસાદ પડયો  હતો. વાતાવરણ વાદળછાંયું છે.

રાજયમાં આજ સુધીમાં સીઝનનો   70.39 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 117.97 ટકા, ઉતર ગુજરાતમાં  57.30 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  62.26 ટકા, સૌરાષ્ટ્રમાં  61.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં  82.70 ટકા વરસાદ પડયો છે. રાજયમાં  આગામી 5 ઓગષ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાા હળવાથી મધ્યમ વરસાદ પડતો રહેશે ત્યારબાદ નવી સીસ્ટમ સક્રિય થવાની સંભાવના હોય વરસાદનું જોર વધશે.