- 2005 માં મહિલાઓના મુખ- કેન્સરના 379 કેસો હતા જે 2024 સુધીમાં વધીને 1,000 સુધી પહોંચ્યા
- જાણતા જાણતા આપણે જીવનને જોખમમાં મૂકીએ છીએ?
આજે વિશ્વભરમાં કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનું મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા, તેના નિવારણ શોધ અને સારવારને પ્રોત્સાહન આપવા સહિત કેન્સર સામે લડવાનો છે. વર્ષ 2000માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા શરૂ કરાયેલ આ પહેલ કેન્સર દ્વારા ઉભા થયેલ પડકારોનો સામનો કરવા માટે વિશ્વભારમાં વ્યક્તિઓ, સમુદાયો અને સંગઠનને એકત્રિત કરી કાર્ય કરી રહ્યું છે.
ત્યારે ગુજરાતમાં મહિલાઓના મુખ કેન્સર ને લઇ ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. જેમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના ડેટા અનુસાર, એક સમયે મહિલાઓ માટે અતિ દુર્લભ ગણાતા સ્ત્રીઓમાં મોઢાના કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો સામે આવ્યો છે. જેમાં છેલ્લા બે દાયકામાં ધરખમ વધારો નોંધાયો છે. 2005 માં મોં, જીભ, પેઢા અને કંઠસ્થાન જેવા સ્થળોને લગતા 379 કેસ હતા, જે 2019 સુધીમાં વધીને 941 થઈ ગયા – જે 148% નો વધારો દર્શાવે છે. આ સાથે 2024 સુધીમાં આ કેસ વાર્ષિક 1,000 સુધી પહોંચી ગયા હતા.
ત્યારે આ અંગે GCRIના ડિરેક્ટર દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાતમાં મહિલાઓમાં ધૂમ્રપાનના કેસોમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ ધૂમ્રપાન અને મસાલા બંને સ્વરૂપોમાં તમાકુનું સેવન છે. પુરુષોમાં તમાકુનો ઉપયોગ વધુ જોવા મળે છે, પરંતુ હાલ ખાસ કરીને શહેરી વિસ્તારોની મહિલાઓમાં ધૂમ્રપાનની આદતમાં વધારો થતો હોવાથી કેન્સરના દેશોમાં વધારો જોવા મળી રહ્યો છે,”
ત્યારે GCRI રિપોઝીટરી અનુસાર, 2023 ની સરખામણીમાં 2024 માં એકંદર કેન્સરના દર્દીઓમાં 6% નો નજીવો વધારો થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા દાયકામાં વસ્તી આધારિત પ્રમાણમાં બહુ ફેરફાર થયો નથી કારણ કે પુરુષોમાં મોં, જીભ અને ફેફસાં અને સ્ત્રીઓમાં સ્તન, સર્વિક્સ અને મોં ટોચના ત્રણ કેન્સર સ્થળો રહ્યા છે. પુરુષોમાં કેન્સરના 10,239 કેસોની સરખામણીમાં, સ્ત્રીઓમાં આ સંખ્યા 6,935 હતી.
કેન્સર ને લગતી માન્યતાઓ જાણતા–અજાણતા જીવનને જોખમમાં મૂકે છે.
કેન્સર ઘણીવાર એવી માન્યતાઓ અને નિષેધથી ઘેરાયેલું હોય છે જે ભય અને ખોટી માહિતી પેદા કરે છે. કેટલાક માને છે કે કેન્સર હંમેશા જીવલેણ હોય છે, પરંતુ વહેલા નિદાનથી ઘણા પ્રકારોનો ઇલાજ શક્ય છે. ત્યારે તે વિષે જાગૃતિ અને વૈજ્ઞાનિક તથ્યો ફેલાવવાથી આ ગેરમાન્યતાઓનો સામનો કરવામાં મદદ મળે છે, વહેલા તપાસ, યોગ્ય સારવાર અને દર્દીઓ અને બચી ગયેલા લોકો માટે વધુ સારો ટેકો મળે છે. જ્ઞાન સશક્ત બનાવે છે, ખોટી માન્યતાઓ નુકસાન પહોંચાડે છે! ત્યારે વહેલાસર તપાસ અને યોગ્ય સારવાર જરૂરી છે. કૌટુંબિક ઇતિહાસ, સકારાત્મક વિચારસરણી અને ઉંમર ફક્ત કેન્સરના પરિણામો નક્કી કરતી નથી. તેમજ કેન્સર ચેપી નથી. આ સાથે આવી દંતકથાઓ અને માન્યતાઓ બિનજરૂરી ચિંતા પેદા કરી શકે છે. ત્યારે આ અંગે જાગૃતિ ફેલાવવી અને નિષ્ણાંતોની સલાહ લેવી એ નિવારણ અને વધુ સારા સારવારના નિર્ણયો માટે મહત્વપૂર્ણ છે. જેથી આ અંગેની માન્યતાઓ થી દુર રહી સમયસર આવશ્યક સારવાર મળી રહે છે.
આ વર્ષે ‘યુનાઇટેડ બાય યુનીક’ની થીમ સાથે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી
દર વર્ષે આજના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે, તેની થીમ ‘યુનાઇટેડ બાય યુનિક’ રાખવામાં આવી છે, જે વ્યક્તિગત સારવારના મહત્વ અને ચોક્કસ જૂથોની ચોક્કસ જરૂરિયાતો પર ભાર મૂકે છે. આ થીમ કેન્સરની સંભાળ માટે લોકો-કેન્દ્રિત અભિગમ પર ભાર મૂકે છે, વ્યક્તિઓ અને તેમની વાતચીતને કેન્દ્રમાં રાખે છે. તે સ્વીકારે છે કે જ્યારે કેન્સર વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે, ત્યારે દરેક વ્યક્તિનો અનુભવ અનન્ય છે, અને વ્યક્તિગત સંભાળ આવશ્યક છે. આ ઝુંબેશનો હેતુ દરેક વ્યક્તિની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કેન્સરની સારવારને અનુરૂપ બનાવવાના મહત્વને પ્રકાશિત કરવાનો છે. આ ઝુંબેશ વિશ્વભરમાં કેન્સર સંભાળ અને આરોગ્ય પ્રણાલીઓમાં લોકો-કેન્દ્રિત અભિગમ તરફ મૂળભૂત પરિવર્તન લાવવાનું આહ્વાન કરે છે.