ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક સંપન્ન: તળાવમાંથી માટી લઈ જતા નાના ખેડૂતો પ્રત્યે માનવીય અભિગમ દાખવવાની સૂચના: જિલ્લાના વિવિધ પ્રશ્ર્નોનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરની તાકીદ

જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યોએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરએ અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના સ્થળાંતર કરતા શ્રમિકોના બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનો તાત્કાલિક ધોરણે લાભ આપવા સંબંધિત વિભાગોના અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી. સ્થાનિક તળાવમાંથી માટી લઈ જતા નાના ખેડૂતો પ્રત્યે માનવીય અભિગમ દાખવવા કલેક્ટરએ સંબંધિતોને ખાસ અનુરોધ કર્યો હતો

બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરે બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. વિવિધ સરકારી વિભાગના અધિકારીઓએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગની કામગીરીની વિગતો આ બેઠક્માં રજૂ કરી હતી. ઉપલેટા-પાટણવાવ પુલ, એનિમલ હોસ્ટેલ, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, ગામતળની જમીનનું સનદ વિતરણ, શાપર ચોકડીની ટ્રાફિક સમસ્યા, મંજૂર થયેલા પી.એચ.સી.નું બાંધકામ સત્વરે શરૂ કરવા, વગેરે બાબતો વિશે આ બેઠકમાં સવિસ્તરચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશ ટીલાળા અને જીતુભાઈ સામાણી, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સૂર્યકુમાર યાદવ, પ્રાંત અધિકારીઓ સર્વ કે. જી. ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લીખીયા, શ્રી સંદીપ વર્મા, ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા, પી.ડી.યુ.ના. તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એસ. ઠુંમર, વિભાગીય નાયબ નિયામક ડો. ચેતન મહેતા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક સી. એન. મિશ્રા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી આરોગ્ય અધિકારીઓ ડો. એન. એમ. રાઠોડ તથા ડો. પી.કે. સિંઘ, પશુપાલન અધિકારી ખાનપરા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, બાગાયત અધિકારી આર.કે બોઘરા, સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.