રાત્રી ક્ફર્યુ લંબાવાશે નહિ, ક્ફર્યુનો અંત લાવવો સરકાર માટે જરૂરી?

ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા ક્ફર્યુ ઉપર પૂર્ણવિરામ મુકાય તેવી પ્રબળ સંભાવના: હાલ કોરોનાનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો હોય ક્ફર્યુનો અંત ખૂબ નજીક

રાત્રી કરફ્યુની મુદત ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે હવે રાત્રી કરફ્યુ લંબાવાશે કે નહીં તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે. હાલની સ્થિતિ જોતા તો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે રાત્રી કરફ્યુની મુદતમાં વધારો થશે નહીં. કારણ કે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે સરકારે પહેલા તેનો માહોલ બનાવવો પડશે જે માહોલ બનાવવામાં પહેલા રાત્રી કરફ્યુ હટાવવું અત્યંત જરૂરી છે. બીજી તરફ કોરોનાનો પારો પણ સડસડાટ નીચે પટકાય રહ્યો છે. જે રાહતના સમાચાર છે.

કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ મહાનગરમાં લાદવામાં આવેલા રાત્રી કરફ્યુનો સમયગાળો પૂર્ણ થવા ઉપર છે. જેથી આ અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. રાત્રી કરફ્યુ હટાવવો કે નહી તે અંગે આજે હાઈપાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે. આ નિર્ણય ઉપર તમામ સ્થાનિક તંત્ર મીટ માંડીને બેઠું છે. ૩૧ ડિસેમ્બરે રાત્રી કરફયૂની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે. ત્યારે સરકાર રાત્રી કરફ્યુમાં છુટછાટ આપશે કે નહી પછી કરફ્યુ યથાવત રાખશે તે અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ આગામી મહિને ઉત્તરાયણ આવી રહી છે. તેને લઈને પતંગના વેપારીઓ, હોટેલ સંચાલકોએ સાથે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સે પણ કરફ્યુમાં છુટછાટ આપવાની માંગ કરી છે. ત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાંજે સાત વાગ્યે મળનારી હાઈપાવર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યુ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત ઉત્તરાયણની માર્ગદર્શિકાને પણ આખરી ઓપ અપાશે. નોંધનીય છે કે, મહાનગરોમાં નાઈટ કરફ્યુ અંગે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. ગુરૂવારના હાઈકોર્ટમાં કોરોનાની સ્થિતિ અંગે થયેલી જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે ?

ઉત્તરાયણને લીધે ૨૦૨૧નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે. ૨૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. વધુમાં સરકારને કહ્યું કે ચિંતા ન કરો કે લોકો નિરાશ થશે, બધાને ખુશ નહીં રાખી શકાય તો હાઈકોર્ટે સરકારને નાઈટ કરફ્યુ ક્યાં સુધી ચાલુ રાખવાનો છે તે અંગે સવાલ પૂછ્યો. જેના જવાબમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યું કે જાન્યુઆરી સુધી યથાવત રાખવાનું આયોજન છે. ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું કે નાઈટ કરફ્યુથી કોરોના સંક્રમણ કાબૂમાં લેવા સફળતા મળી છે ત્યારે યથાવત રાખવો જ જોઈએ. ઉલ્લેખનીય છે કે કોરોનાના બીજા લહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વધી હતી. કોરોનાના કેસો અટકાવવા રાજ્ય સરકારે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ આ ચાર મહાનગરોમા રાત્રી કરફ્યુ લગાવ્યો હતો. જેથી આ શહેરોમાં રાત્રીના ૯થી સવારે ૬ વાગ્યા સુધી ઇમરજન્સી સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને લોકોને રાત્રીના લટાર મારવા નીકળવાની ટેવ હોય જે રાત્રી કરફ્યુના લીધે ભુલાઈ હતી અને બાગ બગીચા કે અન્ય જાહેર સ્થળોએ રાત્રે લોકોની ભીડ થતી બંધ થઈ ગઈ હતી. અને આ રાત્રી કરફ્યુના સારા એવા પરિણામ પણ મળ્યા હતા. કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હવે સ્થિતિ કાબુમાં હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો બીજો તબક્કો ચાલ્યો ગયો છે. જેથી રાત્રી કરફ્યુ હવે હટાવી લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

હાઈકોર્ટ રાત્રી કરફ્યુની તરફેણમાં!!

જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઇકોર્ટે સરકારના રાત્રી કરફ્યુના નિર્ણયને સારો ગણાવ્યો હતો. હાઇકોર્ટે એવું કહ્યું હતું કે રાત્રી કરફ્યુથી ફાયદો થયો છે. આ ઉપરાંત હાઇકોર્ટે રાત્રી કરફ્યુ યથાવત રાખવા રાજ્ય સરકારને સૂચન પણ કર્યું હતું. આમ હાઇકોર્ટ રાત્રી કરફ્યુની તરફેણમાં હોય સરકાર હવે શું નિર્ણય કરે છે.તેના ઉપર સૌની મીટ મંડરાયેલી છે.

વેપારી સંગઠનો રાત્રી કરફ્યુ હટાવવાની કરી રહ્યા છે માંગ

અનેક વેપારી સંગઠનો દ્વારા તાજેતરમાં જ મુખ્યમંત્રીને રાત્રી કરફ્યુ હટાવવા રજૂઆતો કરી છે. લોકડાઉનને લીધે તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે હવે કોરોનાના કેસો ઘટયા છે. અને ઉત્તરાયણ નજીક આવી રહી છે. જેથી ચેમ્બર ઓફ કોમર્સ સહિતના મોટા સંગઠનોએ રાજ્ય સરકાર સમક્ષ રાત્રી કરફ્યુ હટાવવાની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે પતંગના વેપારીઓ પણ રાત્રી કરફ્યુ ન લંબાવવાની માંગ કરી રહ્યા છે.