Abtak Media Google News

પડકાર ઝીલી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ ધોનીનો સ્વભાવ: ગ્રેગ ચેપ્પલ

ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કે જેને કેપ્ટન કુલ તરીકે ઓળખવામાં આવે છે તે અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોચ ગ્રેગ ચેપ્પલે પણ હકારાત્મક અભિગમ દાખવતા કહ્યું છે કે, મેં છેલ્લા ૫૦ વર્ષમાં આ પ્રકારનો કેપ્ટન જોયો નથી. ધોની કેપ્ટન તરીકે સંપૂર્ણપણે સફળ રહ્યો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં ધોનીને ખુબ નજીકથી જોયો છે અને તેના સ્વભાવને પણ બખુબી જાણુ છું તે પ્રમાણે તે હરહંમેશ માટે તેની પ્રકૃતિ પ્રમાણે શરતોને આધીન ચાલતો આવ્યો છે અને તે હરહંમેશ સ્પર્ધા માટે તૈયાર હોય છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લેન ચેપ્પલ, વેસ્ટ ઈન્ડિઝના કલાઈવ લોઈડ, ઈંગ્લેન્ડનાં માઈક બ્રેરલી સહિતના મહાન ક્રિકેટરો પૈકી મહેન્દ્રસિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે. ધોની છેલ્લા ૫૦ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી પ્રેરણાદાયી કેપ્ટન તરીકે સામે આવ્યા છે. ઈન્ડો એશિયન ન્યુઝ એજન્સી (આઈએએનએસ) સાથેની વિશિષ્ટ મુલાકાતમાં ગ્રેગ ચેપ્પલે કહ્યું હતું કે, ધોનીની રમતથી હું ખુબ જ પ્રભાવિત થયો છું. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆતી સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૦૫થી ૨૦૦૭ સુધી હું ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમનો કોચ હતો તે સમયે મે ધોનીને ખુબ જ નજીકથી જોયો છે. ગ્રેગ ચેપ્પલે કહ્યું હતું કે, બેટસમેન અને વિકેટ કિપર તરીકે ધોનીએ મારી તમામ અપેક્ષાઓથી પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું. મેં જોયેલા કેપ્ટનો પૈકી ધોની સર્વશ્રેષ્ઠ ભારતીય કેપ્ટન હતા.

૭૨ વર્ષીય ચેપ્પલે કહ્યું હતું કે, ધોની પાસે અપાર કુશળતા છે. ધોની હરહંમેશથી સ્પર્ધામાં રહેવાનું પસંદ કરે છે. ધોની સામે કોઈપણ પડકાર ફેંકવામાં આવે તો તેને ઝીલીને ધોની સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકવા સક્ષમ છે. ધોની તેમના યુગનાં મહાન ઓલ રાઉન્ડરો પૈકી એક છે. તેમણે હળવા સ્વરૂપમાં ઉમેરતા કહ્યું હતું કે, મેં ધોનીનો રમુજ સ્વભાવ પણ અનુભવેલો છે. આઈસીસી વન-ડે વર્લ્ડકપ, ચેમ્પીયન ટ્રોફી, ટી-૨૦ વર્લ્ડકપ જીતનાર વૈશ્ર્વિક સ્તરે એકમાત્ર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વન-ડે અને ટી-૨૦માં ધોનીની સફળતાની ટકાવારી ૫૦ ટકાથી પણ વધુ છે જયારે ટેસ્ટ મેચમાં સરેરાશ તેની સફળતાની ટકાવારી ૪૫ ટકા રહેલી છે.

તેમણે આઈપીએલ વિશે કહ્યું હતું કે, ૨૦૦૮માં જયારે ટુર્નામેન્ટની શરૂઆત થઈ ત્યારથી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની કપ્તાની મહેન્દ્રસિંહ ધોનીએ સતત ૩ વાર કરી હતી. ધોનીએ હાલ સુધી કુલ ૯૦ ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ૬૦ ટેસ્ટમાં તે કપ્તાન હતો. આ તમામ સફળતા બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું છે તે આનંદની વાત છે. ધોનીએ ૩૯ વર્ષની વયે નિવૃતિ લીધી છે. તેણે ઉમેરતા કહ્યું હતું કે, હાલ ધોની તેની શરતો પર રમ્યો છે અને તેની શરતો પર જ નિવૃત થયો છે. ભારત સરકારે ધોનીને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માનપદમાં ભુષણ આપી વર્ષ ૨૦૧૮માં સન્માનિત કર્યા હતા. વર્ષ ૨૦૦૯માં ધોનીને ચોથા સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી પણ ધોનીને નવાઝવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં ધોનીને લેફટનન્ટ કર્નલનો માનદ રેન્ક એનાયત કરાયો હતો. આ સિવાય પણ ધોનીને અનેકવિધ એવોર્ડ મળી ચુકયા છે. ધોની અને ગ્રેગ ચેપ્પલ વચ્ચેના સંબંધ અંગેના પ્રશ્ર્નમાં ચેપ્પલે કહ્યું હતું કે, ધોની સાથેનો મારો અનુભવ ખુબ જ સકારાત્મક રહ્યો હતો. તેની સાથે કામ કરવું ખુબ જ સરળ હતું કારણકે તે ખુલ્લી કિતાબ માફક હતો અને હરહંમેશ માટે સ્પષ્ટ વકતા રહેવાનું પસંદ કરતો હતો. ધોની ખોટી નમ્રતા પ્રદર્શિત કરવામાં જરા પણ વિશ્ર્વાસ રાખતો ન હતો.

ક્રિકેટર તરીકે અને રાષ્ટ્રીય કેપ્તન તરીકેની વૈશ્ર્વિક સુચિમાં આપ ધોનીને કયાં મુકશોના જવાબમાં ચેપ્પલે કહ્યું હતું કે, મારા મતે હાલ સુધીના ભારતીય ક્રિકેટરોમાં ધોની શ્રેષ્ઠ ભારતીય કેપ્ટન છે અને હું તેને સર્વોચ્ચ કેપ્ટનની હરોળમાં મુકવાનું પસંદ કરીશ. મારા અનુભવ મુજબ માઈકલ બ્રેરલી, લેન ચેપ્પલ, માર્ક ટ્રેલર અને કલાઈવ લોઈડ કે જે છેલ્લા ૫૦ વર્ષના સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર છે. હું ધોનીને તેમના હરોળમાં મુકવાનું પસંદ કરીશ અને મારું સ્પષ્ટપણે માનવું છે કે, ધોની છેલ્લા ૫૦ વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તેમજ કેપ્ટન પૈકી એક છે. ધોની એક એવો ક્રિકેટર હતો કે જે ગમે તે પ્રકારના પડકારને ઝીલી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકવા સક્ષમ હતો. ધોનીને સર્વશ્રેષ્ઠ ખેલાડી બનાવવા પાછળ તેને ઝીલેલી પડકારોનો ફાળો છે અને મને આનંદ છે કે, ધોનીને મેં પણ અનેકવિધ પડકારો આપ્યા હતા જે તેને સંપૂર્ણપણે હકારાત્મક સ્વરૂપે પાર પાડયા હતા.

ગ્રેગ ચેપ્પલને પુછાયેલા પ્રશ્ર્ન, જયારે તમે ભારતના કોચ હતા ત્યારે શું ધોની ક્રિકેટર તરીકેની તમારી અપેક્ષાઓમાં સફળ પુરવાર થયો હતો ? જેના જવાબમાં ચેપ્પલે કહ્યું હતું કે, ધોની પાસે રહેલી મારી તમામ અપેક્ષાઓ તો તેને પૂર્ણ કરી જ હતી પરંતુ તેવું કહી શકાય કે તેને મારી અપેક્ષાઓ કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ધોની તેની કુશળતાઓનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરવા સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.