૧૨૫ વર્ષે ‘ખુશી’ના આંસુ છલકાયા!!: મિલખાસિંઘનું “ગોલ્ડન” સ્વપ્ન પૂર્ણ કરતો નિરજ!!!

ભારતે ટોક્યો ઓલમ્પિકમાં એક ગોલ્ડ, બે સિલ્વર સહિત કુલ ૭ મેડલ અંકે કર્યા!!

હરિયાણાનાં નીરજ ચોપરા ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ બની ગયા છે. તેણે ફાઇનલમાં ૮૭.૫૮ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ તેનું પહેલું ઓલિમ્પિક છે. અગાઉ તેણે ૮૬.૬૫ મીટર ફેંકીને પૂલ એ ક્વોલિફિકેશનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેનો અંગત શ્રેષ્ઠ થ્રો ૮૮.૦૭ મીટર છે.

ટોક્યો ઓલમ્પિકમાં ભારતે પ્રથમ ગોલ્ડ નિરજ ચોપડાના સ્વરુપમાં મેળવ્યું છે. નીરજને ગોલ્ડ મળતાની સાથે જ દેશની ૧૨૫ કરોડ જનતામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. નોંધનીય બાબત છે કે, મિલખાસિંઘે ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સ્વપ્ન જોયું હતું જેને નિરજે સાકાર કર્યું છે. હાલ મિલખાસિંઘ તો હયાત નથી પરંતુ નિરજે આ ગોલ્ડ મેડલ મિલખાસિંઘને સમર્પિત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નિરજ ચોપડાને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તમે જે કરી બતાવ્યું છે તે ભારત હંમેશા યાદ રાખશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓલમ્પિકમાં ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તમામ ખેલાડીઓ અને ભારતીય ટીમોને ફોન કરીને વાતચીત કરી હતી. પછી તે ખેલાડીને મેડલ મળ્યો હોય કે ન મળ્યો હોય. વડાપ્રધાન જે રીતે અંગત રસ લઈને તમામ ખેલાડીઓનોં ઉત્સાહ વધારી રહ્યા છે તે મુદ્દો કોઈ અન્ય બાબતનું સંકેત છે.

વડાપ્રધાને તમામ ખેલાડીઓને ૧૫મી ઓગસ્ટે દિલ્લી પણ બોલાવ્યા છે. આ તમામ બાબતોને ઊંડાણપૂર્વક ધ્યાને લેવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, વડાપ્રધાનની આ કવાયત વર્ષ ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિકની પૂર્વ તૈયારી છે. વર્ષ ૨૦૩૬માં ભારત ઓલમ્પિકની યજમાની કરે તેવી પ્રબળ શકયતા છે જેને ધ્યાને રાખીને વડાપ્રધાને હાલથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવું કહી શકાય છે.

ભારતે ટોક્યો ઓલમ્પિકમાં કુલ ૭ મેડલ અંકે કર્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ મેડલ મીરાબાઈ ચાનુએ વેઇટ લીફટિંગમા સિલ્વર મેડલ મેળવ્યો હતો. જે બાદ પી વી સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમવાર બોક્સિંગમાં ઉતરેલી લવલીનાએ બ્રોન્ઝ મેડલ અંકે કર્યો હતો. જ્યારે મેન્સ હોકી ટીમે જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રવિ દહીયાએ રેસલિંગમાં ભારતને બીજો સિલ્વર મેડલ અપાવ્યો હતો જ્યારે બજરંગ પુનિયાએ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભાલા ફેંકની ફાઈનલમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા આકસ્મીક રીતે જ આ રમતમાં આવ્યો હતો. તેણે જિમ છોડી ભાલો ફેંકવાનું શરૂ કર્યું હતું. તેના કાકા ભીમ ચોપરાએ જણાવ્યું હતું કે નીરજ શરૂઆતમાં શારીરિક રીતે ફિટ ન હતો તેથી જીમમાં જતો હતો. જીમની પાસે સ્ટેડિયમ હતું એટલે ક્યારેક ત્યાં ફરવા જતા હતાં.

એક વખત કેટલાક બાળકો સ્ટેડિયમમાં ભાલા ફેંકી રહ્યા હતા. નીરજ ત્યાં ગયો અને ઊભો રહ્યો ત્યારે કોચે તેને ભાલો ફેંકવાનું કહ્યું, અને કીધું જોવું કે તમે કેટલે સુધી ભાલો ફેંકી શકો છો. નીરજે ભાલો ફેંક્યો અને તે ઘણી દૂર જઈને પડ્યો. ત્યારબાદ કોચે તેને નિયમિત પ્રેકટીસ માટે આવવાનું કહ્યું. થોડા દિવસો સુધી નીરજે પાણીપત સ્ટેડિયમમાં તાલીમ લીધી, પછી પંચકુલા ગયો અને ત્યાં પ્રેકટીસ શરૂ કરી.

નીરજે ૨૦૧૬માં જૂનિયર વર્લ્ડ રેકોર્ડ રચ્યો હતો. તેમ છત્તા રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ નહોતા કરી શક્યા. નીરજે આ રેકોર્ડ ૨૩ જુલાઈએ રચ્યો હતો, જોકે રિયો માટે ક્વોલિફાઈની છેલ્લી તારીખ ૨૩ જુલાઈ હતી.

વર્લ્ડ રેકોર્ડ પછી સેનાએ નીરજને જૂનિયર કમીશ્નર ઓફિસરની પોસ્ટ દેતા નાયબ સૂબેદારના પદે નિયુક્ત કર્યા. તે પછી તેમણે પાછુ વળી જોયુ નથી અને ૨૦૧૮ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યું.

નીરજ આંતરરાષ્ટ્રીય સ્તર ૬ મોટી ટૂર્નામેન્ટમાં મેડલ જીતી ચૂક્યો છે. તે ૨૦૧૮માં જકાર્તા એશિયન ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ, ૨૦૧૭માં એશિયન ચેમ્પિયનશિપ, ૨૦૧૬માં સાઉથ એશિયન ગેમ્સ, ૨૦૧૬માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. ૨૦૧૬માં જૂનિયર એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.