થાઈલેન્ડની નાઈટ કલબમાં આગ : 40 લોકો ભડથું થઈ ગયા

આગ લાગવાનું કારણ હજુ અકબંધ, 10 લોકો ગંભીર

થાઈલેન્ડની એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી.  આગને કારણે 40 લોકોના મોત થયા છે અને 10 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. નાઈટ ક્લબમાં આગ લાગવાની ઘટના ચોનુબારી પ્રાંતના સતાહિપ જિલ્લામાં બની હતી.  તે થાઈલેન્ડની રાજધાની બેંગકોકના દક્ષિણપૂર્વમાં સ્થિત છે.

 

પોલીસ કર્નલ વુટિપોંગ સોમજાઈના જણાવ્યા અનુસાર, માઉન્ટેન બી નાઈટક્લબમાં ગઈકાલે રાત્રે 1 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.  જાનહાનિમાં સામેલ તમામ લોકો થાઈલેન્ડના નાગરિક હોવાનું જાણવા મળ્યું છે.  બેંગકોક પોસ્ટે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા સાવંગ રોજનાથમ્મસ્થાન ફાઉન્ડેશનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આગમાં સળગી જવાને કારણે 40 લોકોના મોત થયા છે.

આ નાઈટક્લબ તેની રંગીન રાત્રિઓ માટે પ્રખ્યાત હતી.  અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ આવતા હતા.  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આગના વીડિયોમાં લોકો સુરક્ષિત જગ્યા તરફ ભાગતા જોવા મળી રહ્યા છે.  લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડતા જોવા મળ્યા હતા.  આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.