Abtak Media Google News
  • નોંધોની નામંજૂરીની સંખ્યા વધી રહી હોય, કેસોનું ભારણ ઘટાડવા મહેસુલ તપાસણી કમિશનરનો તમામ જિલ્લા કલેકટરને આદેશ
  • સબ રજીસ્ટ્રાર કચેરીએ વેચાણ દસ્તાવેજ કરાવવા આવે ત્યારે જ અરજદારને હાથોહાથ નોટિસ આપી દેવાની પણ સૂચના

હક્કપત્રકમાં નોંધ દાખલ કરાવવાની કામગીરીમાં 135 ડીની નોટિસ આપવામાં આવતી ન હોય, નોંધ નામંજૂરીની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી હોય જેને પગલે કેસોનું ભારણ પણ વધી રહ્યું હોય, મહેસુલ તપાસણી કમિશનરે તમામ જિલ્લા કલેકટરને ફરજીયાત 135 ડીની નોટિસો આપવાનો આદેશ કર્યો છે.

મહેસુલ વિભાગની સ્ટેટ મોનીટરીંગ સેલના મહેસુલ તપાસણી કમિશનર જેનું દેવને આ મામલે સત્તાવાર પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જેમાં જણાવાયું છે કે   ઇ-ધરા વ્યવસ્થાપન હેઠળ ખાતેદારને ગામ નમુનાનં.6 (હકકપત્રક) માં વિવિધ પ્રકારની નોંઘો કોમ્પ્યુટરાઇઝ રીતે દાખલ કરવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. વર્તમાનમાં તાલુકા ઇ-ધરા કેન્દ્ર ખાતે ગામ નમુના નં .6 માં કાચી નોંઘ દાખલ થાય ત્યારબાદ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ – કલમ -135 (ડી) મુજબ હિતસંબંઘ ઘરાવનાર વ્યકિતઓને નોટીસ આપવામાં આવે છે.

અત્રેથી ગામ નમુનાનં.6 (હકકપત્રક) માં દાખલ થયેલ નોંઘોના આખરી નિર્ણયની ચકાસણી કરતાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ -135 (ડી) મુજબની નોટીસ બજવાયેલ ન હોવાના કારણે નોંધો નામંજુર કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે. સદરહુ નોંઘો માત્ર નોટીસ બજવાયેલ ન હોવાના કારણે નામંજુર કરવાથી અરજદારોને અગવડતાની સાથે ગુજરાત જમીન મહેસૂલ નિયમોની કલમ -108 ( 5) મુજબની અપીલોમાં પણ વધારો થાય.સબબ ઇ – ઘરા ખાતે દાખલ થતી દરેક પ્રકારની નોંઘોમાં 135 – ડીની નોટીસની બજવણી બિનચુક થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહે છે.

વધુમાં, ખેતીની જમીન લગત થયેલ રજીસ્ટર દસ્તાવેજ દ્વારા નોંધાયેલ વેચાણ અંગેની તબદિલીની પ્રક્રિયા ઝડપી, સરળ તથા પારદર્શક બનાવવાના હેતુથી વિભાગના તા.7/10/2021ના ઠરાવ ક્રમાંક : આઇટીપી/102010/173/હ-2 થી દસ્તાવેજની નોંઘણી સબરજીસ્ટ્રાર કચેરીમાં થયા બાદ ઓટોમ્યુટેશનથી વેચાણની નોંઘ ગામ નમુનાનં.6 (હકકપત્રક)માં દાખલ થાય તે મુજબની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવેલ છે. હાલમાં મોટા ભાગના જીલ્લામાં તાલુકા સેવા સદન ખાતે સબ રજીસ્ટ્રાર કચેરી તથા મામલતદાર કચેરી એક જ બિલ્ડીંગમાં બેઠક વ્યવસ્થા ઘરાવે છે. સબરજીસ્ટ્રાર કચેરી ખાતે થતી પ્રક્રિયા મુજબ જમીનના વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવવા 7/12 મુજબના તમામ ખાતેદાર સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે રૂબરૂ હાજર રહેલ હોય છે. જેથી સબરજીસ્ટ્રાર કચેરી ખાતે વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા બાદ લાગુ મામલતદાર કચેરીના ઇ – ઘરા કેન્દ્ર ખાતેથી 13 પ (ડી) ની નોટીસ હિત સબંધ ધરાવનાર વ્યક્તિઓને રૂબરૂ બજવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો આ સમગ્ર પ્રક્રિયા સચોટ અને ઝડપી બનાવી શકાય છે.

ઉપર્યુક્ત વિગતે કાયદાની જોગવાઈ મુજબ કાચી નોંઘ દાખલ થયેથી 135 – ડીની નોટીસની બજવણી સમયમર્યાદામાં થાય તથા વેચાણની નોંઘના કિસ્સામાં ઉપર સુચવ્યા મુજબની અમલવારી કરી શકાય તે અંગે યોગ્ય સુચના  તાબાના કર્મચારીઓને કરવી તથા નોંઘ દાખલ થયેથી નોંઘનો નિકાલ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂરુપે થાય તે માટે અંગત ધ્યાન આપવાનું રહેશે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.