વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે નીમાબેન આચાર્ય

નીમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ પદ માટે તથા જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યા : ઉપાધ્યક્ષ પદે વિપક્ષના ધારાસભ્ય રહેતા હોય વિપક્ષે અસહમતી દર્શાવી 

અબતક, રાજકોટ : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં આજે નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ફોર્મ ભર્યુ છે. ઉપાધ્યક્ષના નામ પર વિપક્ષની સહમતિ નથી. જેથી સોમવારે નીમાબેનને વિજેતા જાહેર કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસની સહમતી સાથે નિમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંતુ કોંગ્રેસની ઉપાધ્યક્ષના નામ પર સહમત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં હાલ પ્રોટેમ સ્પીકર એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત અને કચ્છ-ભૂજથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીમાબેન આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જેના કારણે વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારબાદ તેમના નામની ચર્ચા ચાલી હતી.

અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સ્થાન મળતા નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. જો નીમાબેન આચાર્ય પ્રોટેમ સ્પીકર હોય, તો વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ઉભા ના રહી શકે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું મનાઈ રહ્યું હતું.

આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં નીમાબેન આચાર્યને ઉભા રાખવામાં આવ્યા છે. જો નીમાબેન આચાર્યને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરાતા ગુજરાતને પ્રથમ મહિલા સ્પીકર મળશે. અગાઉ કચ્છ ભૂજની બેઠક પરથી ચૂંટાયેલા ધીરૂભાઈ શાહ સ્પીકર પદે રહી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજી વાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

ચોમાસુ સત્રના દિવસ વધારવા કોંગ્રેસની માંગ

આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. આ બે દિવસ દરમિયાન 7થી 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવનાર છે. ત્યારે કોંગ્રેસે એવી માંગ ઉઠાવી છે કે ચોમાસુ સત્રમાં બે દિવસ પૂરતા નથી. ચોમાસુ સત્ર 4થી 5 દિવસનું કરવામાં આવે. જો કે સામે ભાજપે જણાવ્યું કે ચોમાસુ સત્ર અગાઉથી જ બે દિવસનું નક્કી કરાયું હતું. જે તે વખતે તેની જાહેરાત પણ કરવામાં આવી હતી.