ભાદર સહિત 20 જળાશયોમાં સતત ત્રીજા દિવસે નવા નીરની આવક

ભાદર-1માં 0.59 ફૂટ, આજી-1માં 0.46 ફૂટ અને ન્યારી-2માં 0.33 ફૂટ પાણી આવ્યુ

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલી મેઘ મહેરના કારણે રાજકોટ સહિત અલગ-અલગ જિલ્લાના 20 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. મેઘરાજાએ ગઇકાલ સાંજથી સર્વત્ર એંકદરે વિરામ લીધો છે. છતા હજી છલકાતા નદી નાળાના કારણે ડેમમાં પાણીની આવક હજી ચાલુ જ છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યાનુંસાર આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર સહિત કુલ 19 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર-1 ડેમમાં નવુ 0.59 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટ ઓવર ફ્લો થતા ભાદરની સપાટી 18.60 ફૂટે પહોંચી નવા પામી છે અને ડેમમાં 1596 એમસી એફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત મોજ ડેમમાં 0.69 ફૂટ, આજી-1 ડેમમાં 0.46 ફૂટ, આજી-3 ડેમમાં 0.75 ફૂટ, સોડવદરમાં 0.66 ફૂટ, ડોંડીમા 1.31 ફૂટ, ન્યારા-2 ડેમમાં 0.33 ફૂટ, છાપરવાડી-2 ડેમમાં 1.31 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.10 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.66, 1.31 ફૂટ, ડેમી-2 ડેમમાં 0.16 ફૂટ, આજી-4માં બંગાવાડીમાં 0.66 ફૂટ, બ્રાહ્મણી ડેમમાં 0.39 ફૂટ, જામનગર જિલ્લાના ફોફળ-2 ડેમમાં 0.16 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.79 ફૂટ, પાણીની આવક થવા પામી છે.

રવિવારે સૌરાષ્ટ્રભરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે તમામ જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી હતી. આજી-2, વેરી, મોતીસર, ફૂલઝર-1, વાડીસંગ સહિતના જળાશયો છલકાઇ ગયા હતા. ગઇકાલ સાંજથી મેઘરાજાએ વિરામ લીધો છે. છતા છલકાતા નદી અને નાળાના કારણે ડેમમાં પાણીની ધીમી ધારે આવક હજી ચાલુ જ છે.

રાજકોટમાં બે દિવસમાં પડેલા આઠ ઇંચ જેટલા વરસાદના કારણે શહેરની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં પાણીની માતબર પાણીની આવક થવા પામી છે. ત્રણ દિવસના વરસાદે પાક અને પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. નવા નીરની આવક શરૂ થતા ન્યારી-1 ડેમમાં ઠલવાતા નર્મદાના નીર હવે બંધ કરી દેવામાં આવ્યા છે.