Abtak Media Google News

પોરબંદર જિલ્લામાં એક નવજાત શીશુ મળી આવ્યું છે. બીલગંગા નદીના પુલના રસ્તેથી મળી આવેલા આ શીશુને સારવાર માટે પોરબંદર ખસેડાયું છે, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે.

રાણાવાવ થી હનુમાનગઢ ગામ તરફ જતા રસ્તે બીલગંગા નદીના પુલ પર ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે એક ટ્રેકટર પસાર થઈ રહ્રાું હતું, ત્યારે આ ટ્રેકટર ચાલકના ધ્યાને ત્યાં રસ્તા પર પડી રહેલું નવજાત બાળક આવ્યું હતું. કોઈ તેને અહીં ત્યજીને નાસી છૂટયો હોવાનું લાગતા ટ્રેકટર ચાલકે આ મામલે જી.આર.ડી.ના જવાનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નવજાત શીશુનો કબ્જો લઈ અને તેને પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મયુર વેગડા નામના જી.આર.ડી.એ અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે મળી આવ્યું છે તે નવજાત શીશુ દીકરો છે. સામાન્ય રીતે દીકરીના જન્મ પછી તેનો ત્યાગ કરી દેતા હોવાની ઘટનાઓ વધુ બનતી હોય છે, પરંતુ આ તો દીકરો હોવા છતાં પણ તેમનો ત્યાગ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસ એવું અનુમાન લગાવી રહી છે કે કોઈ કુંવારી સગીરા કે યુવતી માતા બની હશે અને પોતાની આબરૂ બચાવવા તેણે આ બાળકનો ત્યાગ કર્યો છે. હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ ઘટનામાં નવજાત શીશુને જન્મ આપનારી જો કોઈ સગીરા માતા હશે તો તેની સાથે શારીરિક સંબંધ બાંધનાર સામે પોકસો એકટ સહિતની કલમો લગાડી ગુન્હો દાખલ કરવામાં આવશે અને જો કોઈ પુખ્ત વયની યુવતી હશે તો તેમના માતા-પિતા સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આ નવજાત શીશુ મળી આવવાની ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.