Abtak Media Google News

૧૬ જાન્યુઆરીથી માંડી અત્યાર સુધીમાં ૩૩.૭૦ લાખ હેલ્થવર્કર્સને રસીનાં પ્રથમ ડોઝ અપાયા

પ્રથમ તબકકામાં ૩ કરોડને રસી આપવાનું લક્ષ્યાંક એપ્રીલ સુધીમાં પૂર્ણ કરવા કવાયત

કોરોના વાયરસના કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા ભારત, અમેરિકા, બ્રિટન, રશિયા સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. ભારતમાં પ્રથમ તબકકામાં ૩ કરોડ હેલ્થ અને ફ્રંટલાઈન વર્કસને રસી આપવાની ઝુંબેશ એપ્રીલ માસ સુધીમાં પૂર્ણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૩૩.૭ લાખ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અપાઈ ચૂકયા છે.ત્યાર હવે ફ્રંટલાઈન વર્કર્સને સોમવારથી ‘કોરોના કવચ’ અપાશે

હેલ્થ વર્કર્સ બાદ હવે, ફ્રંટલાઈન વર્કર્સને રસી આપવાની શરૂઆત ૧લી ફેબ્રુઆરીથી થશે આ ફ્રંટલાઈન વર્કર્સમાં પોલીસ, પોલીટીશ્યન, મીડિયા કર્મચારીઓ તેમજ જાહેરક્ષેત્રમાં કામ કરનારાઓનો સમાવેશ છે. ગઈકાલે એડીશનલ હેલ્થ સેક્રેટરી મનોહર અગનાણીએ તમામ રાજયો અને સંઘ પ્રદેશોને પત્ર લખી નિર્દેશ કર્યા છે કે, કોરોના સામેની લડાઈને વધુ ઝડપી અને મજબૂત બનાવવાના ધ્યેય સાથે આગળ વધી, ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડીયામાં ફ્રંટલાઈન વર્કર્સને રસીનાં ડોઝ આપવાની શરૂઆત થશે જેમાં કોવિશીલ્ડ અને કોવેકિસનના ડોઝ અપાશે.

એડી. સ્વાસ્થ્ય સચીવ મનોહર અગનાણીએ જણાવ્યું કે, કોવિન પ્લેટફોર્મ પર ૯૪ લાખ હેલ્થવર્કર્સ અને ૬૧ લાખ ફ્રંટલાઈન વર્કર્સની નોંધણી થઈ છે કુલ ૩૩.૭૦ લાખ લોકોને રસી અપાઈ જેમાંથી સૌથી વધુ રસીકરણ ઉતરપ્રદેશમાં થયું છે. ૧૦ રાજયોમાં કુલ લક્ષ્યાંકના ૭૨ ટકાથી વધુ કામગીરી થઈ ગઈ છે. જેમાં યુપીનો હિસ્સો ૧૨.૬ ટકા છે જે બાદ કર્ણાટક ૯ ટકા સાથે બીજા ક્રમે છે.

સીરમ ઈન્સ્ટિટયુટે બીજી એક રસી ‘નોવાવેકસ’ના પરીક્ષણ માટે માંગી મંજૂરી

ઓકસફોર્ટ યુનિવર્સિટી સાથે મળી સંયુકત રીતે કોવિશીલ્ડ રસી વિકસાવનાર ભારતની સીરમ ઈન્સ્ટીટયુટે વધુ એક પોતાની રસીનાં પરિક્ષણ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગી છે. જેનું નામ ‘નોવાવેકસ’ છે ડીસીજીઆઈનાં વીજી સોમાણી અને કેન્દ્રીય ઔષધી માનક નિયંત્રણ સંગઠનના વિશેષજ્ઞો સીરમ ઈન્સ્ટીટયુટના આવેદન પર રસીની પ્રક્રિયાને લઈ તપાસ કરી રહી છે. સીરમ ઈન્સ્ટીટયુટે અમેરિકાની કંપની નોવાવેકસ ઈન્ક સાથે મળી આ રસીનું ઉત્પાદન કર્યું છે જે કોરોનાના નવા સ્ટ્રેન પર પણ પ્રભાવી હોવાનો દાવો કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.