નાઇજીરિયામાં નરસંહાર: આતંકીઓએ ૧૧૦ લોકોના હાથ-પગ બાંધીને ગળા કાપી નાખ્યા

બોકો હરામના આતંકીઓએ મજૂરો-ખેડૂતો પર હુમલો કર્યો યુનાઈટેડ નેશન્સે આ ઘટનાની નિંદા સાથે સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

નાઇજીરિયામાં ઈસ્લામિક ટેરર ગ્રુપ બોકો હરામના આતંકીઓએ ૧૧૦ લોકોની હત્યા કરી નાખી છે. આતંકીઓએ અહીં એક ગામ પર હુમલો કર્યો હતો. અહીં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજૂરોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. તેમને પકડીને પ્રથમ તેમના હાથ-પગ બાંધી દીધા અને પછી બધાનાં ગળાં કાપી નાખ્યાં હતાં. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ આ ઘટનાની નિંદા કરતાં સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વિગતો મુજબ નોર્થઈસ્ટ નાઇજીરિયાના મૈદુગુરી શહેરની પાસે એક ગામ બોકો હરામના આતંકીઓએ હુમલો કર્યો હતો. ઘટના પછી ઘટનાસ્થળેથી ૪૩ લોકોની લાશ મળી હતી. ત્યાર બાદ આ આંકડો વધીને ૧૧૦થી વધુનો થયો હતો.

યુએનએ પણ કહ્યું છે કે અહીં મરનારા લોકોની સંખ્યા ૧૧૦થી વધુ છે. જેહાદી ગતિવિધિઓનો વિરોધ કરનારી મિલિશિયાના નેતા બાબાકુરા કોલોએ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મજૂરોને પ્રથમ દોરડાથી બાંધી દીધા હતા અને પછી તેમનાં ગળાં કાપી નખાયાં હતાં. બાબાકુરાએ કહ્યું હતું કે આ વિસ્તારમાં બોકો હરામ આતંકી સંગઠન એક્ટિવ છે. અનેક વર્ષોથી તે મજૂરોને નિશાન બનાવે છે. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મહોમ્મદુ બુહારીએ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું હતું કે આ હત્યાઓથી સમગ્ર દેશ ઘાયલ થયો છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. દોષિતોને ટૂંક સમયમાં પકડીને સજા અપાશે.