હવે ખેડૂતોને સરળતાથી હવામાનની સચોટ માહિતી મળશે, રાજ્યમાં સ્થપાશે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશન

વેધર સ્ટેશન સ્થાપવા માટે બજેટમાં રૂ.12 કરોડની જોગવાઈ: 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લીનીક માટે પણ રૂ.2 કરોડ ફાળવાયા

ખેડૂતોને હવામાન અંગેની સચોટ જાણકારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ ગામોમાં 1800 ઓટોમેટીક વેધર સ્ટેશન સ્થાપવામાં આવશે અને આ માટે રૂા.12 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની જાહેરાત આજે નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂા.7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને હવામાન આધારીત માર્ગદર્શન સમયસર અને સચોટ મળી રહે તે માટે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશન સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે બજેટમાં 12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રોગ, જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેની અસરકારક નિવારણ માટે પ્રાયોગીક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લીનીક સ્થાપવામાં આવશે આ માટે રૂા.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટીકના બે ટપ વિનામુલ્યે આપવા 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસીંગ માટે એકમ દીઠ રૂા.10 લાખની સહાય માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત 82 કરોડ, બીજ ઉત્પાદન ખેડૂતોને ઉત્તેજન આપવા ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટીફાઈડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂા.55 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનનું સિધુ વેંચાણ રાજ્યના ખેડૂત દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારોમાં કરવા માટે ઓર્ગેનિક એગ્રીકલ્ચર માર્કેટ યોજના માટે રૂા.200 કરોડની યોજના કરવામાં આવી છે.