એકપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહિ રહે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી: પૂર પ્રભાવિત લોકોને નુકશાનીનો સર્વે કરી મદદરૂપ બનવા અધિકારીઓ સાથે બેઠક યોજી

84 ગામોમાં વીજ પૂરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા સાંજ સુધીમાં 100% વીજપુરવઠો કાર્યરત થશે

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત-પૂરગ્રસ્ત થયેલા જામનગર જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તોને મદદરૂપ થવા સંવાદ કરી અસરગ્રસ્તોના આંગણે જઈને સમગ્ર સરકાર આપની સાથે છે. તેવી હૈયાધારણા આપી હતી. અસરગ્રસ્તોને થયેલી નુકસાની અંગેનો કયાસ કાઢી જામનગર ખાતે કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર સરકાર અસરગ્રસ્તોની સાથે છે. સરકાર સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બચાવવા માટે કરવામાં આવેલી ત્વરિત કામગીરીની વિગતો આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે જામનગર જિલ્લાના 447 ગામોમાં ભારે વરસાદની અસર પહોંચી છે.

સમગ્ર જિલ્લાની ટીમને કપરી કામગીરી સરળતાથી બજાવવા બદલ અભિનંદન આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નુક્સાનીના સર્વે માટે સ્થાનિક ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ ટીમોને બોલાવવા સૂચના આપવામાં આવી છે. હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લઈ ન જાય એ રીતે સર્વેની કામગીરી હાથ ધરવા માર્ગદર્શન આપ્યું છે. આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવા માર્ગદર્શીત કરતા મુખ્યમંત્રીએ જામનગર જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે જિલ્લામાં કુલ 4,760 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

144 લોકોને એરફોર્સ દ્વારા રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે. 46 ટીમો સર્વે માટે હાલ કાર્યરત છે. સૌરાષ્ટ્રમાં મોસમનો 80% વરસાદ પડી ચુક્યો છે. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી તાત્કાલિક કામગીરી હાથ ધરીને આજ સાંજ સુધીમાં 100% ગામોમાં વીજળી મળે તે રીતે કામગીરી કરવા સૂચના આપી છે. મૃતપશુ નિકાલ અને સફાઈ માટે જરૂર પડ્યે બહારની ટીમ બોલાવવા સૂચના આપવામાં આવી છે તેમજ રસ્તાઓ ખુલ્લા કરવા કામગીરી થઈ રહી છે.

મુખ્યમંત્રીની સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, મેયર બીનાબેન કોઠારી, મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સહિતના અધિકારીઓ, પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં પશુધનને વ્યાપક નુકશાન: સર્વેની કામગીરી હાથ ધરાઇ

શહેર અને જિલ્લામાં મેઘ તાંડવ પછી મોટી સંખ્યામાં પશુધન હાની પહોંચી છે, અને ગાય- ભેંસ- ઘેટા-બકરા સહિતના અનેક પશુઓ વરસાદી પૂરમાં તણાઈ ગયા છે, ત્યારે પશુપાલન વિભાગ દ્વારા આ અંગેની સર્વે કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે, અને જુદી-જુદી અઢાર જેટલી ટુકડીઓ અલગ-અલગ વિસ્તારોમાં સર્વે કરવા માટે રવાના કરી દેવામાં આવી છે. પશુપાલન અધિકારી ડો.અનિલ વિરાણીની રાહબરી હેઠળ જુદી-જુદી બાર ટુકડીઓ બનાવીને સર્વે માટે દોડતી કરી લેવામાં આવી છે.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાની થઇ હોવાથી સમગ્ર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી પાંચ ટુકડીઓ બનાવી સર્વે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામજોધપુર તાલુકામાં બે ટુકડી, કાલાવડ તાલુકામાં બે ટુકડીને દોડતી કરાઈ છે જ્યારે ધ્રોલ- જોડીયા અને લાલપુરમાં એક એક ટુકડીને  રવાના કરી દેવામાં આવી છે. જે તમામ ટુકડીઓ દ્વારા આશરે ત્રણેક દિવસમાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને જિલ્લા પંચાયતના મહેસૂલ વિભાગમાં સોંપી દેવામાં આવશે.

જામનગર જિલ્લાના ફ્લડના કારણે પશુધન મૃત્યુ પામે તેવા સંજોગોમાં ગાય-ભેંસનું વળતર આપવા માટે રૂપિયા 30 હજારનું વળતર અપાય છે. જ્યારે ઘેટા બકરા માટે રૂપિયા 3,000 જ્યારે મરઘાં માટે રૂપિયા 50 નો દર નક્કી કરાયો છે. જે મુજબ વળતર ચૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.