Abtak Media Google News

ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ ફ્લાઈટસના 542 પાયલોટ પર કરાયો સર્વે: ચાલુ સફરે 54% તિવ્ર ઊંઘ તો 41% મધ્યમ ઊંઘનો સામનો કરે છે !!

અબતક, મુંબઈ

એક સર્વે અનુસાર 542 ભારતીય પાઇલોટ્સમાંથી લગભગ 66% ચાલુ ફરજો ઊંઘી જતા હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. 542 પાયલોટસએ તાજેતરમાં થાક પરના સર્વેમાં ભાગ લીધો હતો. જેમાં  66% પાયલોટ દિવસ દરમિયાન જ ઊંઘી જતા હોય તેવું સામે આવ્યું છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ તેમના સાથી ક્રૂ સભ્યોને જાણ કર્યાં વિના જ સૂક્ષ્મ નિંદ્રા અવસ્થામાં જતા રહે છે.

સર્વેક્ષણમાં પ્રાદેશિક, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરીમાં રોકાયેલા પાઇલોટ્સ સામેલ હતા અને એપવર્થ સ્લીપીનેસ સ્કેલ પર તેમના થાકનું સ્તર માપવામાં આવ્યું હતું. તેમના પ્રતિભાવોના આધારે એવું જાણવા મળ્યું છે કે લગભગ 54% પાઇલોટ દિવસના સમયે વધુ પડતી ઊંઘથી પીડાય છે, જ્યારે 41% મધ્યમ દિવસની ઊંઘથી પીડાય છે, તેવું એનજીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાવાયું હતું. આ સમજાવે છે કે શા માટે 66% પાઇલોટ્સે કહ્યું કે તેઓએ સૂક્ષ્મ ઊંઘનો અનુભવ કર્યો હતો અથવા કોકપિટમાં અજાણતાં ઊંઘી ગયા હતા. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન થાકને માનસિક અથવા શારીરિક કાર્યક્ષમતા ઘટાડવાની શારીરિક સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે ઊંઘની અછત અથવા વિસ્તૃત જાગરણ, સર્કેડિયન ફેઝ અથવા વર્કલોડને કારણે પરિણમે છે. જે ક્રૂ મેમ્બર અને એરક્રાફ્ટની સતર્કતાને અસર કરે છે. આ પ્રકારની ઘટના સુરક્ષિત રીતે ચલાવવા અથવા ચલાવવાની ક્ષમતાને અસરકારક બાબત છે.

ઉડ્ડયન અકસ્માતો અને ઘટનાઓમાં પાયલોટનો  ’થાક’ જાણીતું કારણ છે. 2010 માં મેંગલોર અકસ્માતમાં આ એક કારણભૂત પરિબળ હતું જેમાં 158 લોકો માર્યા ગયા હતા. અવશેષ નિંદ્રા અને અશક્ત નિર્ણયને લીધે આ અકસ્માતમાં સર્જાયાનું માનવામાં આવે છે. કોકપિટ વોઈસ રેકોર્ડર સૂચવે છે કે, કેપ્ટન 2 કલાક અને 5 મિનિટના ફ્લાઇટ સમયના 1 કલાક 40 મિનિટ માટે ઊંઘી રહ્યો હતો. પાઇલોટ્સે થાક (74%)ના મુખ્ય કારણ તરીકે વહેલી સવારના પ્રસ્થાનનો ઉલ્લેખ કર્યો છે. એનજીઓના સ્થાપક કેપ્ટન અમિત સિંઘે જણાવ્યું હતું કે, સર્વેમાં પાયલટને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ સવારે 6 વાગ્યે ફ્લાઇટના પ્રસ્થાન માટે કેટલા વાગ્યે જાગશે? મોટાભાગના ક્રૂએ જવાબ આપ્યો કે તેઓ સવારે 3 થી 3:30 વાગ્યાની વચ્ચે ઉઠશે. આ સૂચવે છે કે આરામના સૌથી જટિલ સમયગાળા દરમિયાન તેમની શારીરિક ઘડિયાળ ખોરવાઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.