Abtak Media Google News

આગામી 50 વર્ષનું ટ્રાફિક મેનેજમેન્ટ અને  જરૂરીયાતો તેમજ છેવાડાના  નાગરીકની જરૂરીયાતને ધ્યાને લઈ

એઈમ્સ  સાઈટની મુલાકાત લઈ  ઝડપી  કામગીરી માટે અધિકારીઓ સાથે  રીવ્યુ બેઠક કરતા કલેકટર અરૂણ મહેશ બાબુ: હોસ્પિટલ નિર્માણ અને અન્ય કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા કલેકટરનું સુચન

ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર  અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એઈમ્સ ખાતે મીટીંગ યોજી હતી.

કલેકટરે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમ જણાવી એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.

એઈમ્સ સુધી પહોંચવા 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટરનો હયાત રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરશ્રીએ રૂડા, માર્ગ-મકાન વિભાગ, આર.એમ.સી, જેટકો, રેવન્યુ તેમજ એઇમ્સના અધિકારીઓ સાથે આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું હતું. જેમ જરૂરિયાત વધે તેમ-તેમ ફેરફારો ન કરવા પડે અને શરૂઆતનું નિર્માણ માત્રને માત્ર સામાન્ય માણસની જરૂરિયાત સગવડતા ધ્યાને રાખીને થાય તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે કલેકટરશ્રીએ સૂચન કર્યું હતું અને આ અંગે ઓથોરિટી દ્વારા પણ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

89866

કલેક્ટરની એઇમ્સની મુલાકાત દરમિયાન રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર  કર્નલ ચંદનદેવ કટોચે જુદા જુદા વિભાગની તબક્કાવાર પ્રગતિમાં રહેલી કામગીરીની વિગતો આપી હતી અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા તબીબી શિક્ષણ સાથે સંશોધનની દ્રષ્ટિએ ઉભી થનાર વિવિધ સુવિધા માટે માળખાગત કામગીરી, વિવિધ બ્લોક, અને બિલ્ડીંગ આ અંગે માહિતી આપી હતી.

રાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021 થી ઓપીડી શરૂ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે. જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે, તેમ જણાવી અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સની હાઇ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. પ્રાંત અધિકારીશ્રી વિરેન્દ્ર દેસાઈએ રાજ્ય સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી જુદી સેવાઓ માટે કરવામાં આવેલી અને મોકલવાની થતી દરખાસ્તો અને કરેલા સંકલનની વિગતો કલેકટર સમક્ષ રજૂ કરી હતી.

એઈમ્સ ખાતે મીટીંગ અને સાઇટ મુલાકાત વેળાએ રૂડા, આર.એમ.સી., માર્ગ અને મકાન વિભાગ, જેટકો, સિંચાઈ ખાતુ, સંબંધિત મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને રાજકોટ ખાતે એઇમ્સ મળેલી છે. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનું એઈમ્સના પ્રોજેકટને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોની વિવિધ નાગરિક સુવિધાઓ અને સવલતો માટે વિશેષ આયોજન અંગે વહીવટીતંત્રને માર્ગદર્શન મળતું રહ્યું છે.

એઇમ્સને ઝડપથી ઊભી કરવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે: અરૂણ મહેશ બાબુ (કલેક્ટર)

Vlcsnap 2021 07 14 08H43M31S346

રાજકોટ એઇમ્સની કામગીરી ને ઝડપીથી પૂર્ણ કરવા એઇમ્સનાં ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર સાથે મુલાકાત લેવામાં આવી છે. તેમજ અહીંના ફિલ્ડ લેવલમાં જે ક્ધસ્ટ્રકશન એજન્સીની કામગિરી છે એની પણ સમીક્ષા લેવામાં આવી છે. ખાસ તો હોસ્ટલ બિલ્ડીંગ , આઈ.પી.ડી બિલ્ડીંગ અને ઓ.પી.ડી બિલ્ડીંગ ને વધુ પ્રાધાન્ય આપી  કામ કરવાનું છે. તેમજ રોડ-રસ્તા માટે રૂડા, આર.એમ.સી અને સ્ટેટ આર.એન.બી ની પણ સમીક્ષા કરવામાં આવી છે.

તેમજ ક્યુ પોલીસ સ્ટેશન કે ચોકી આવસે, ક્યુ ફાયર સ્ટેશન આવશે તેમજ રોડ નું ફ્લાયઓવર ગ્રીન કોરિડોર ક્યાં આવશે આ બધી ચર્ચા કરવામાં આવી છે. ડિસેમ્બરમાં ઓપીડી શરૂ કરવાના પ્રયત્ન કરશુ તેમજ મુખ્ય બિલ્ડીંગ, એકેડમી બ્લોક , હોસ્પિટલ અને રેસિડેન્સી બ્લોક આ બધી કામગીરી ની સમીક્ષા લેવામાં આવી છે. એચ.એસ.સી.સી કમ્પની જે ક્ધસ્ટ્રકશન નું કામ  કરી રહ્યા છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે. અને તમામ  ડિપાર્ટમેન્ટ સાથે મહત્વ ની મિટિંગ કરવામાં આવી છે.

એઇમ્સ ડિરેક્ટર અને ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા હાલ કરવામાં આવી રહી છે.એમ્સના ડિરેક્ટર સાથે એ પણ ચર્ચા કરવામાં આવી સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઇ જ્યાં સુધી એઇમ્સ શરૂ ન થાય. ત્યાં સુધી મોબાઈલ વાહનો દ્વારા લોકોને સારવાર આપવામાં આવે તેમજ કેમ્પનું આયોજન  કરવાનું નક્કી કરવામાં આવ્યું છે થોડાક સમયમાં આનું સંપૂર્ણ આયોજન ગોઠવામાં આવશે. તેમજ લોકલ લોકો ને અહીંથી રોજગારી મળે તેની પણ વિનંતી કરવામાં આવી છે તમામ જનહિતની કામગીરી કરવાની પ્રબળ ઈચ્છા છે. જે સારી રીતે થઇ રહી છે તે બદલ હું ટીમને પણ અભિનંદન પાઠવું છું અને જિલ્લા વહીવટીતંત્ર વતી સંપૂર્ણ સપોર્ટ પણ આપીશું.

ડિસેમ્બરથી સેવા શરૂ કરવાની તૈયારીઓ વેગવંતી કરવામાં આવી છે : શ્રમદીપ સિન્હા (ડી.ડી.એ, એઇમ્સ)

Vlcsnap 2021 07 14 08H43M53S431

એઇમ્સ ડીડીએ શ્રમદીપ સિન્હાએ જણાવ્યું કે સૌપ્રથમ તો હું જિલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આ મહત્વના પ્રોજેક્ટ માટે કલેકટર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. તેમના દ્વારા તાત્કાલિક ધોરણે દરેક કામગીરી પર ઝડપ થી પગલાં લેવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અને સહયોગ થી અમને આશા છે કે અમે ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરી દેશું લોકોને રોજગાર મળશે.

તેમજ સારવાર માટે મોબાઈલ વાહનની પણ સુવિધાને વહેલી તકે આયોજન કરી લોકો સુધી પહોંચાડવાની છે. જિલ્લા પ્રશાસન દ્વારા અમને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે. ખાસ તો અમે હવે લેબરમાં વધારો કરસું જેથી કામ ને ઝડપથી વેગવંતું કરી શકાય એમ્સના રોડ રસ્તા માટેની પણ આજે સમીક્ષા કરવામાં આવી છે.  ઝડપથી રોડ રસ્તા ની કામગીરી ને  પૂર્ણ કરવામાં આવશે. જેથી સામાન્ય માણસ પણ તાત્કાલિક ધોરણે એઇમ્સ સુધી ઝડપથી પહોંચી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.