Abtak Media Google News

રોકાણકારોની દિવાળી: વિશ્વભરના ઈન્વેસ્ટરોની મીટ ભારતીય બજાર પર

સેન્સેક્સે 60333ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી: નિફ્ટીની પણ 18 હજાર તરફ મક્કમતા સાથે આગેકુચ

ઓગસ્ટ માસમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં અડિખમ વિશ્ર્વાસ દાખવતા 45 લાખ કરોડ ઠાલવ્યા

ભારતીય શેરબજારે આજે એક નવો જ કિર્તીમાન હાંસલ ર્ક્યો છે. સેન્સેક્સે 60 હજારની સપાટી કુદાવી નવુ શિખર બનાવ્યું છે. નિફટીએ પણ આજે નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી મેળવી હતી. વિશ્ર્વભરના રોકાણકારોએ ભારતીય શેરબજાર પર અડિખમ વિશ્ર્વાસ દાખવતા ઓગષ્ટ માસમાં રેકોર્ડબ્રેક 45 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરતા શેરબજારમાં તેજી વધુ વેગવંતી બની છે. દિવાલીના દોઢ માસ પૂર્વે જ રોકાણકારોમાં આજે દિવાળી જેવો જલ્સો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફટી આગામી દિવસોમાં નવા સિમાચિન્હો હાસલ કરતું રહેશે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

શેરબજારનું નવું શીખર: સેન્સેક્સ 60હજારને પાર

કોરોનાકાળ બાદ ચોતરફથી સાનુકુળ વાતાવરણ મળવાના કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી એકધારી તેજી ચાલી રહી છે. દર સપ્તાહે મુંબઈ શેરબજારનો આગેવાન ઈન્ડેક્સ નવા સિમાચિન્હો હાંસલ કરી રહ્યાં છે. ગઈકાલે 60 હજારની સપાટીને હાંસલ કરવા મથી રહેલો સેન્સેક્સ આજે અંતિમ ટ્રેડીંગ સેશનમાં ઉઘડતી બજારે જ 60 હજારે પાર થઈ ગયો હતો. જ્યારે નિફટી પણ 18 હજારની સપાટીને પાર કરવામાં સતત મથામણ કરતી જોવા મળી હતી.

આજે ઉઘડતી બજારે સેન્સેકસે 60 હજારની સપાટી કુદાવી 60333 પોઈન્ટની નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરી લીધી હતી. જ્યારે નિફટીએ પણ આજે 17947.46નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ સતત મજબૂત બની રહ્યો છે. દિવસ દરમિયાન તેજી યથાવત રહેશે તો આજે નિફટી પણ 18 હજારની સપાટી કુદાવી દેશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બેન્ક નિફટી અને નિફટી મીડકેપ 100 પણ ગ્રીન ઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા. એશિયન પેઈન્ટ, એચસીએલ ટેક, ગ્રાસીમ, વિપ્રોના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બુલીયન બજારમાં આજે મંદિનો માહોલ જોવા મળ્યો હતો.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 272 પોઈન્ટના ઉછાળા સાથે 60157.80 અને નિફટી 76 પોઈન્ટના ઉછાળા સાથે 17896.20 પર ટ્રેડ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયો 11 પૈસા તુટ્યો હતો. હાલ રૂપિયો 73.76 ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.