Abtak Media Google News

કાશ્મીરમાં આતંકીઓ સાથે મળેલા 150 પોલીસકર્મી સામે તપાસ

હાથ ધરાઈ: સસ્પેન્શન અને ડિસમિસ સુધીના પગલાં લેવાશે

 

અબતક, શ્રીનગર

જમ્મુ કાશ્મીરને આંતકવાદમુક્ત બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું છે. જેમાં સરહદની પાર રહેલા હરામીઓનો ખાત્મો તો બોલાવાઈ જ રહ્યો છે પરંતુ તેની સાથે ઘરમાં રહેલા ગદ્દારોને પણ ઠેકાણે પાડી દેવા તખ્તો તૈયાર કરી દેવાયો છે. જેમાં આતંકને ફન્ડિંગ પૂરું પાડનાર, પનાહ આપનાર તેમજ એક અથવા બીજી રીતે મદદગારી કરનારા તમામ સામે પગલાં લેવાં તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે તેના બેડાના કલંકિતોની ઓળખ કરીને આકરી કાર્યવાહી કરવાની રણનીતિ ઘડી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આતંકીઓ કે ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ છે. તેમાંથી 10 જમ્મુના અને બીજા કાશ્મીરના છે.

મોટા ભાગના પોલીસકર્મી રાજૌરી, પૂંચ, જમ્મુ અને કિશ્તવારના છે. તપાસમાં દોષિત ઠરનારા પોલીસકર્મીઓને સીધા સસ્પેન્ડ કરાશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે તંત્રના આદેશાનુસાર ખાતાકીય તપાસ ચાલી રહી છે. કેટલાક પોલીસ અધિકારીઓ પણ આતંકી સંગઠનોના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ગુપ્તચર શાખા કલંકિત અધિકારીઓ સામે તપાસ કરી રહી છે, જે પૂરી થયા બાદ સસ્પેન્શન માટે એક્સપર્ટ કમિટીને ભલામણ કરાશે.

પોલીસકર્મીઓને કડક ચેતવણી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ પોલીસદળને વધુ કાર્યકુશળ બનાવવા માટે પણ અભિયાન છેડાશે, જે અંતર્ગત નિષ્ક્રિય કર્મીઓની પણ ઓળખ કરાઇ રહી છે.  48 વર્ષથી વધુ વયના અને 30 વર્ષથી વધારે સમય નોકરી કરી ચૂકેલા સામે તપાસ ચલાવાઇ રહી છે. આવા પોલીસકર્મી તપાસ બાદ ફરજમાં કોઇ પણ પ્રકારની બેદરકારી બદલ દોષિત જણાશે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે.

જમ્મુ-કાશ્મીર તંત્રના આદેશથી જુલાઇ, 2021 માં પણ કલંકિત કર્મચારીઓ સામે અભિયાન છેડાયું હતું, જે દરમિયાન કુલ 11 કર્મચારીને ગેરરીતિઓના આરોપસર સસ્પેન્ડ કરાયા હતા. આતંકીઓ સાથે સાંઠગાંઠ બદલ બે પોલીસકર્મી સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ હતી. બંધારણની કલમ 311(2)(સી) હેઠળ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.