હવે દસ્તાવેજની નોંધણી વખતે બીયુ કે પ્લાનની કોપી માંગવામાં નહિ આવે

દસ્તાવેજની નોંધણી વખતે બીયુ પરમિશન અને પ્લાનની કોપી માંગવા અંગે તાજેતરમાં નોંધણીસર નિરિક્ષક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર બાદ દસ્તાવેજની નોંધણીમાં પ્રજાને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેથી આ બાબતે રાજ્યના મહેસુલ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના પગલે મહેસુલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોંધણી વખતે બિનખેતી હુકમ, બીયુ પરમિશન અને મંજૂર લે-આઉટ પ્લાન મરજિયાત ગણવા અધિકારીઓને સૂચના આપી હતી. આમ, દસ્તાવેજની નોંધણી વખતે બીયુ પરમિશન કે પ્લાનની કોપી માંગવા આવશે નહિં તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસૂલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોંધણી વખતે બિનખેતી હુકમ,
બીયુ પરમિશન અને મંજૂર લે-આઉટ પ્લાન મરજિયાત ગણવા અધિકારીઓને સૂચના આપી 

મળતી માહિતી મુજબ રાજ્યના નોંધણીસર નિરિક્ષક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં દસ્તાવેજ નોંધણી વખતે બિનખેતીના હુકમની તથા બીયુ પરમિશન તથા મંજૂર લે-આઉટ પ્લાન વિગેરેની માંગણી કરવામાં આવી હતી. આ પરિપત્રના અનુસંધાને દસ્તાવેજની નોંધણી સમયે પ્રજાને પડતી મુશ્કેલીઓ બાબતે મહેસુલ મંત્રી તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં વિવિધ અધિકારીઓ ઉપરાંત વિવિધ એસોસિએશનના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં તાજેતરમાં અમલમાં આવેલી રજીસ્ટ્રેશન સુધારા તથા નવા ફોર્મ નંબર-1ના કારણે દસ્તાવેજની નોંધણી સમયે પ્રજાને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે નવીનીકરણ ફોર્મ નં.1માં બિનખેતીના હુકમ, બીયુ પરમિશન તથા મંજૂર લે-આઉટ પ્લાન વિગેરેની માંગણી કરવામાં આવેલી હતી. તે બાબતે મહેસુલ મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.

મહેસુલ મંત્રીએ પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇને દસ્તાવેજ નોંધણી વખતે બિનખેતીના હુકમ, બીયુ પરમિશન તથા મંજૂર લે-આઉટ પ્લાન વિગેરે ફરજિયાત નહિં પરંતુ મરજિયાત ગણવાના રહેશે.

તેવી સૂચના જે-તે વિભાગના અધિકારીઓને આપી હતી. ઉપરાંત ચેકલીસ્ટ બાબતે થયેલી રજૂઆતોનો પણ બે દિવસમાં વ્યવહારૂં નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળે છે. આમ મહેસુલ મંત્રી દ્વારા દસ્તાવેજની નોંધણી વખતે પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.