ફક્ત આવક બમણી નહીં મબલખ પાક લણવા સરકાર ઉનાળુ પાકમાં અડધો અડધ વધુ ઉતારો લેવડાવશે !!!

કઠોળ, તેલીબીયા જેવા ઓછી પિયતે વધુ ઉત્પાદન આપતી જણસોની આવકની સાથો સાથ અન્ન ખાદ્ય ઘટાડવા અને હુડિયામણ માટે ફાયદારૂપ

ખેડ, ખેતર ને પાણી… લાવી સમૃધ્ધિ તાણી… કૃષિ પ્રધાન દેશની આભા ધરાવતા ભારતમાં કુલ વસ્તીના ૮૦ ટકા ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની આબાદી પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે ખેતી સાથે જોડાયેલ છે. ભારતીય અર્થતંત્ર અને વિકાસ દર પર કૃષિ ક્ષેત્રે સવિશેષ પ્રભાવ રહેલ છે. અલબત ભારતની ખેતી સંપૂર્ણપણે મૌસમ આધારીત હોવાથી અત્યાર સુધી ખેતી અને ખેડૂતની આવક અનિશ્ર્ચિત હોવાથી કૃષિને ઉદ્યોગનો દરજ્જો મળતો નથી પરંતુ હવે સરકારે કૃષિ ક્ષેત્રના કાયાપલટ માટે હાથ ધરાવેલા પ્રયાસોથી ભારતમાં વધુ એક હરિત ક્રાંતિની સંભાવનાનો સૂર્યોદય થયો છે.

કૃષિ ક્ષેત્રના વિકાસથી ફક્ત આવક બમણી નહીં સાથે સાથે મબલખ પાક લણવા સરકારે સિંચાઈ પ્રવૃતિ અને ઉનાળુ પાકમાં અડધો અડધ વૃદ્ધિ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. સરકારે ૨૦૨૧ના આયોજનમાં ઉનાળુ પાકના વિસ્તારમાં ૫૦ ટકાની વૃદ્ધિ કરાવીને ૩૪ લાખ હેકટરમાં ઉનાળુ વાવેતર કરાવ્યું હતું.

ઉનાળુ પાકમાં વધારો કરાવીને સરકાર કઠોળ, તેલીબીયા કે જેમાં પાણીની ઓછી જરૂર પડે છે અને ખાદ્ય-અન્નમાં વધારો કરે છે. તેવા પાકો માટે સરકારે પ્રોત્સાહન આપવાનો અભિગમ બનાવ્યો હોવાનું કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

નવી નીતિ અને આયોજનના ભાગરૂપે ઉનાળુ પાક કે જે બરછટ ધાનની વ્યાખ્યામાં આવતા હોય તેવા અનાજનું ઉત્પાદન કરવા સરકારે કમરકસી છે. માર્ચથી જૂન મહિના દરમિયાન દેશના ૧૩ રાજ્યોમાં સિંચાઈની પુરેપુરી સુવિધાઓ ઉભી કરીને રવિ પાક પછી અને ખરીફ પાક પહેલાના સમયગાળામાં આવા અવેજ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા સરકારે આયોજન કર્યું છે. અત્યાર સુધી બરછટ ધાનનું વાવેતર માત્ર કૃષિ જમીનના માત્ર ૨ ટકા ભૂમિ પર જ થતું હતું પરંતુ હવે મરછટ ધાનનું વાવેતર વધશે જે કઠોળ અને તેલીબીયાની અવેજીમાં ઉપયોગી થશે અને આયાતની નિર્ભરતા ઘટાડશે.

કૃષિ વિભાગના આંકડા મુજબ દેશમાં ૧૨૮ જેટલા જળ સ્ત્રોતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૨૨ ટકા જેટલો વધારો થયો છે. જેનાથી ઉનાળાની સિંચાઈ માટેની સમયસર પાણી મળી રહે તેવા સંજોગોમાં ઉભા થયા છે અને સરકારે સાથે સાથે પ્રમાણીત બિયારણ, જંતુનાશક દવા અને ખાતર ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે.

દેશના બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન ઉનાળુ વાવેતર તરીકે કઠોળની ખેતી થાય છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પાંચ મીલીયન ટન ધાન, તેલીબીયાનું ઉનાળુ પાક તરીકે ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

કોવિડ-૧૯ મહામારી દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવાની ક્ષમતા ધરાવતા પોષક પદાર્થ તરીકે મકાઈ, બાજરો, જુવાર, રાગી જેવા ધાનની વિશ્ર્વકક્ષાએ માગ ઉભી થઈ છે. ખેડૂતો માટે આવી વસ્તુનું વાવેતર અને વિકાસની તકો વધી છે. ઉનાળુ પાક તરીકે ઈમ્યુનિટી પાવર વધારતી જણસના વાવેતરથી ખેડૂતોની આવક વધશે અને સરકારે પણ ખેડૂતોને નાઈટ્રો સેરેલલ એટલે કે, નાઈટ્રોજન  પોષક તત્વો ધરાવતા અને ઓછા પાણીથી ઉત્પન્ન થતાં પાકોનું વાવેતર કરી કમાણીની તક ઝડપી લેવા વ્યવસ્થા કરી છે.

Loading...