Abtak Media Google News

માનવ, સંસ્કૃતિ, સભ્યતા, વિકાસના મૂળતો પરમ તત્વ સાથે જોડાયેલા જ છે. પરંતુ પરમ તત્વની ઓળખ અને સત્ય જોવા માટેની દ્રષ્ટિ તો  વિરલ વિભૂતીઓને જ પ્રાપ્ત થાય છે. માનવ સમાજને સત્યની ઓળખ કરાવવા પ્રભુના અવતરણની પરંપરાના આશિર્વાદથી મનુષ્ય સર્વશ્રેષ્ઠ જીવન અને સમાજ વ્યવસ્થાનું સુખ ભોગવે છે. ભગવાન મહાવીર સ્વામીએ સકલ સંસારને જીવનના મર્મ સમજાવીને પરમ તત્વની ઓળખ આપી છે. કલ્યાણક સંસારની ચાવીમાં જ ભગવાન મહાવીર સ્વામીએ અહિંસા પરમ ધર્મના જ્ઞાનથી જ પૃથ્વીને જ્ઞાનના પ્રકાશથી પ્રજ્જવલીત રાખી છે. ભગવાન મહાવીરની દ્રષ્ટિએ અહિંસા જ પરમ ધર્મ છે.

અહિંસાને ધર્મની દ્રષ્ટિએ નહીં પણ ધર્મને અહિંસાની દ્રષ્ટિએ જોવાનું તેમને શિખવ્યું છે. અહિંસા પર ભગવાન મહાવીરે જેટલો ભાર આપ્યો છે તેવું ભાર અન્યએ જ્વલેજ આપ્યો હશે. દેખાઇ એવી હિંસામાં પ્રાણીઓનું વધને હિંસા અને વધ ન કરવાને અહિંસા ગણવામાં આવે છે. પરંતુ ખરેખર એવું નથી હિંસા અને અહિંસા સુક્ષ્મ અને વ્યાપક છે. ભગવાન મહાવીરની દ્રષ્ટિએ હિંસાના પ્રકારોમાં ઉધમી એટલે કે નોકરી, ખેતી, ઉદ્યોગ, વેપાર જેવી જીવન નિર્વાહની પ્રવૃતિમાં થતી હિંસાને ઉધમી કહે છે. પ્રતિરોધી હિંસા સન્માન, સંપતિ, દેશની રક્ષા, આતંક, આક્રમણનો સામનો કરવામાં જે હિંસા થાય છે તેને પ્રતિરોધી હિંસા કહે છે.

જેનાથી આ યુગમાં બચવું મુશ્કેલ છે. હિંસાના એક સૂક્ષ્મ પ્રકારમાં સંકલ્પી હિંસા જે મનના વિકારો, યુધ્ધ, સાપ્રંદાયિક, વાદ, શિકાર, બલીસંકલ્પ, પારકાને ગુલામ બનાવવા, પારકી સંપતિ પચાવવાનો વિચાર, ગર્ભપાત કરવું, કરાવવું, સત્તા પ્રાપ્તિનો મોહ જેવા વિકારોને પણ સંકલ્પી હિંસા ગણવામાં આવે છે. સંસારમાં આરંભી, ઉધમી, પ્રતિરોધી હિંસાથી સંપૂર્ણપણે બચવું શક્ય નથી. દરેકને પોતાના હાથે ઓછામાં ઓછી હિંસા થાય તેવો ભાવ પણ ધર્મ અનુરાગ ગણાશે પરંતુ ન દેખાય એવી સંકલ્પી હિંસા સંપૂર્ણપણે નિવારી શકાય છે. સંકલ્પી હિંસા ન તો જીવન માટે, ન તો પરિવાર માટે, ન તો દેશ માટે આવશ્યક છે. માત્ર રાગદ્વેષ અને અહંકારના સંતોષ માટે સંકલ્પી હિંસામાં સમાજ પ્રવૃત રહે છે. તેનાથી જ આત્મનું પતન થાય છે અને આત્માના પતનના નિમિત બનવામાં ઘોર પાપ છે.

ભગવાન મહાવીર સ્વામીએ સંકલ્પી હિંસાનો જ પ્રતિકાર કરવાની સમાજને શીખ આપી છે. હિંસા ક્યારેય કલ્યાણક હોતી નથી અને અહિંસાનુ આચરણ જ દેવથી લઇ મનુષ્ય અને સર્વજીવ માટે કલ્યાણકારી બની રહે છે. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવનો માહોલ સોળે કલાએ ખિલ્યો છે ત્યારે માત્ર મહાવીર ભક્તો જ નહીં સમાજના, દેશના અને વિશ્ર્વભરના તમામ માનવીઓ હિંસાના વ્યાપક અને સૂક્ષ્મ પ્રકારને સમજી જીવનમાં લઘુત્તમ હિંસા થાય તે માટે સચેત રહે અને હાથથી નહિં પણ મનથી પણ ખરાબ સંકલ્પરૂપી હિંસા ન થાય તે માટે સચેત થાય તો ખરા અર્થમાં સમગ્ર સંસારમાં કલ્યાણ થઇ જાય. અહિંસા પરમો ધર્મનું ભગવાન મહાવીરના આર્શિવચન માનવ સમાજ જેટલું વ્યાપક પ્રમાણમાં અપનાવશે. સમાજ અને સૃષ્ટિમાં એટલી જ શાંતિ અને કલ્યાણભાવ ઉભો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.