હોસ્પિટલ ચોક બ્રિજનું કામ કોઇપણ ભોગે જુલાઇ અંત સુધીમાં પુરૂં કરવા એજન્સીને નોટિસ

ન્યૂ રાજકોટમાં ચાલતા ચારેય બ્રિજના કામમાં ઝડપ વધારવા કોન્ટ્રાક્ટરને ફરી એક વખત કરાઇ તાકીદ

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હાલ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં અલગ-અલગ રાજમાર્ગો પર પાંચ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નાણાકીય ભીડ સહિતના કારણોને લીધે બ્રિજના કામ મંદ ગતિએ આગળ ધપી રહ્યા છે. હોસ્પિટલ ચોક બ્રિજનું કામ જુલાઇમાં પૂર્ણ થઇ જશે અને તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે તેવી જાહેરાત શાસકો દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ગત મહિને કપચીના ધંધાર્થીઓની હડતાલના કારણે બ્રિજના કામમાં ખૂબ ઢીલ થવા પામી હતી. દરમિયાન તાજેતરમાં તમામ બ્રિજના કોન્ટ્રાક્ટર સામે મ્યુનિ.કમિશનર દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ ચોકના બ્રિજના કોન્ટ્રાક્ટરને કોઇપણ ભોગે બ્રિજનું કામ જુલાઇ  અંત સુધીમાં પૂર્ણ કરવા કડક તાકીદ કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજનું 85 ટકા કામ પૂર્ણ થઇ જવા પામ્યું છે. ગત મહિને કપચીના ધંધાર્થીઓની હડતાલના કારણે એક પખવાડીયું કામમાં થોડી ઢીલ થવા પામી હતી. દરમિયાન તાજેતરમાં બ્રિજનું કામ કરતી એજન્સી અજંતાને 24 કલાક કામ ચાલુ રાખી જુલાઇ અંત સુધીમાં કામ પુરું કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત ન્યૂ રાજકોટમાં 150 રીંગ રોડ પર કેકેવી ચોક બ્રિજનું કામ 45 ટકા અને જડ્ડુસનું કામ 40 ટકા જેવું થવા પામ્યુ છે. જેમાં કામમાં ઝડપ વધારવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.