હું આ કરી રહ્યો છું તેમાં કોઇનો વાંક નથી, કોઈને દોષ દેતા નહિ સ્યુસાઈડ નોટ લખી નર્સીંગ યુવાને જીવન ટૂંકાવ્યું

અબતક,રાજકોટ

મૂળ જેતપુરના અને હાલ રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા યુવાને માલવિયા કોલેજ પાછળ આવેલી દોશી હોસ્પિટલ નજીક એપાર્ટમેન્ટમાં ફ્લેટના રૂમમાં દોરીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.બનાવની જાણ માલવિયાનગ રપોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનની તપાસ કરતા તેની પાસેથી મળેલ સ્યૂસાઇડ નોટ કબ્જે કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ગોંડલ રોડ માલવિયા કોલેજ પાછળ આવેલી દોશી હોસ્પિટલ નજીક એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત ભરતભાઇ ચાવડા નામના યુવાને ફ્લેટના રૂમમાં દોરીથી ગળાફાંસો ખાઇ લીધો હતો.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા જેતપુરના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બનાવની જાણ માલવિયાનગર પોલીસને જાણ કરતા પીએસઆઇ બી.બી.રાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસ તપાસમાં બનાવ સ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી. જેમાં મૃતકે પોતાનું નામ લખી પોતે હોશ સાથે કહું છું કે હું જે આ કરી રહ્યો છું એમા કોઇનો વાંક નથી, કોઇ પણ છોકરા, છોકરીનો વાંક નથી પાછળ જે થાય એમા કોઇને પણ દોષ દેતા નહિ એવી મારી ઇચ્છા છે. તેવું લખ્યું હતું.

પોલીસે ચિઠ્ઠી કબજે લઇ પૂછપરછ કરતા મૃતક પ્રશાંત મૂળ જેતપુરનો છે અને તે દોશી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતો હતો અને સપ્તાહ  પહેલા જ અન્ય મિત્ર સાથે ભાડાના ફ્લેટમાં રહેતા હતા. ગઈકાલે  પ્રશાંતે રજા રાખી હતી. જ્યારે તેનો રૂમ પાર્ટનર નોકરી પૂરી કરી રૂમ પર આવતા પ્રશાંતને લટકતો જોયો હોવાનું જણાવ્યું છે. યુવાનના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.જેથી પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.