મંજૂરીથી વધુ બાંધકામ કે હેતુફેર નથી થયોને ? રાજકોટની ૧૪૪ હોસ્પિટલોમાં કોર્પોરેશનનું ચેકીંગ

અબતક, રાજકોટ

રાજકોટ મેડીલક હબ તરીકે આખા સૌરાષ્ટ્રમાં વિખ્યાત છે. ત્યારે શહેરમાં આવેલી ૪૧૬ હોસ્પિટલો પૈકી ૧૪૪ હોસ્પિટલોના સંચાલકોના બાંધકામ માટેની પરવાનગી લેવાયા બાદ બાંધકામ પૂર્ણ થઇ ગયાના વર્ષો પછી પણ કમ્પ્લીશન સર્ટીફીકેટ લેવામાં આવ્યું ન હોય આજે મ્યુનિસિપલ અમિત અરોરાના આદેશ બાદ ટીપી શાખા દ્વારા હોસ્પિટલોમાં ચેકીંગ હાથધરવામાં આવ્યું છે. આવતીકાલ સાંજ સુધીમાં ચેકીંગ પૂર્ણ થયાં બાદ તમામ ૧૪૪ હોસ્પિટલોને શા માટે કમ્પ્લીશન સર્ટીફીકેટ લેવામાં નથી આવ્યું તે અંગે ખુલાસો કરવા નોટીસ ફટકારવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરમાં ૪૧૬ હોસ્પિટલો આવેલી છે જે પૈકી ૧૪૪ હોસ્પિટલો પાસે કમ્પ્લીશન સર્ટીફીકેટ છે જ નહીં. હોસ્પિટલોના સંચાલકો દ્વારા મંજૂરીથી વધારાનું બાંધકામ ખડકી દેવામાં આવ્યુ હોવાનું અથવા હેતુફેર કરવામાં આવ્યો હોવાની શંકા જણાતા મ્યુનિ. કમિશનર દ્વારા કમ્પ્લીશન વિના ધમધમતી હોસ્પિટલોમાં ચેકીંગ હાથધરવા કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ચેકીંગ શરૂ  કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલો દ્વારા ક્યાં કારણોસર કમ્પ્લીશન સર્ટીફીકેટ લેવામાં આવ્યું નથી તેની ચકાસણી કરવામાં આવશે.

આવતીકાલ સાંજ સુધી ચેકીંગ ઝુંબેશ પૂર્ણ થયાં બાદ તમામ હોસ્પિટલોને શા માટે કમ્પ્લીશન નથી લીધું તે અંગે ખુલ્લાસો કરવા માટે નોટીસ ફટકારવામાં આવશે. જરૂ ર પડશે રજા ચીઠ્ઠી રદ્ કરવા સહિતના આકરા પગલાંઓ લેવામાં આવશે.

બાંધકામ વેળાએ આડશ કે નેટ નહીં લગાડનાર બિલ્ડરો દંડાશે

બિલ્ડર્સ, ક્ધસલ્ટીંગ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ એસોસિએશનને જાણ કરી પગલાં લેવાશે

બાંધકામ વેળાએ બિલ્ડરો દ્વારા આડશ કે નેટ લગાવવામાં આવતી ન હોવાને કારણે રાજમાર્ગો પરથી પસાર થતાં વાહનચાલકોએ ભારે હાડમારી વેઠવી પડે છે. બાંધકામ સાઇટ પર નેટ ન લગાવવાના કારણે મજૂરોને જીવલેણ ઇજાના પણ બનાવો ભૂતકાળમાં બન્યા છે. હવે બાંધકામ વેળાંએ સાઇટ પર નેટ કે આડશ નહીં લગાડનાર બિલ્ડરો સામે આકરાં પગલાં લેવામાં આવશે. આજથી ત્રણેય ઝોનમાં ટીપી શાખા દ્વારા ચેકીંગ શરૂ  કરી દેવામાં આવ્યું છે. જેમાં નેટ અને આડશ લગાવવા માટે બિલ્ડરોને તાકીદ કરવામાં આવી રહી છે. આવતીકાલ સાંજ સુધીમાં બિલ્ડર્સ એસોસિએશન, ક્ધસલ્ટીંગ એન્જીનીયર્સ એસોસિએશન, આર્કિટેક્સ એસોસિએશનને આ અંગેના લેખિતમાં જાણ કરી દેવામાં આવશે. છતાં જો બિલ્ડરો દ્વારા બાંધકામ વેળાંએ નેટ કે આડશ લગાવવામાં નહીં આવે તો તેની સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.