ફાયરસેફટી વિના નહીં ઉદ્ધાર: હોસ્પિટલોમાં ફાયરસેફટી નહીં, તો દર્દી પણ નહીં: હાઇકોર્ટ

ફાયર એનઓસી ૧૯મી ફેબ્રુઆરી સુધી લઈ લેવા હાઇકોર્ટનું અલ્ટીમેટમ

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે શુક્રવારે કહ્યું છે કે, હોસ્પિટલોમાં ફાયરસેફટીના સાધનો ન હોય અને તેઓ ૧૯મી ફેબ્રુઆરી સુધીમાં ફાયર એનઓસી ન લ્યે તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ પણ લરી શકાશે નહીં. ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ જે બી પારડીવાલાની ખંડપીઠે હોસ્પિટલોમાં દર્દીઓનજ સલામતી મામલે આ નિર્ણય આપ્યો છે.

અમદાવાદમાં ફાયર સેફ્ટી મુદ્દે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. શહેરના ચીફ ફાયર ઓફિસરે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે એક સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં ચોંકાવનારા આંકડાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ચીફ ફાયર ઓફિસરે સોગંદનામામાં આપેલી માહિતી પ્રમાણે, શહેરની ૨૨૦૦ પૈકી ૭૦૦ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો હતો. આ સિવાય ૨૩૮૫ પૈકી ૧૮૫ ટ્યૂશન ક્લાસમાં ફાયર એનઓસી નથી. શહેરની ૧૨૦૦ હોટલ રેસ્ટોરન્ટ પૈકી ૪૫૦માં ફાયર એનઓસી નથી. શહેરના ઘણા એવા હાઈરાઈઝ બિલ્ડીંગમાં એનઓસી ન હોવાનો ખુલાસો પણ થયો હતો. અમદાવાદમાં ૬૦ મોલ પાસે ફાયર સેફ્ટીનો અભાવ હોવાની હકીકત પણ સામે આવી હતી.

જો કે, આજે ગુજરાત હાઇકોર્ટે ફાયર સેફ્ટી મુદ્દે એએમસીની ઢીલી કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને ગુજરાત હાઈકોર્ટે એએમસીને ફટકાર પણ લગાવી હતી. આ દરમિયાન હાઇકોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, અમદાવાદમાં ૧૫૧ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી જ નથી. જેને લઇ હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને આદેશ આપ્યો છે કે, આ ૧૫૧ હોસ્પિટલ વિરૂદ્ધ તાત્કાલિક નોટિસ ઈશ્યુ કરો અને આ તમામ હોસ્પિટલોમાં જો ફાયર સેફ્ટી ના હોય તો દર્દી દાખલ નહીં કરી શકે. ત્યાં જ હોઇકોર્ટે તમામ હોસ્પિટલોને ફાયર સેફ્ટી મામલે ૧૯ ફેબ્રુઆરી ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું છે. જો આ ૧૫૧ હોસ્પિટલોમાં ૧૯ ફેબ્રુઆરી સુધીમાં ફાયર સેફ્ટીનો અમલ કરવામાં ના આવે તો તાત્કાલિક ધોરણે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો હાઇકોર્ટે આદેશે આપ્યો છે.

નોંધનીય છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમા ૮ દર્દીના મોત નિપજ્યા હતા. આ હોસ્પિટલમાં ફાયરસેફ્ટીનું એનઓસી એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ ગયું હતું અને આગ લાગી એ વખતે હોસ્પિટલમાં વેલીડ ફાયરસેફ્ટી એન.ઓ.સી નહોતી તે વાતનો ઘટસ્ફોટ કોર્ટમાં ચીફ ફાયર ઓફિસરે કર્યો હતો.

કોરોનાકાળમાં ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવોએ આખા દેશનું ધ્યાન ખેંચાયુ હતું અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર દ્વારા દવાખાનાઓને જરૂરી બદલાવ કરવા માટે વારંવાર નોટિસ ફટકારાઈ હતી.