મતદાન જાગૃતિ માટે નવી પહેલ: મતદાન કર્યાનું નિશાન બતાવો અને ખરીદીમાં ડિસ્કાઉન્ટ મેળવો !!

એક બાજુ મતદાતાઓ મતદાન કરવામાં નિરસતા સેવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ  કેશોદના એક વેપારીએ મતદાન કરવા લોકો પ્રેરાય તે માટે મતદાન કર્યાનું ટપકું  બતાવનારને પોતાની દુકાનેથી રૂ. ૨૦ની ઓફર આપી વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કર્યા છે.કેશોદમાં આગામી ૨૮ તારીખે કેશોદ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે પરંતુ મતદાતાઓમાં નિરસતા જોવા મળી રહી છે ત્યારે કેશોદના બાલવી કૃપા ડેરી ફાર્મ એન્ડ નમકીનના માલિક મયુરભાઈ તન્ના તથા જીગ્નેશભાઈ તન્ના દ્વારા વધુ મતદાન થાય તે માટેનો એક પ્રયાસો કરવામાં આવ્યા છે અને મતદાન કરી મતદાનનું આંગળી ઉપર ટપકું બતાવનારને ૧ કિલો મીઠાઈ ઉપર ૨૦ રૂપિયાની ઓફર આપવાની જાહેરાત કરી છે.

આ અંગે શ્રી બાલવીર કૃપા ડેરી ફાર્મ એન્ડ નમકીનના વેપારી મયુરભાઈ તન્નાએ જણાવ્યું છે કે, કેશોદ નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે પરંતુ હજુ સુધી મતદાતાઓમાં કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી ત્યારે તેમના દ્વારા વધુ મતદાન થાય તે માટે તેમની દુકાનેથી એક કિલો મીઠાઇ લેનારને ઓફર આપવામાં આવી છે પરંતુ આ ઓફર માટે મતદાન કરવું ફરજિયાત છે અને આંગળી ઉપર ટપકું હશે તેને જ આ ઓફરનો લાભ આપવામાં આવશે.

એક બાજુ સરકાર મતદાન થાય તે માટે પ્રચાર અને પ્રસાર કરી રહી છે અને ઉમેદવારો પણ પોતાને મત મળે તે માટે પ્રચાર  કરી રહ્યા છે. ત્યારે કેશોદના આ વેપારીએ વધુ મતદાન થાય તે માટે પોતાની દુકાનેથી ખરીદી કરનારને રૂ. ૨૦ ની છૂટ આપવાની જાહેરાત કરતા કેશોદના આ વેપારી બંધુઓની કેશોદમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.