- આજે ‘વર્લ્ડ ડોલ ડે’: પ્રેમ, ખુશી અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણને પ્રોત્સાહન આપવાનો એક અનમોલ અવસર, ઢીંગલી માત્ર રમકડું જ નહીં, પરંતુ બાળપણની સૌથી વ્હાલી અને અંગત સખી
તમારા બાળપણની સૌથી પહેલી મિત્ર કોણ હતી? કદાચ, એક નાનકડી ઢીંગલી. એક એવું રમકડું જે નિર્જીવ હોવા છતાં, આપણા બાળપણના અનેક સંભારણાં અને લાગણીઓ સાથે જોડાયેલું હોય છે. આજે વિશ્વભરમાં ’વલ્ર્ડ ડોલ ડે’ ઉજવાઈ રહ્યો છે, અને આ દિવસ માત્ર લાકડા, પ્લાસ્ટિક કે કાપડમાંથી બનેલા રમકડાંને યાદ કરવાનો નથી. જૂન મહિનાના બીજા શનિવારે આવતો આ દિવસ, હકીકતમાં, પ્રેમ, ખુશી અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સમજણને પ્રોત્સાહન આપવાનો એક અનમોલ અવસર છે. ઢીંગલીઓ કઈ રીતે માત્ર નિર્જીવ વસ્તુ મટીને લાગણીઓ, શીખ અને સાર્વત્રિક સ્નેહનું પ્રતીક બની શકે છે, તેની જ વાત આજના દિવસે કરવામાં આવે છે.
આ દિવસ ઉજવવાની શરૂઆત 1986માં એક ઢીંગલી સંગ્રાહક અને ઉદ્યોગસાહસિક એવા મિલ્ડ્રેડ સીલી દ્વારા કરવામાં આવી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ઢીંગલીઓ દ્વારા પ્રેમ અને આનંદનો સાર્વત્રિક સંદેશો ફેલાવી શકાય, જે સંસ્કૃતિઓ અને સમુદાયો વચ્ચે વધુ સારી સમજણ અને સહાનુભૂતિ કેળવવામાં મદદરૂપ થાય. સીલી માનતા હતા કે એક ઢીંગલી હાથમાં પકડીને, આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ, ભલેને આપણે જુદા જુદા દેશો, ભાષાઓ કે પૃષ્ઠભૂમિમાંથી આવતા હોઈએ.
રોટરી ડોલ્સ મ્યુઝિયમ: વિશ્ર્વની ઢીંગલીઓનો અનોખો સંગમ
યાજ્ઞિક રોડ પર સ્થિત રોટરી ડોલ્સ મ્યુઝિયમ, ઢીંગલીપ્રેમીઓ અને જિજ્ઞાસુઓ માટે એક અદ્ભુત સ્થળ છે. આ મ્યુઝિયમ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં તેના અનોખા અને વિશાળ ઢીંગલી સંગ્રહ માટે જાણીતું છે. અહીં વિશ્વના 102 થી વધુ દેશોની 1600 થી પણ વધુ વિવિધ પ્રકારની ઢીંગલીઓ પ્રદર્શિત કરવામાં આવી છે. દરેક ઢીંગલી તેના મૂળ દેશના પરંપરાગત પોશાક, સંસ્કૃતિ અને જીવનશૈલીનું પ્રતિબિંબ પાડે છે, જાણે કે એક જ છત નીચે આખા વિશ્વનો સાંસ્કૃતિક નકશો જીવંત થયો હોય.
આ રોટરી ડોલ્સ મ્યુઝિયમે તેના વિશાળ અને વૈવિધ્યસભર સંગ્રહ બદલ લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવ્યું છે, જે તેની વિશિષ્ટતા સાબિત કરે છે. ઢીંગલીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિઓનો પરિચય કરાવવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે, જે બાળકો અને પુખ્ત વયના બંને માટે શીખવાનો અને આનંદ મેળવવાનો અવસર પૂરો પાડે છે. મ્યુઝિયમમાં બાળકો માટે વિવિધ ક્રિએટિવ પ્રવૃત્તિઓ, એક લાયબ્રેરી અને ગિફ્ટ શોપ પણ ઉપલબ્ધ છે, જ્યાંથી મુલાકાતીઓ સુંદર સ્મૃતિભેટ ખરીદી શકે છે. આ મ્યુઝિયમ ઢીંગલીઓના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને બિરદાવીને પ્રેમ, સમજણ અને વિશ્વબંધુત્વનો સંદેશ ફેલાવે છે.
એક નાનકડી ઢીંગલી, હજારો મીઠી યાદો
કેટલાક લોકો માટે ઢીંગલી માત્ર એક રમકડું નથી હોતી, પરંતુ તે બાળપણની સૌથી વ્હાલી અને અંગત સખી હોય છે. એવા લોકો મોટા થાય ત્યાં સુધી પોતાની ઢીંગલીને અત્યંત જતનપૂર્વક સાચવી રાખે છે, જાણે કે તે કોઈ અમૂલ્ય ખજાનો હોય. આ ઢીંગલીઓને તેઓ કોઈને અડવા પણ નથી દેતા, કારણ કે તેમની સાથે બાળપણની અસંખ્ય યાદો, નિર્દોષ વાર્તાલાપ અને અવ્યક્ત લાગણીઓ જોડાયેલી હોય છે. આ ઢીંગલી તેમના જીવનના એવા પડાવની સાક્ષી હોય છે જ્યાં દુનિયા સાવ સરળ અને સપના જેવી હતી, અને તેથી જ તે માત્ર એક રમકડું નહીં, પણ સમયના પ્રવાહમાં સચવાઈ ગયેલો પ્રેમ અને સ્મૃતિઓનો જીવંત અંશ બની રહે છે.
નાના કદમાં સમાયેલી વિશ્ર્વભરની સંસ્કૃતિઓ
* જાપાનની કોકેશી: લાકડામાંથી બનેલી સરળ ડિઝાઇનવાળી ઢીંગલી
* રશિયાની માટ્રિઓશ્કા: ’બાબુશ્કા ડોલ’ તરીકે જાણીતી એકબીજાની અંદર ગોઠવાયેલી આ ઢીંગલીઓ માતૃત્વ અને પરિવારના બંધન દર્શાવે
* ભારતની કઠપૂતળી: રાજસ્થાનની દોરાવાળી રંગીન કઠપૂતળીઓ સદીઓ જૂની લોકકલા અને વાર્તા કહેવાનું માધ્યમ
* જર્મનીની કૈથી ક્રુઝ: વાસ્તવિક દેખાવ અને ઉચ્ચ ગુણવત્તાવાળી હાથબનાવટ માટે જાણીતી
* પેરુની ચિસ્મોસા: આ નાની ઊનવાળી ઢીંગલીઓ ’વરી ડોલ્સ’ તરીકે પણ ઓળખાય
* ઇન્ડોનેશિયાની વાયાંગ ગોલેક: આ લાકડાની કોતરણીવાળી કઠપૂતળીઓ પૌરાણિક કથાઓ અને મહાકાવ્યોના નાટકો માટે પ્રખ્યાત
* નેટિવ અમેરિકન કાચિના: હોપી અને ઝુની આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી આ ઢીંગલીઓ આધ્યાત્મિક ભાવનાઓનું પ્રતીક છે.
* ચેક રિપબ્લિકની મેરિયોનેટ્સ: હાથથી કોતરેલી લાકડાની આ કઠપૂતળીઓનુ યુરોપની સૌથી જૂની અને કલાત્મક પરંપરામાં સ્થાન
* ઇજિપ્તની પ્રાચીન ફેલ્ટ ડોલ્સ: પ્રાચીન ઇજિપ્તમાં ફેલ્ટ (ઉનના) અને પેપિરસમાંથી બનેલી ઢીંગલીઓ બાળકોના રમકડાં તરીકે અને ક્યારેક ધાર્મિક વિધિઓ માટે પણ ઉપયોગમાં લેવાતી