Abtak Media Google News

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ એટલે કે નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી (NALSA), સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી દ્વારા 02-10-2021થી 14-11-2021 સુધી એટલે કે સતત 44 દિવસ સુધી પાન ઈન્ડીયા અવેરનેસ અને આઉટરીચ કેમ્પેઈન ચાલી રહ્યુ છે અને જેના અનુસંધાનમાં વિવિધ કાનૂની જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા એલ. જે. સ્કુલ ઓફ લોમાં લો સ્ટુડન્ટ માટે એક લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રીજીજુ ઉપસ્થિત રહયા હતા. તેમણે આ તકે જણાવ્યું કે ગરીબીને કારણે કોઈ કેસ ના લડી શકે એવું ના થાય એ અમારી પ્રાથમિકતા રહેશે. અમે નિશ્ચિત કર્યું છે કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં અને સરકારની સહાયથી દેશભરમાં ફ્રી લીગલ અવેરનેસ ચલાવવામાં આવશે.

દેશના ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ મામલે તેમણે કહ્યું કે ન્યાયાલયમાં 101 જજીસની એપોઇન્ટમેન્ટ 25 તારીખમાં પૂર્ણ કર્યા છે. વર્ષના અંત સુધીમાં રેકોર્ડ એપોઇન્ટમેન્ટ પૂર્ણ કરીશું. NALSA અને DSLA, અમદાવાદ સાથે સંકલનમાં લોકોને મફત કાનૂની સહાય પૂરી પાડવા બદલ હું અમદાવાદની એલ. જે. યુનિવર્સિટીની લોક જાગૃતિ (LJ) સ્કૂલ ઑફ લૉની પ્રશંસા કરું છું. સમગ્ર રાજયમાં કેમ્પેઈન ખુબજ સરસ ચાલી રહ્યું છે.

1 1કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત હાઈકોર્ટના પબ્લીક પ્રોસીકયુટર મીતેષ અમીન તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા મંડળના સભ્ય સવિચ મહે. આર. એ. ત્રિવેદીએ મુખ્યત્વે પોકસો એકટ તથા મફત કાનૂની સહાય વિશે માહિતી આપી હતી. મફત અને સક્ષમ કાનૂની સહાય કેવી રીતે મળી શકે અને કોને મળી શકે અને લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ, 1989ની જોગવાઈઓ વિષે માહિતી આપવામાં આવી હતી અને લોના વિદ્યાર્થીઓને નાલ્સા દ્વારા ચાલી રહેલા પાન ઈન્ડીયા અવેરનેસ અને આઉટરીચ કાર્યક્રમમાં જોડાવવાની અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં એલ. જે. ટ્રસ્ટના પ્રમુખ શમીમ પીરઝાદા તથા એલ. જે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર દીનેશ અવસ્થી તથા એલ. જે. યુનિવર્સીટીના ઉપ-પ્રમુખ મનીષ શાહ તથા એલ. જે. સ્કુલ ઓફ લોના ઇન્ચાર્જ ડાયરેકટર ચૈતાલી જાની ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદ (ગ્રામ્ય)ના સચિવ એચ.જે.વસાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.