Abtak Media Google News

તમે કામ લઇને આવો, અમે પૈસા આપીશું: ધનસુખ ભંડેરી

અમે પાલિકા પદાધિકારીઓનો પક્ષ જોતાં નથી, માત્ર ગુણવત્તાસભર અને સમયસર કામ થવા જરૂરી

 

Dsc 5564

 

મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નગરપાલિકાઓને જે ગ્રાન્ટ મળે છે એમાંથી ક્યા પ્રકારના વિકાસ કામો થાય છે! કેવા કાર્યો હવે થશે એની સમિક્ષા કરવા જુદા-જુદા ઝોનમાં પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક પણ થતી હોય છે. પૈસાના વાંકે એકપણ નગરનું વિકાસ કામ નહીં અટકે એની અમે ખાતરી આપીએ છીએ. તેમણે કહ્યું કે પાલિકાઓને સ્માર્ટ સિટી, અમૃત સિટી વગેરે યોજનાઓ તળે અમે મોટું ફંડ આપીએ છીએ. લોકોની સુવિધા માટે પાલિકાઓ સતત કામ કરે અને છેવાડા માનવી સુધી સુવિધા પહોંચે એ જ અમારો હેતુ છે. અમે પાલિકા ક્યા પક્ષની છે એ જોતા નથી, માત્રને માત્ર લોકઉપયોગી કામ થતાં રહે એ જ અમારો ધ્યેય હોય છે. અમે રાજકીય ચશ્મા પહેરીને કોઇ પાલિકા તરફ નજર કરતાં નથી. માત્ર ગુણવત્તાસભર અને સમયસર કામ થવું જોઇએ એ અમારી પ્રાથમિકતા હોય છે.

તેમણે એમ પણ જણાવ્યું કે જે ગામની વસ્તી એક લાખ કરતાં વધુ હોય ત્યાં પાલિકાને ‘અ’ ગ્રેડ અપાય છે. 50 હજારથી વધુ વસ્તીએ ‘બ’, 25 હજારથી વધુ વસ્તીએ ‘ક’ અને 15 હજારથી વધુ વસ્તીએ ‘ડ’ ગ્રેડ અપાય છે અને પાલિકાઓને પોતાના ગ્રેડ પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવે છે.

અમે પાલિકા પદાધિકારીઓને કહીએ છીએ કે તમે કામ લઇને આવો અમે પૈસા આપશું, ભંડેરીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે દેશની શ્રેષ્ઠ પાલિકાઓમાં ગુજરાતની પાલિકાઓનો પણ સમાવેશ થયો છે.

મ્યુનિ. ફાયનાન્સ બોર્ડે બોલાવેલી સમિક્ષા બેઠકમાં 30 પાલિકા પ્રતિનિધિઓ ઉપસ્થિત

‘અબતક’ની પાલિકા પ્રતિનિધિઓ સાથે સીધી વાતચીત

અબતક, રાજકોટ

રાજકોટ ઝોનમાં આવતી સૌરાષ્ટ્રની 30 નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, કારોબારી ચેરમેનો, ચીફ ઓફિસરો વગેરેની સમિક્ષા બેઠક રાજકોટના સ્વામીનારાયણ  ગુરૂકુલના હોલમાં મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા બોલાવવામાં આવી હતી. બોર્ડ દ્વારા અપાયેલી ગ્રાન્ટ ક્યા વિકાસ કામમાં વપરાઇ છે? આગામી દિવસોમાં ક્યા વિકાસ કામો થવાના છે એ અંગેની સમિક્ષા બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ‘અબતક’ની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિર્પોટીંગ કરી કેટલીક નગરપાલિકાઓના પદાધિકારીઓ સાથે વાતચીત કરી તેમના નગરમાં વિકાસ કામોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ‘અબતક’ના વિશેષ અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

આગવી ઓળખ યોજના હેઠળ કેટેગરી વાઇઝ 2 થી 5 કરોડ અપાશે: ધનસુખભાઇ ભંડેરી

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની નિગરાની હેઠળ વાર્ષિક 8 હજાર કરોડ ફાળવણીથી સર્વ સમાવેશક વિકાસનો રોડમેપ તૈયાર

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ રાજકોટના સ્વામિનારાયણ ગુરુકૂળના સભાખંડમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની 30 નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સભ્યો સહિતના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ અને સંબંધિત કામોની સમીક્ષા કરી વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ધનસુખભાઇ ભંડેરીએ સૌરાષ્ટ્ર ના રાજકોટ ઝોનના 30 નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોમાં સર્વ સમાવેશક વિકાસ કાર્યો થાય તેમજ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાઓને પૂરતું ફંડ આપી રહી છે. વાર્ષિક રૂપિયા 8 હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે.

આ તકે દરેક નગરપાલિકાઓને ધનસુખભાઇ ભંડેરીએ દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ધનસુખભાઈએ તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં સરકારે ઉદાત વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ઘરદીઠ રૂપિયા 7000ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ 25 હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે. આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેક્ટો માટે કેટેગરી વાઇઝ  ‘અ’ વર્ગની નગરપાલિકાને રૂપિયા 5 કરોડ, ‘બ’ વર્ગને રૂપિયા  4 કરોડ, ‘ક’ વર્ગને રૂપિયા  3 કરોડ અને ‘ડ’ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં 38427 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ 8400 કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં 1329 કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને 14 અને 15 માં નાણાંપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરૂં ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

જસદણમાં સાત કરોડનું ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ: હવે સીસીરોડનું કામ હાથ ધરાશે: અનિતાબેન રૂપારેલીયા (પ્રમુખ)

જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા, ઉપપ્રમુખ દિપકભાઇ ગીડા અને અગ્રણી અલ્પેશભાઇ રૂપારેલીયાએ જણાવ્યું કે જસદણ નગરપાલિકા વાસ્તવમાં ‘બ’ વર્ગમાં આવી ગઇ છે પરંતુ જૂની વસ્તી ગણતરી પ્રમાણે ‘ક’ વર્ગમાં છતાં ‘બ’ વર્ગ જેવા કામ થઇ રહ્યાં છે. સાતેક કરોડના ભૂગર્ભ ગટરના કામ થયા છે તો રસ્તાના કામ માટે છ કરોડનુ ટેન્ડર હવે ખૂલ્યું છે. આ ઉપરાંત સેવાસદનનું કામ, સીસીરોડના કામ આગામી દિવસોમાં થશે. વળી આલણ સાગર તળાવનું કામ હાથ ધરવામાં આવશે જેથી પાણીનો પ્રશ્ર્ન હલ થશે. ‘નલ સે જલ’ યોજનાની અમલવારી થશે. ટાઉનહોલનું કામ થશે અને ખેડૂતલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે.

જસદણમાં સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કલેક્શનનું કામગીરી ચાલુ છે પણ લોકોએ ગમે ત્યાં કચરો ફેંકવાને બદલે કલેક્શન કરવા આવે ત્યારે જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે. વળી પાથરણાવાળા વ્યવસાયિકોને નદીને કાંઠે જગ્યા આપવા નગરપાલિકાએ વિચારણાં કરી છે. જેથી ટ્રાફિકના પ્રશ્ર્નો ન સર્જાય.

ભાયાવદરમાં ફિલ્ટરેશન પ્લાન્ટની કામગીરી ચાલુ: લોકોને મળશે શુદ્વ જળ: નયનભાઇ જીવાણી (પ્રમુખ)

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના પાલિકા પ્રમુખ નયનભાઇ જીવાણીએ કહ્યું કે અમારા ગામમાં રસ્તાના 100% કામ પૂર્ણ થયાં છે. ભૂગર્ભ ગટરનું કાર્ય પણ થયું છે. આગામી દિવસોમાં મોજ ડેમનું પાણી ફિલ્ટર કરવાની કામગીરી પૂર્ણ થતાં જ લોકોને પીવાનું શુદ્વ પાણી મળી રહેશે. આ ઉપરાંત સરકારે જીમના સાધનો મંજૂર કર્યા હોવાથી પાલિકા લોકોને સ્વસ્થ રહેવા માટે સારી જીમ સુવિધા આપી શકશે તો કોમ્યુનિટી હોલમાં પણ સુવિધા વધારવામાં આવી રહી છે. આગામી સમયમાં ભાયાવદરમાં સાર્વજનિક પ્લોટ પેક કરી ત્યાં ગંદકી ન થાય તે માટે સરકાર પાસે નાણાં માંગવામાં આવ્યા છે. સાર્વજનિક પ્લોટમાં મંદિર, બગીચા જેવી પ્રજા ઉપયોગી સુવિધા કરવામાં આવશે.

ગાંધીધામમાં કરોડો રૂપિયાના વિકાસ કામો થઇ રહ્યાં છે: ઇશિતા ટીલવાણી (પ્રમુખ)

ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઇશિતા ટીલવાણીએ જણાવ્યું કે સરકાર તરફથી અમને ખૂબ નાણાં મળે છે અને અમે પણ તે નાણાંનો પ્રજાકીય કાર્યો માટે ઉપયોગ કરીએ છીએ. રસ્તા સુધારણાં માટે હમણાં જ અમને સાડા પાંચ કરોડ રૂપિયા મળ્યાં તો ફ્લાય ઓવરની કામગીરી માટે પણ પાલિકા દ્વારા ખૂબ સરસ કામ થયું છે. વળી ગાંધીધામ ‘અ’ વર્ગમાં આવતું હોવાથી સફાઇ ઝુંબેશ સહિતની કામગીરી માટે પુષ્કળ ગ્રાન્ટ મળે છે. આગામી દિવસોમાં પ્રદૂષણ નિવારણ માટે અમે પ્રોજેક્ટ હાથ ધરશું તો વેજીટેબલ માર્કેટ અને સ્લમ નિવારણ માટે પણ કામગીરી કરવામાં આવશે.

પોરબંદરમાં બનશે ગુજરાતનો પ્રથમ સરકારી સી વ્યુ મોલ: સરજુભાઇ કારીયા (પ્રમુખ)

પોરબંદરમાં ગુજરાતનો બીજો રિવરફ્રન્ટ બન્યો છે અને રાજ્યનો પ્રથમ સરકારી સી વ્યુ મોલ બનવા જઇ રહ્યો છે એવું પાલિકા પ્રમુખ સરજુભાઇ કારીયાએ કહ્યું. તેમણે કહ્યું કે અમારા ગામમાં 99% રસ્તાના કામ પૂર્ણ થયાં છે. પહેલો રિવરફ્રન્ટ અમદાવાદ બન્યો, બીજો પોરબંદરમાં બન્યો છે. વળી એક રિવરફ્રન્ટ માટે મંજૂરી મળી છે. આ ઉપરાંત ગુજરાતનો પ્રથમ સી વ્યુ મોલ પોરબંદરમાં બનવાનો છે, જ્યાં 242 શોપ, 2 મલ્ટીપ્લેક્સ, ફૂડ ઝોન વગેરે હશે. પોરબંદર જેવી ચોપાટી બીજે ક્યા મળે? પોરબંદરમાં રાત્રિ સફાઇ ચાલી રહી છે. વળી ડોર ટુ ડોર કલેક્શન પણ થાય છે જેને કારણે સ્વચ્છતામાં પોરબંદરને 11મો નંબર મળ્યો છે. આગામી દિવસોમાં કિર્તીમંદિર ખાતે ગાંધીજીને લગતો લેસર શો અને ગાંધી જીવન ચરિત્રકથા માટે પણ નગરપાલિકા પ્રયત્નશીલ છે.

લોકોની આરોગ્ય સુવિધા માટે એમ્બ્યુલન્સ ખરીદાશે: જીવીબેન ઓડેદરા(પ્રમુખ, રાણાવાવ નગર પાલિકા)

રાણાવાવ નગર પાલિકાના પ્રમુખ જીવીબેન ઓડેદરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાણાવાવ નગર પાલિકા વિસ્તારમાં રોડ રસ્તાના સંપૂર્ણ કામ થયેલ છે.સાર્વજનિક પ્લોટમાં બ્લોક પણ નાખેલ છે.પાણીની સમસ્યા નિવારવા પાણીની ટાકીઓ કરેલ છે.આગામી વર્ષમાં બાગ બચીયા બનશે તેમજ ચોકમાં મોટા પોલ ઉભા કરી લાઈટો નાખવામાં આવશે તેમજ સ્વાગત ગેઈટ પણ બનાવવામા આવશે.રાણાવાવને સિસટીવીથી સજ્જ બનાવાશે.

 

મોરબી રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં કદમ માંડે છે જયરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખ)

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇએ જણાવ્યું કે સ્વચ્છતામાં મોરબી રાજકોટ ઝોનમાં નંબર વન છે. હવે અમે રિવરફ્રન્ટની દિશામાં પણ આગળ વધી રહ્યાં છે તો ઓવરબ્રિજ અને વિવિધ રસ્તાના કામના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મોરબીમાં રેંકડી અને નોનવેજની લારીઓના દબાણ બાબતે ફરિયાદો અમારી પાસે આવી છે, ટૂંક સમયમાં એનું નિવારણ પણ થશે. આગામી દિવસોમાં અમે લોકોની ફરિયાદ માટે એક વ્હોટએપ્પ નંબર જાહેર કરશું, જેમાં લોકો પોતાની ફરિયાદ મોકલી શકશે અને નિવારણ થયાં પછી પણ અમે તેનો સંપર્ક કરશું.

દ્વારકામાં 11 કરોડના કામ થયાં, હજુ 11 કરોડના થશે: જ્યોતિબેન સામાણી (પ્રમુખ)

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણીએ જણાવ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે રૂા. સાડા પાંચ કરોડનો પ્રોજેક્ટ ચાલુ છે તો ભડકેશ્ર્વર મહાદેવ મંદિરને દરિયાથી નુકશાન ન થાય એ માટે પણ કામ ચાલુ છે. કુલ 11 કરોડના કામ થયાં છે અને 11 કરોડના કામ થશે. નર્મદાનું પાણી અમને ક્યારેક ઓછું મળે છે માટે અમે માયાસર તળાવ ઊંડુ ઉતરવાનું કામ હાથ ધરવાના છીએ જેથી લોકોને પાણીની અગવડતા ન પડે. દ્વારકા ટુરિસ્ટ પ્લેસ હોવાથી અમે અલગ-અલગ ચાર જગ્યાએ પાર્કિંગ બનાવ્યા છે અને ત્યાં શૌચાલય સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. વળી સીસીટીવીનું કવરેજ પણ દ્વારકાને મળ્યું છે.

 

ગોંડલમાં સરકારી નાણાંનો પ્રજાકલ્યાણ માટે શ્રેષ્ઠ ઉપયોગ કરે છે પાલિકા: ઋષિરાજસિંહ જાડેજા (કારોબારી ચેરમેન)

ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજાએ કહ્યું કે તેમના નગરમાં 10 કરોડના કામ પ્રગતિમાં છે. તેમને એ વાતનો આનંદ છે કે ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ સમિક્ષા બેઠકમાં એવું કહ્યું કે અન્ય પાલિકા પદાધિકારીઓએ ગોંડલ જઇને જોવું જોઇએ કે સરકારી નાણાંનો ઉપયોગ પ્રજાકલ્યાણના કામોમાં ગોંડલ પાલિકા કંઇ રીતે કરે છે! ગોંડલમાં ઓવરબ્રિજનું કામ થશે અને અન્ડરબ્રિજમાં પેઇન્ટીંગનું કામ ચાલી રહ્યું છે. ગોંડલમાં ટ્રાફિક કે લારી-ગલ્લાવાળાના દબાણના પ્રશ્ર્નો નથી એવું કારોબારી ચેરમેને કહ્યું.

 

આગામી 6 મહિનામાં રોડ,રસ્તા,ગટરના પ્રશ્ર્નો થશે હલ: હિતેશ જોશી (પ્રમુખ, ભાણવડ નગર પાલિકા)

ભાણવડ નગર પાલિકા વિસ્તારમાં લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો છે.નગર પાલિકા પ્રમુખ હિતેશભાઈ જોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં વિકાસના કોઈ કામ થયા જ નથી .વિકાસના જે કામો અટક્યા હતા તેને અમે વેગ આપી રહ્યા છીએ.છેલ્લા 2 મહિનામાં અમે અઢળક પ્રશ્નો ના નિકાલ કર્યા છે.આગામી નગર પાલિકા તેમજ વિધાનસભામાં લોકો કોંગ્રેસ પર વિશ્વાસ મુકશે.રોડ રસ્તા ગટર ના તમામ અધૂરા કામો અમે 6 મહિનામાં પૂર્ણ કરીશું.

નગર પાલિકા સંચાલિત કોવિડ સેન્ટર ચાલુ કરેલ: મયુર સુવા (પ્રમુખ, ઉપલેટા નગર પાલિકા)

ઉપલેટા નગર પાલિકાના પ્રમુખ મયુરભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉપલેટાની જનતા માટે રૂપિયા 5 કરોડના ખર્ચે ટાઉનહોલનું કામ ચાલી રહ્યું છે.આવનારા દિવસોમાં 9.5 કરોડના ટેન્ડર પાસ થયે 2 સ્કૂલ તેમજ રોડ- રસ્તાઓનું ડેવલોપમેન્ટ થશે.હેરીટેજને લાગતા કામો પણ થશે.કોરોનાં મહામારી દરમ્યાન ઉપલેટા એક જ એવી નગર પાલિકા બની હતી જેમાં કોવિડ સેન્ટર નગર પાલિકા સંચાલિત હોઈ.લોકોના કાંઈ પણ પ્રશ્નો હશે તે તમામ પ્રશ્નો હલ કરાવીશું.

ભાજપનો પૂરતો સાથ, ગ્રાન્ટ પુરી મળે છે: અંજના ભાસ્કર (પ્રમુખ, ધોરાજી નગર પાલિકા)

ધોરાજી નગર પાલિકામાં કોંગ્રેસનું શાશન છે નગર પાલિકાના પ્રમુખ અંજનાબેન ભાસ્કર તેમજ ઉપપ્રમુખ ઈમ્તિયાઝ ભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી પૂરતી ગ્રાન્ટ મળે છે.અમારા તમામ કામોનો હલ આવી જાય છે.રોડ રસ્તા પાણીના તમામ પ્રશ્નો અમારા હલ થઈ ગયા છે.આગામી દિવસોમાં ભૂગર્ભ ગટરનું તમામ કામ પૂર્ણ થઈ જશે અને લોકોને પડતી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે તેવો વાયદો પ્રજાને આપીએ છીએ.

ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર થઈ ખેતીવાડીમાં વપરાય તે માટે આયોજન: જયસુખભાઈ ગુજરાતી (કારોબારી ચેરમેન,જેતપુર નગર પાલિકા)

જેતપુર નગર પાલિકાના કારોબારી ચેરમેન જયસુખભાઈ ગુજરાતીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેતપુર નવગઢ નગર પાલિકા વિસ્તાર સાડી ઉદ્યોગને કારણે દેશ વિદેશમાં પ્રખ્યાત છે.ધારાસભ્ય જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં નગર પાલિકાના પ્રમુખ અને અમે બધા સાથે મળી રોડ રસ્તા અને લાઈટના પ્રશ્નો હલ કરીએ છીએ.જેતપુર નવગઢ નગર પાલિકા વિસ્તારમાં ઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં છે.સીસી રોડ પણ થઈ ચૂક્યા છે.આખા શહેરમાં ભૂગર્ભ ગટરની કાર્યવાહી પણ પૂર્ણ થઈ ચૂકી છે.નવી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામો ચાલુ છે.ભૂગર્ભ ગટરના પાણી નદીમાં ન જાય અને તેનું ફિલ્ટરેશન થઈ કામ થાય તે કામગીરી પણ ટૂંક સમયમાં થઈ જશે.ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી છે તેનો ફિલ્ટર પ્લાન્ટ અલગ છે.જેતપુર ડાઇંગ એન્ડ ફિલ્ટર એસોસિએશન તેનું સંચાલન કરે છે.સરકારના સહકારથી જેતપુર થી પોરબંદર દરિયા સુધી પાણીની પાઇપલાઇન નો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે જેથી લોકોને પણ લાભ થાય.પર પ્રાંતિય લોકોને રોજગારીનો પ્રશ્ન પણ હલ થઇ ગયો છે.જેતપુર પ્રદુષણ મુક્ત થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.