Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સત્તાવાર નિવાસ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મોડી રાત્રે લેવાયો નિર્ણય: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના કારણે કોરોનાએ ફરી ઉથળો મારતા રાત્રી કરફયુ લંબાવાયો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નિયમોને આડેધડ ઉલાળીયો થતા રાજયમાં ફરી કોરોનાએ ઉથળો માર્યો છે આગામી રવિવારે રાજયનાં ચાર મહાનગરમાં રાત્રી કરફયુની અવધી પૂર્ણ થઇ રહી છે ત્યારે ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સત્તાવાર સરકારી નિવાસ સ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં આગામી ૧પમી માર્ચ સુધી રાત્રી કરફયુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાની બીજી લહેર આવતા રાજય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાજયના ચાર મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફયુ લાદવામાં આવ્યો હતો શરૂઆતમાં રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૬ હતો. ત્યારબાદ જેમ. જેમ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા રાત્રી કરફયુ ના કલાકોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાત્રીના ૧૦ થી સવારના ૬ વાગ્યા સુધી, ત્યારબાદ રાત્રીના ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી અને છેલ્લે ગત ૧૫મી ફેબ્રુઆરીથી રાત્રીના ૧ર વાગ્યાથી લઇ સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં મુકવામાં આવ્યો હતો જે ર૮મી ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે તેવી ધોષણા કરવામાં આવી હતી.

ગત રવિવારે યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણી અને આવતીકાલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય નેતાઓની રેલી, લોકસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચારમાં કોરોનાની મોટાભાગની ગાઇડ લાઇનનો ભંગ થયો હતો. જેના કારણે રાજયમાં ફરી કોરોનાના કેસમાં એકાદ સપ્તાહથી વધારો થઇ રહ્યો છે અને રજી માર્ચથી કેસ વધે તેવી દહેશત છે. ત્યારે ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસસ્થાને મળેલી કોર કમીટીની બેઠકમાં ગુજરાતના ચાર મહાનગરોમાં આગામી ૧પમી માર્ચ સુધી રાત્રી કરફયુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં રાત્રીના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રી કરફર્યુ થયાવત રહેશે.

અત્રે  ઉલ્લેખનીય છે કે જો રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો રહેશે તો ૧પ માર્ચ બાદ રાત્રી કરફર્યુની મુદત વધી શકે છે અને તેમા કલાકોમાં વધારો કરવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.