Abtak Media Google News

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કોરોના કાળમાં સતત બીજો પદ્વીદાન સમારોહ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી યોજી નવી પરંપરા ટેકનોલોજીના સથવારે ઉભી કરી: રાજ્યપાલ, મુખ્યમંત્રીની વચ્યુઅલ ઉપસ્થિતિ 

28 ગોલ્ડ મેડલ, 31 સિલ્વર મેડલ પ્રાપ્ત વિદ્યાર્થી સહિત 12323 છાત્રોએ મેળવી વિવિધ પદ્વીઓ 1936 ગ્રામીણ મહિલાઓએ પણ ઓપન યુનિવર્સિટીની ડિગ્રી મેળવી 

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કોરોના સંક્રમણ કાળમાં પણ સતત બીજો પદ્વીદાન સમારોહ વર્ચ્યુઅલ પ્લેટફોર્મથી યોજીને નવી પરંપરા ટેકનોલોજીના સથવારે ઉભી કરી છે. આ પદ્વીદાન સમારોહમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ઉપસ્થિતિ હતી. આ સાથે જે આજે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના 28 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ, 31 વિદ્યાર્થીએ સીલ્વર મેડલ સહિત 12323 વિદ્યાર્થીઓએ વિવિધ પદ્વીઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત 1936 ગ્રામીણ મહિલાએ પણ ઓપન યુનિવર્સિટીના ડિગ્રી મેળવી હતી.

મુખ્યમંત્રી અને રાજ્યપાલની અધ્યક્ષતામાં ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં 12000 જેટલા પદવીધારક છાત્રોને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી પ્રેરણા પૂરી પાડી હતી અને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, છઠ્ઠા દિક્ષાંત સમારોહમાં પદ્વી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને શુભેચ્છા આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ એવું ક્ષેત્ર છે કે જેની સાથે નિરંતર જોડાયેલું રહેવું છે. માત્ર પદ્વી પ્રાપ્ત કરવા પુરતી શિક્ષણની આરાધના લાભદાયી નથી. આથી જીવનભર હૃદયમાં વિદ્યાર્થી ભાવ જાગૃત રાખી સતત શિક્ષણમાં કૌશલ્યવાન બનવાથી જ શ્રેષ્ઠ સફળતા હાંસલ થાય છે.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, 1994માં ડો.બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્થપાયેલી રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી, શિક્ષણ, સંસ્કૃતિ અને સદ્ભાવના, દિશા બોધન ધામ તરીકે રાજ્યના ધમધમતા શહેરોથી માંડી છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધીના જન સમુહને ઘરબેઠા જ્ઞાન પહોંચાડે છે. રાજ્યમાં શિક્ષણ મેળવવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિને લાંબી મુસાફરી સફર કર્યા વિના ઘર આંગણે જ યુનિવર્સિટી 250થી વધુ અભ્યાસ કેન્દ્રો ખોલી આપ્યા છે. શિક્ષણના માધ્યમથી ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું નવું જ્ઞાન, નવું કૌશલ્ય, ક્ષમતા અને કારકિર્દી ઘડતર વિકાસ માટે ઘરબેઠા યોગ્ય તક, અવસર પુરા પાડી રાષ્ટ્ર નિર્માણમાં છાત્ર શક્તિને પ્રેરીત કરી રહી છે તેનો પણ હર્ષ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ સૌ પદ્વીધારકને શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભમાં કુલ ડો.અમી ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત યુનિવર્સિટી સફળ ગાથા દોહરાવી હતી અને પદ્વી ધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.