Abtak Media Google News

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય પક્ષોથી લઇને સામાજિક લોકો પણ સક્રિય થઇ ગયા છે. જેમા ગુજરાતની ચૂંટણીમાં સૌથી મોટી વોટ બેંક પાટીદારોએ મોટો નિર્ણય લીધો છે. નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ખાતે ખોડલધામ ખાતે મળેલી મેરેથોન બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે હવે લેઉઆ કે કડવા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં માત્ર પાટીદાર જ લખાશે.

ખોડલધામ ખાતે મળેલી બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું કે હવેથી દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને જરૂર જણાશે તો ચૂંટણીમાં સારા ઉમેદવારને ટેકો પણ આપવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે હવેથી લેઉઆ અને કડવા નહીં પરંતુ માત્ર પાટીદાર જ લખાશે.

રાજકીય તજજ્ઞોના મતે ગુજરાતમાં પાટીદાર વોટબેંક એટલી મોટી છે કે તેનાથી ચૂંટણીમાં હાર જીતનો ફેસલો થાય છે. જો કે અત્યારસુધી પાટીદારોની લેઉઆ અને કડવા એમ અલગ અલગ ફાંટા પડેલા હતા. બંનેની પોતાની વોટબેંક અને સંસ્થાઓ કાર્યરત હતી. ઉંમિયા ધામ દ્વારા પણ ખોડલધામના નરેશ પટેલના નિર્ણયને સમર્થન આપ્યાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બેઠક પહેલા નરેશ પટેલે પત્રકારો સાથે વાતચીતમાં પહેલા જ અંદેશો આપી દીધો હતો કે આગામી ચૂંટણીમાં કોઇ પાટીદાર નેતા જ મુખ્યમંત્રી બનશે. તેઓએ કહ્યું હતું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, ‘અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી, તે મુદાઓની ચર્ચા આજે અમે આ બેઠકમાં કરી. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવા આગેવાન હજી સુધી મળ્યા નથી. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજનો વ્યક્તિ મુખ્યમંત્રી ન હોય. આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોયે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.