- સરકારી વકીલોની નિમણુંકથી માંડી રેકર્ડ, રજીસ્ટ્રાર અને જ્યુડીશિયલ સ્ટાફની સેવાઓ હવે ગૃહ વિભાગના દાયરામાં
રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલ સુધી રાજ્યની તમામ અદાલતોમાં ચાલતી ફોજદારી કેસોમાં કાર્યવાહી સંબંધિત તમામ બાબતો કાયદા વિભાગ હેઠળ આવતા હતા જે હવાલો હવે ગૃહ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યની તમામ અદાલતોમાં ચાલતી ફોજદારી કેસો પર ગૃહ વિભાગની નજર રહેશે. નિષ્ણાંતો આ નિર્ણયને અત્યંત મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય ગણાવી રહ્યા છે. આ નિર્ણયની અસરના ભાગરૂપે હવે જિલ્લા અદાલતો અને ગુજરાત હાઇકોર્ટ સહિત તમામ અદાલતોમાં સરકારી વકીલોની સેવાઓનું નિયમન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય હવેથી રાજ્યના ગૃહ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ લીધો છે. જેમાં રાજ્યની તમામ અદાલતોમાં ચાલતી ફોજદારી કાર્યવાહી કાયદા વિભાગની જગ્યાએ ગૃહ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેના લીધે હવે સરકારી વકીલો, અધિક સરકારી વકીલોની નિમણૂક ઉપરાંત ખાસ ફરિયાદીઓની નિમણૂક પણ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આમ, ગૃહ વિભાગ, જે મુખ્યત્વે પોલીસ સેવાઓનું સંચાલન કરે છે, તે ફોજદારી કેસોમાં કોર્ટ કાર્યવાહીના પાસાને પણ સંચાલિત કરશે, જેની તપાસ પોલીસ એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે.
એક ઠરાવમાં રાજ્યના કાનૂની વિભાગે જણાવ્યું છે કે તેને રાજ્ય સરકાર તરફથી આદેશ મળ્યો છે કે કાનૂની વિભાગના કાર્યક્ષેત્ર હેઠળની બધી શાખાઓ જે અત્યાર સુધી ફોજદારી કાર્યવાહીનું ધ્યાન રાખી રહી છે, તેને રાજ્યના ગૃહ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે જિલ્લાઓમાં ફોજદારી કેસોનું ધ્યાન રાખતી બી-1 શાખા, તેને ફાળવવામાં આવેલા વિષયો, રેકોર્ડ, રજિસ્ટ્રાર અને સ્ટાફ રાજ્યના ગૃહ વિભાગને ટ્રાન્સફર કરશે.
એ જ રીતે કાનૂની વિભાગમાં બી-શાખા, જે ફોજદારી કેસોમાં ચુકાદાઓ સામે દાખલ કરાયેલી અપીલોનું ધ્યાન રાખે છે, તે પણ તેના સંસાધનો રાજ્યના ગૃહ વિભાગને ટ્રાન્સફર કરશે.
અગાઉ, સીઆરપીસીની કલમ 18 અને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 18, રાજ્ય સરકારને ફરિયાદીઓની નિમણૂક અને સેવાઓનું નિયમન કરવાની સત્તા આપે છે.
હવે આ બાબતની અસર પેન્ડિંગ કેસો પર પણ આવે તેવો આશાવાદ છે. કારણ કે, ગુજરાતની વિવિધ અદાલતોમાં 15 લાખથી વધુ કેસો પેન્ડિંગ છે. જે પૈકી 12 લાખ ક્રિમિનલ કેસો છે જેથી તારીખ પે તારીખને ટાળવા આ પગલું લેવામાં આવ્યું હોય તેવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.
રાજ્યની વિવિધ અદાલતોમાં 12.11 લાખ ક્રિમિનલ કેસો પેન્ડિંગ
ગત વર્ષે ગુજરાતમાં પેન્ડિંગ કેસો અંગે રાજ્યસભામાં કાયદા વિભાગે આંકડા રજૂ કર્યા હતા. 15 નવેમ્બર, 2024 સુધીમાં ગુજરાતની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ કેસો અંગે આંકડા આપતાં કાયદા વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 15,61,196 કેસો પેન્ડિંગ છે જે પૈકી 12,11,030 કેસો એકલા ક્રિમિનલ કેસો છે જયારે 3,50,166 સિવિલ પેન્ડિંગ કેસો છે અને 50,128 કેસો ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ હોવાનું કાયદા વિભાગે જણાવ્યું હતું.
તારીખ પે તારીખને ભૂતકાળ બનાવી પ્રજાનો ન્યાયતંત્ર પર ભરોસો વધારવા નિર્ણય લેવાયો?
રાજ્યની વિવિધ અદાલતોમાં 15.61 લાખ કેસો પેન્ડિંગ છે જેના લીધે બોલીવુડ ફિલ્મ દામિનીનો ડાયલોગ તારીખ પે તારીખ યથાર્થ ઠરતો જોવા મળે છે ત્યારે તારીખ પે તારીખને ભૂતકાળ બનાવી પેન્ડિંગ કેસોનો ભરાવો અટકાવી પ્રજાને ન્યાય અપાવી ન્યાયતંત્ર પર ભરોષો વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો હોય નિષ્ણાંતો માની રહ્યા છે.