Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી પદે આગામી 7મી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યાં છે. એક સામાન્ય કાર્યકરથી માંડી ગુજરાતના નાથ બનવા સુધીની સફરમાં વિજયભાઈએ ધાર્યા નિશાન પાર પાડ્યા છે. હવે તેઓના નિશાન પર વર્ષ-2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પર હોય તેવું આ તસવીર પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે. માદરે વતન રાજકોટમાં ગઈકાલે પોતાના 65માં જન્મદિનની સેવાસભર ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે રાજકોટ શહેર પોલીસના એક કાર્યક્રમમાં ટારગેટ ગન પર નિશાનો ટાંક્યો હતો.

આ ટારગેટ ગનનો ઉપયોગ ભલે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતો હોય પરંતુ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષના કાર્યકાળમાં વિજયભાઈનો ટારગેટ હંમેશા ગુજરાતવાસીઓની સુખાકારી, ગુજરાતનો વણથંભ્યો વિકાસ, રાજ્યમાં જ્ઞાતિ-જાતિના રાજકારણની પર સહિત સૌને સાથે રાખીને ચાલવાની પ્રણાલી અપનાવી છે. પાંચ વર્ષમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે રાજ્યમાં એકપણ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવામાં આવ્યું ન હોય. કોરોનાકાળમાં પણ વિજયભાઈની કુનેહના કારણે ગુજરાત બીજી લહેરનો મક્કમતાથી સામનો કરવામાં સફળ રહ્યું હતું. અને હવે ત્રીજી લહેરને ઉગતી જ ડામી દેવા સરકાર સજ્જ બની જવા પામી છે.

વાવાઝોડુ હોય કે વરસાદ વિજયભાઈ પોતાના અનુભવ અને આવડતથી હંમેશા મજબૂત બનીને ઉભરી આવ્યા છે. જ્યારે જ્યારે તેઓની નેતૃત્વ શક્તિ સામે સવાલો ઉભા થયા છે ત્યારે ત્યારે તેઓ વધુ શક્તિશાળી બની બહાર આવ્યા છે. તેઓ ગુજરાતના માત્ર ચોથા એવા મુખ્યમંત્રી છે જે મુખ્યમંત્રી પદે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યાં હોય. કોઈપણ સરકાર જ્યારે પાંચ વર્ષ પૂર્ણ કરતી હોય ત્યારે તેની ધમાકેદાર ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની પ્રતિભા પ્રસ્થાપિત કરનાર વિજયભાઈએ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી સેવારૂપી કાર્યો સાથે કરવાનું નક્કી કર્યું છે જે સાબીત કરે છે કે, હૈયે માત્રને માત્ર પ્રજાનું હિત જ સમાયેલું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે માત્ર દોઢ વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે ત્યારે વિજયભાઈએ ફરી ગુજરાતમાં વિજય પતાકા લહેરાવવાનું નિશાન તાંકી લીધુ છે.

કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોનો તેઓ આધાર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં મેડિકલ અભ્યાસક્રમમાં આર્થિક રીતે પછાત વર્ગોને અનામત આપવાની જાહેરાત કરી છે. તેનાથી રૂપાણીના ભાથામાં વધુ એક શસ્ત્ર ઉમેરાયું છે. પ્રજાહિત અને વિકાસના બ્રહ્માસ્ત્ર સાથે વિજયભાઈ વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ તોતીંગ બહુમતિ સાથે વિજેતા બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ટારગેટ ગન પર નિશાન સાધી વિજયભાઈ પોતાના હરિફો અને વિરોધ પક્ષને જાણે સંદેશો આપી રહ્યાં હોય કે, તમારી પ્રત્યેક હરકત પર મારી બાજ નજર છે. તમારૂ સપનું ખુરશી છે અને મારા હૈયે પ્રજાની ખુશી સચવાયેલી છે. તેઓ અગાઉ કહેતા હતા કે આ ટવેન્ટી-20 મેચ છે અને અડધી પીચે આવીને રમવું છે. હવે વિજયભાઈએ એવું જબરજસ્ત પ્લેટફોર્મ તૈયાર કરી લીધુ છે કે તેઓ અડધી પીચે નહીં પરંતુ પીચની અંદર રહી છે પણ બેટીંગ (પ્રજાના કામો) કરે તો પણ વિરોધપક્ષનું કંઈ ઉપજે તેમ નથી.

એક કાર્યકરથી મુખ્યમંત્રી સુધીની ખુરશી પર પહોંચેલા વિજયભાઈએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે, એક રાજનેતા ધારે તો પ્રજા કાર્યો સાથે વિકાસની હારમાળા પણ સર્જી શકે છે. હરીફો અને વિરોધ પક્ષની તમામ ગતિવિધિઓ વિજયભાઈના નિશાન પર છે અને સાથો સાથ ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો ખરી જ! (તસવીર: શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.