Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા છે.મુખ્યમંત્રી અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એ આઠ મહાનગરોમાં જ રાત્રિ કરફયુનો અમલ કરાશે. અગાઉ આ આઠ મહાનગરો સહિત રાજ્યના ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ અમલમાં હતો તેમાંથી હવે આઠ મહાનગરો પૂરતો જ આ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

આ રાત્રિ કરફયુ તા.૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦ કલાકથી તા.ર૦ જુલાઇ-ર૦ર૧ના સવારે ૬ કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી આ આઠ મહાનગરોમાં રહેશે. દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.(તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહી.)

લગ્ન પ્રસંગ માટે 150 વ્યક્તિઓ માટે મંજૂરી આપવામાં આવી છે.લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.(રમતગમતમાં ભાગ લેનાર ખેલાડી, સપોર્ટ સ્ટાફ ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય તે અનિવાર્ય રહેશે.)

સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.( તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો ચાલુ રાખી શકાશે નહી.)શૈક્ષણિક સંસ્થાઓ(ઓનલાઇન શિક્ષણ સિવાય), વોટર પાર્ક, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.